અમદાવાદ : ફાયર સેફટી ના ધરાવતી 37 શાળાઓને નોટિસ

કોર્પોરેશનની આકરી કાર્યવાહી બાદ શાળા સંચાલકોમાં ખળભળાટ

અમદાવાદમાં કોર્પોરેશનએ ફાયર સેફટી ના ધરાવતી 37 શાળાઓને નોટિસ ફટકારી છે. સાથે બિલ્ડિંગ વપરાશ બંધ કરવા ફાયર વિભાગે હુકમ કર્યો છે. શહેરમાં કોમર્શિયલ મિલકતોમાં ફાયર સેફ્ટી અને ફાયર NOCને લઇ હાઇકોર્ટનાં આકરા વલણ બાદ ગંભીર બનેલાં AMC દ્વારા મોટેરા સ્થિત આસારામ આશ્રમમાં ચાલતી આસારામ ગુરૂકુળ સહિત 37 શાળાને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવતાં શાળા સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને ખ-10 હેઠળ નોટિસ આપી હતી. તેમ છતાં પણ તેમના દ્વારા ફાયર એનઓસી મેળવવામાં ન આવતાં આખરે ફાયરબ્રિગેડે તેમના બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટે આખરી હુકમ આપ્યો છે.મહત્વનું છે કે શહેરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન ધરાવતાં અનેક એકમો સામે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તવાઇ લાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશને આ પૂર્વે પણ બીયુ પરમિશન વગરની હોસ્પિટલો પર મનપાએ તવાઇ બોલાવી છે.ફાયર સેફ્ટી તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 42 હોસ્પિટલોની માન્યતા રદ કરવામાં આવી છે અને સાત દિવસમાં જ હોસ્પિટલ ખાલી કરવા મનપાએ આદેશ આપ્યો હતો. સાત દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી હોસ્પિટલ ખાલી કરવાની રહેશે અને કોર્પોરેશનને આ અંગે જાણ કરવાની રહેશે. મહત્વનું છે કે, આ હોસ્પિટલોને અપાયેલું ફોર્મ-C રદ કરવામાં આવ્યું છે.

આ અગાઉ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 161 એકમોને પત્ર લખીને ફાયર NOC કરવા જાણ કરી હતી. ફાયર NOC રિન્યૂ કરવાની તારીખ નજીક આવતા આ એકમોને જાણ કરાઇ હતી. જો આ એકમો NOC રિન્યૂ કરવાનું ભૂલી જાય તો તેના વપરાશકર્તા કે કબ્જેદારને હાલાકી પડતી હોય છે. જેથી કોઇ હાલાકી ન પડે તે માટે અગાઉથી ફાયર વિભાગ દ્વારા જાણ કરાઇ હતી.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી