અમદાવાદ રથયાત્રા સંપન્ન, નિજમંદિર પહોંચ્યા નાથ

ના હાથી ના ઘોડા, નગરચર્યાએ નિકળ્યા હતા જગન્નાથ

રૂટ પર કર્ફ્યૂ સાથે અમદાવાદમાં રથયાત્રા નીકળી

અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

હાલમાં ત્રણેય રથ નિજમંદિર પહોંચ્યા છે. માત્ર બે કલાકમાં પોણી રથયાત્રા પુરી થઈ ગઈ છે. કોટ વિસ્તારમાં ચુસ્ત કરફ્યુ જોવા મળી રહ્યો છે. ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યાં છે જ્યાં બહાર પ્રદીપસિંહ જાડેજાએ રથનું સ્વાગત કર્યું હતું. 10.46 વાગે પહેલો રથ જગન્નાથજીનો પરત આવ્યો ત્યારબાદ 10.49 વાગે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ 10.51 વાગે મંદિરમાં પરત આવ્યો છે.

  • આજે વહેલી સવારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ફૂલનો હાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો. 
  • કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ પરિસરમાં જગરાજના દર્શન કરી રવાના થયા હતા. 
  • મંગળા આરતી બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાનના નેત્ર પરથી પાટા દૂર કર્યા હતા.
  • પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સવારે 7 વાગે પહિંદ વિધિ યોજાશે અને રથયાત્રાના રૂટ પર કરર્ફ્યું રહેશે. તેમણે નગરજનોને ટીવીના માધ્યમથી રથયાત્રા જોવા માટે વિનંતી કરી હતી. 
  • આજે કચ્છીઓનું નવું વર્ષ હોવાથી પ્રદીપસિંહ જાડેજાએ કચ્છીઓને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. 
  • ભગવાનને રથયાત્રામાં બિરાજમાન કરવાની પ્રક્રિયા શરૂ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. મુખ્યમંત્રીને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી વિજય ભાઈએ દર વર્ષે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની અને રથ યાત્રાના મંદિર થી પ્રસ્થાન માર્ગની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપ્પન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવી કોરોના મુક્ત રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે. સમગ્ર રાજ્યમાં સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

આજે અષાઢી બીજ કચ્છી સમાજના લોકોના નવ વર્ષની શરૂઆત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છી સમાજના લોકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિશેષમાં કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિચાર ના પગલે કચ્છ જિલ્લામાં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી મળે તે પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નર્મદા ના આ જળ કચ્છ જિલ્લાની સમૃદ્ધિમાં વધારો કરશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા છે પરંતુ નગરજનો ઘરે બેઠા દર્શનનો લાભ લે તે જરૂરી છે તેવી તેમણે અપિલ કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઘરે બેઠા દર્શનનો લહાવો નગરજનો મેળવી શકે તે માટે ની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીમાંથી દેશ અને ગુજરાત જલ્દી મુક્ત થાય અને રાજ્યની પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે તે માટે ભગવાન જગન્નાથ ને પ્રાર્થના કરી છે.
આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટ પરમાર , ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જ્હા અને અન્ય આગેવાનો જગન્નાથજીના દર્શન-અર્ચન માટે ઉપસ્‍થિત રહ્યા હતાં.

 167 ,  1