અમદાવાદ : વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ પાણીનો નિકાલ નહિ

વિજયમીલથી ઓમનગર રેલવે ક્રોસિંગ સુધીનો રસ્તો પાણી પાણી

અમદાવાદમાં વરસાદની આવનજાવન ચાલુ છે. શહેરના અમુક વિસ્તારમાં વરસાદ પડે છે તો અમુકમાં પડતો નથી પરંતુ શહેરના અમુક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ ભલે થોડો પડે પણ તેનાથી ભરાતું પાણી વરસાદ બંધ થઇ ગયાના ૨૪ કલાક પછી પણ યથાવત જોવા મળે છે. વિજય મિલથી ઓમનગર રેલ્વે ક્રોસિંગ જતા રસ્તે પણ કાલનો વરસાદ બંધ થઇ ગયો હોવા છતાં ૨૪ કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી જેના કારણે શાળાએ જતાં બાળકોને પાણીમાં થઈને શાળાએ જવાનો વારો બુધવારે આવ્યો હતો.

છેલ્લા ૧૫ દિવસથી અમદાવાદમાં વરસાદ એક દિવસ આવે તો બે દિવસ આવતો નથી પરંતુ શહેરના ઘણા રસ્તાઓ એવા છે કે વરસાદ એક કલાક પડ્યા બાદ જો રહી જાય તો પણ વરસાદી પાણી ૨૪ કલાક બાદ પણ યથાવત ભરાયેલું જોવા મળે છે. અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર ઝોન વિસ્તારના ઇન્ડિયા કોલોની વોર્ડમાં સમાવિષ્ટ વિજય મિલ સામે આવેલા નરોડા ફાયર સ્ટેશનથી ઓમનગર રેલ્વે ક્રોસિંગને જોડતો રસ્તો તેનું આ દ્રશ્ય ઉદાહરણ છે. મંગળવાર બપોર બાદ આ વિસ્તારમાં વરસાદ પડયો નથી પરંતુ આ રસ્તા પર વરસાદી પાણીનો નિકાલ ૨૪ કલાક બાદ એટલે કે બુધવાર બપોર ૧ કલાક બાદ પણ થયો નથી. આ માર્ગે એક અમદાવાદ મહાનગર પાલિકાના સ્કુલ બોર્ડ સંચાલિત સરકારી શાળા તેમજ ક્રોસિંગની બીજી સાઈડ પર બે ખાનગી શાળા આવેલી છે. ૨૪ કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલના થતાં શાળાએ જતા વિધાર્થીઓને વરસાદી પાણીમાં થઈને શાળાએ જવું પડ્યું હતું.

એક સ્થાનિક જાગૃત નાગિરક અભિલાષ પ્રિયદર્શીએ પાણીનો નિકાલ ના થયેલા વિસ્તારનો વિડીયો ટવીટ કરીને અમદાવાદ મહાનગર પાલિકાને ઓનલાઈન ફરિયાદ કરી હતી જેના જવાબમાં એએમસીએ રૂટીન જવાબ આપતાં લખ્યું હતું કે તમારી ફરિયાદ નોધાઇ ગઈ છે અને સબંધિત વિભાગને મોકલવામાં આવી છે.જયારે અન્ય એક સ્થાનિકે કહ્યું હતું કે લાખો રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષ પહેલા જ આખું રેલ્વે ક્રોસિંગ નવું બનાવવામાં આવ્યું છે પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા પાછળ ના તો રેલ્વે વિભાગે ના તો એએમસીએ ધ્યાન આપ્યું જેના કારણે લાખો રૂપિયાના ખર્ચ પછી પણ પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા યથવાત છે. જયારે અન્ય એક સ્થાનિકે કહ્યું હતું કે આ રસ્તે સ્થાનિક મહિલા કાઉન્સિલરના વિવાદિત પતિ દિવસમાં ઓછામાં ઓછા પાંચથી સાત વખત તો રોજ નિકળતા જ હશે પણ તેમને તો કારમાં જવાનું હોવાથી આ સમસ્યા દેખાય નહિ તે પણ સ્વાભાવિક જ છે ને.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી