અમદાવાદ : રાજસ્થાનના બે શખ્સોની હથિયાર સાથે ધરપકડ

ઝોન-2 LCBએ બે પિસ્તોલ અને 21 કારતુસ જપ્ત કર્યા

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાંથી દેશી બનાવટી બે પિસ્તલ તેમજ કારતૂસ સાથે બે શખ્સોની ઝોન-2 લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. બાતમીને આધારે ઝોન-2 LCBએ રાજસ્થાનના બે બદમાશોને હથિયાર સાથે દબોચી લીધા છે. હાલ આ મામલે LCBએ બન્ને શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરી છે. હથિયાર ક્યાંથી અને ક્યા લઇ જવાતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

LCBને બાતમી મળી હતી કે રાજસ્થાનના બે શખ્સ અમદાવાદમાં હથિયાર વેચવા આવ્યા છે. જેની માહિતીના આધારે વોચ ગોઠવી સાબરમતી વિસ્તારમાંથી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભાદ્રાજૂન ગામના ઓમપ્રકાશ મેઘવાલ અને અમિતકુમાર પટેલની ધરપકડ કરી છે. તેમની પાસેથી બે પિસ્તોલ અને 21 કારતુસ મળી આવ્યા છે.

પૂછપરછમાં હથિયાર તેઓ મધ્યપ્રદેશથી કોઈ સરદારજી નામના શખ્સ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. બંને આરોપીઓમાં ઓમપ્રકાશ મેઘવાલ રાજસ્થાનમાં છ માસ પહેલા આર્મ્સ એકટના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. જ્યારે અમિત પટેલ 2017માં વિશાખાપટ્ટનમ ખાતે 3 કિલો સોનાની લૂંટમાં પકડાઇ ચુક્યો છે. બંને આરોપીઓમાં એક આરોપી અગાઉ અમદાવાદમાં હથિયાર આપવા આવી ચુક્યો હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી અગાઉ કોઈને હથિયાર આપ્યા છે કે કેમ અને અહીંયા કોને હથિયાર આપવાના હતા તેની તપાસ શરૂ કરી છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી