અમદાવાદ : સાણંદમાં બંધ રૂમમાં મહિલાની ધડથી અલગ મળી લાશ, ખૂની પતિ ફરાર

પોલીસે કાતિલ પતિને ઝડપી પાડવા શરૂ કરી તપાસ

અમદાવાદ નજીક સાણંદમાં ચાર મહિના પહેલા દામ્પત્ય જીવનમાં પ્રવેશ કરનાર પત્નિની પતિએ ગળુ કાપી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. ગઢવીવાસ પાસે બનેલા હત્યાના બનાવને લઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગયો હતો. કાતિલ પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી ઘરમાં તાળુ મારી ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે પોલીસે ખૂની પતિને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

વિગત મુજબ, સાણંદ વિસ્તારમાં હોળી ચકલા નજીક આવેલા ગઢવી વાસમાં હત્યાની સનસની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી ફરાર થઇ ગયો હતો. ભાડાના મકાનમાં ચાર દિવસ પહેલાં રહેવા આવેલાં હિતેશ ભાઇ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને હંસાબેન (પતિ-પત્ની)ના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા.

ગુરુવારે સવારે મકાનમાં દુર્ગંધ મારતાં પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈ ઘરનું લોક ખોલાવીને જોતાં પથારી પર હંસાબેનનું ધડથી માથું અલગ કરી ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવી હતી. તો બીજી તરફ પતિ મોબાઈલ બંધ કરી નાસી જતાં પોલીસની શંકાઓ પ્રબળ બની હતી. ઘટના બનતાં સાણંદ ડિવિઝનના ડીવાયએસપી કે.ટી. કામરિયા પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ચકો હિતેશભાઈ ગોહિલે હત્યા કર્યાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ આપતા મૃતક મહિલાના ભાઇએ જણાવ્યું હતું કે, કોઇ અગમ્ય કારણોસર મારી બહેનનું તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હિતેશ ઉર્ફે ચકો ફરાર થઇ ગયો છે. સવારે પોણા દસ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મારી બહેન હંસાબેનનું ગળુ કાપી માથુ ધડથી અલગ કરી, લાશ ઘરમાં મુકી તાળુ મારી ફરાર થઇ ગયો છે.

નોંધનિય છે કે, હત્યા પાછળ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, તો બીજી તરફ હત્યા પાછળ પતિનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે પોલીસે આરોપી પતિને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી