વડોદરા : અમદાવાદની યુવતીએ ગળેફાંસો ખાઇ કરી લીધો આપઘાત, કારણ અકબંધ

નોકરીથી પરત આવીને યુવતીએ પંખા પર લટકીને ગળા ફાંસો ખાઇ લીધો

વડોદરા શહેરના અકોટા ગાર્ડન સામેના એપાર્ટમેન્ટમાં રહેતી 25 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. અમદાવાદ શહેરમાં રહેતી અને વડોદરામાં જોબ કરતી યુવતીએ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ રહસ્યમય સંજોગોમાં પંખા પર લટકીને ગળા ફાંસો ખાઇ લીધો હતો. આઇટી કંપનીમાં નોકરી કરતી યુવતીની આત્મહત્યા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી વિગત મુજબ, વડોદરાના અકોટા વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતી અને IT કંપનીમાં HR તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય દીપિકા મગનભાઇ બરંડા(રાજપુત)એ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. મૂળ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામની વતની છે અને પરિવાર હાલ 1, પૂજા એપાર્ટમેન્ટ, જૂના વાડજ, અમદાવાદ ખાતે રહે છે. યુવતી છેલ્લા ત્રણ વર્ષથી દિવાળીપુરા સ્થિત રિલિફ સ્ટાર્ટ ઇન નામની IT કંપનીમાં HR(હ્યુમન રિસોર્સીસ) તરીકે ફરજ બજાવતી હતી. ત્રણ મહિના પહેલાં જ દીપિકાએ અકોટા વિસ્તારમાં આવેલા સન સ્ટોન એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન ભાડે રાખી રહેવા આવી હતી.

દીપિકાની નોકરી રાત્રની રહેતી હોવાથી તે સવારે જ ઘરે આવી હતી. ગઈ કાલે રાતે તેની તબિયત ખરાબ થતાં તે ઘરે આવી ગઈ હતી. સવારે તેની કામવાળી ફ્લેટ પર ગઈ હતી, પરંતુ ફ્લેટ નહીં ખુલતા તે ચાલી ગઈ હતી. બીજી તરફ વહેલી સવારથી તેના મિત્રો અને સાથીકર્મીઓ સતત તેનો સંપર્ક કરવા માટે ફોન કરી રહ્યાં હતા. પરંતુ ફોન પર કોઇ જવાબ મળ્યો ન હતો. આ પછી બપોરે દીપિકાના કેટલાંક મિત્રો ફ્લેટ પર આવ્યા હતા, પણ દરવાજો બંધ હતો. જેથી તેમણે પોલીસને કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.

કંટ્રોલરૂમ દ્વારા ફાયર બ્રિગેડ તેમજ ગોત્રી પોલીસને જાણ કરાતા તેઓ ફ્લેટ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ ફ્લેટની ગેલેરીમાં પહોંચી તપાસ કરતા દીપિકા પંખે લટકતી હાલતમાં મળી આવી હતી. ગોત્રી પોલીસને દીપિકાના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી.પોલીસે તેનો મોબાઈલ કબ્જે લીધો છે. મોબાઈલ ફોન લોક હોવાથી પોલીસ તેને અનલોક કરી તેમાં સોશિયલ મીડિયા તેમજ છેલ્લી તેની કોની સાથે વાતચીત થઈ છે તે અંગેની તપાસ કરી માહિતી મેળવી સુસાઇડનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરશે.

 90 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર