અમદાવાદ : કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલ વર્ષો જુના પ્રાચીન મંદિરનો રસ્તો બંધ, સ્થાનિકોમાં રોષ

કેન્ટોનમેન્ટના ચૂંટાયેલા સભ્યોની મંજૂરી વગર બોર્ડના સીઇઓએ રસ્તો બંઘ કરી દીધો

અરજીકર્તાએ બોર્ડના સીઇઓ પર લગાવ્યા આરોપ

સાબરમતીના કિનારે આવેલ પ્રાચીન મંદિરની અંદર ગણેશ વિસર્જન તેમજ છઠ પૂજા થાય છે

શહેરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલ 100 વર્ષ જુના પ્રાચીન મંદિરનો રસ્તો ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો હોવાનો સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. કોન્ટોનમેન્ટ બોર્ડના સીઇઓએ વગર પરવાનગીએ મંદિર જવાનોનો રસ્તો બંધ કરી દીધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, એટલું જ નહીં કોઇપણ પ્રકારના જાહેરનામાં બહાર પાડ્યા વગર બોર્ડના સીઇઓ દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી થાય તેમજ રસ્તો ખૂલ્લો કરી દેવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. સાબરમતીના કિનારે આવેલ મંદિરની અંદર દર વર્ષે ગણેશ વિસર્જન તેમજ છઠ પૂજા થાય છે. જો કે આ રસ્તો બંધ થતાં ધાર્મિક લાગણી દુભાઇ હોવાનું અનુભવી રહ્યા છે. આ અંગે એક સ્થાનિકે સરકારને અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે.

અરજીકર્તા તુષાર પરમારે જણાવ્યું છે કે, અમદાવાદ કેન્ટોનમન્ટ વિસ્તારમાં સાબરમતી નદી કિનારે 100 વર્ષ જુનું દશામાંનું એક પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં ગણેશ વિસર્જન તેમજ છઠ પૂજા થાય છે. પરંતુ કેન્ટોનમન્ટ બોર્ડના સીઇએ ધીરજ સોનાજે વગર પરવાનગીએ મંદિરનો રસ્તો બંધ કરી દીધો છે. કેન્ટોનમેન્ટ એક્ટની કલમ 258 હેઠળ બાંયધરીકૃત કાર્યવાહીનું પાલન કર્યા વિના પ્રાચીન મંદિરનો રસ્તો બંધ કરી દેવાયો.

અરજીકર્તાએ જણાવ્યું હતું કે, કોઇપણ કામ માટે કેન્ટોનમેન્ટની બેઠકમાં સર્વાનુમતે મંજૂરી મળ્યા બાદ નિર્ણય લેવામાં આવે છે. મંજૂરી માટે બેઠકમાં અલગ અલગ એજન્ડા રજૂ કરવામાં આવે છે ત્યાર બાદ પરવાનગી મળે છે. જો કે મંદિરનો રસ્તો બંધ કર્યો તેમાં કોઇપણ પ્રકારની બેઠક કરવામાં આવી નથી, તેમજ વગર બેઠકે બોર્ડની સીઇઓએ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક આપી મંદિર જવાના માર્ગ પર લોખંડનો દરવાજો લગાવી, રસ્તો બંધ કરી દીધો છે. એટલું જ નહીં આ જગ્યા ડિફેન્સ એસ્ટેટ અધિકારક્ષેત્રમાં આવતી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવ્યો છે.

તો બીજી તરફ આ અંગે સીઇઓ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે મંદિરના રસ્તે લોકો કચરો ઠાલવા જતા હોવાથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જો કે અરજીકર્તા તુષાર પરમારનો આરોપ છે આ જગ્યા પર 100 વર્ષ જુના પ્રાચીન મંદિરની પાસે વિવિધ ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં ખાસ કરીને નદી કિનારે ગણેશ વિસર્જન કુંડ તેમજ દર વર્ષે છઠ પૂજા કરવામાં આવે છે. એકાએક રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકો ધાર્મિક લાગણી દુભાઇ હોવાનો અહેસાસ કરી રહ્યા છે.

આ અંગે અરજી કર્તાએ બોર્ડની સીઇઓ ધીરજ સોનાજે સામે કાયદેસરની કાર્યવાહી થાય તેમજ મંદિરનો રસ્તો તાકિદે ખોલી દેવમાં આવે તેવી માંગ સરકાર સમક્ષ રજૂ કરી છે.

 175 ,  1