અમદાવાદ : નારોલ પીરાણા રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 મુસાફર ઘાયલ

નારોલમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના નારોલમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમા કેટલાક મુસાફર ઘાયલ થયા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.સૂત્રો પાસેથી અહેવાલ મળ્યા મુજબ ટ્રક ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યો હતો, અને ટ્રક ડિવાઈડર તોડીને વિરુદ્ધ દિશામાં ઘૂસી જતા સામે આવી રહેલી બસમાં ધડાકેભેર અથડાઈ હતી, સાથે સાથે આ બસની પાછળ આવી રહેલી અન્ય એક ટ્રક પણ અથડાઈ હતી.

નારોલના પીરાણા પાસે સર્જાયેલ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે. મળતી વિગત મુજબ, આજે વહેલી સવારે 6.20 વાગ્યાની આસપાસ સરખેજ નારોલ હાઈવે પર લક્ઝરી, ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી ટ્રકે કાબૂ ગુમાવતા તે ડિવાઈડર ક્રોસ કરીને સામેની સાઈડ આવી ગઈ હતી અને લક્ઝરી ટ્રક તથા આઈસર ટેમ્પોને અડફેટે લીધું હતું. 

લક્ઝરીના ડ્રાઈવર અનિલ કુમારે જણાવ્યું કે, સવારે 6.20 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. અમારી લક્ઝરી બસ નારોલથી આવી રહી હતી અને ટ્રક નારોલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ટ્રક ડિવાઈડર ક્રોસ કરીને સામે આવી ગઈ હતી. અમારી લક્ઝરી બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી 7 લોકો ઘાયલ થયા છે. મને પણ પગમાં વાગ્યું છે. 

તમામ ઘાયલોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો અકસ્માતને પગલે નારોલ સરખેજ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રકને ટોઈંગ કરીને ખસેડવામાં આવી હતી. તો સાથે જ ટ્રાફિક પોલીસે વહેલી તકે ટ્રાફિકને દૂર કર્યો હતો. 

 114 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર