અમદાવાદ : બેફામ કાર ચાલકે ચાર લોકોને કચડ્યા, મહિલાનું ઘટના સ્થળે જ મોત

 શિવરંજનીના બીમાનગર પાસે નિંદ્રાધીન લોકો પર કાર ફરી વળી 

બે કાર ચાલકોએ રેસ લગાવી ગરીબ મહિલાનો ભોગ લીધો

અમદાવાદમાં મોડી રાત્રે શિવરંજનીના બીમાનગર પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ કાર ચાલકે નિંદ્રાધીન લોકોને અડફેટે લીઘા હતા. જેમાં એક મહિલાના મોતની ખબર છે. તો બીજી 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક યુવકોની રાત્રિ કરફ્યૂમાં ખાલી રોડ પર કાર ચલાવવાની મસ્તીએ ગરીબ લોકોનો જીવ લીધો છે. 

વિગત મુજબ, 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કારના ચાલકે ફૂટપાથ પર સૂતેલા ચાર લોકોને કચડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંતુબેન ભાભોર નામના મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મહિલા પર કારના વ્હીલ ફરી વળતા ત્યાં જ દમ તોડી દીધો હતો. તો જતન ભાભોર, વિક્રમ ભાભોર, સુરેખબેન કાલુ, બાબુભાઈ ભાભોરને ઈજાઓ પહોંચી હતી.

ચાર ઈજાગ્રસ્તો પૈકી બે બાળકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બાળકોને નાના-મોટી ઈજાઓ થતા શેલ્ટર હોમમાં ખસેડી ત્યાં સારવાર શરૂ કરવામાં આવી છે. આ તરફ અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો.

હાલ એન ડિવીઝને ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. હિટ એંડ રનની ઘટના અંગે 108ને જાણ કરનારા સુજન ઠક્કરે કહ્યું કે ઘટના રાત્રીના સવા બારથી સાડા બાર વાગ્યાની આસપાસની છે. ઘટનાની થોડી ક્ષણોમાં જ તે ત્યાં પહોંચ્યા હતાં.

સુજન ઠક્કરના મતે બે કાર હતી. એક અકસ્માત સર્જનાર આઈ ટવેન્ટી કાર હતી. તો બીજી કાર ક્રેટા હતી. બન્ને કાર ચાલકોએ રેસ લગાવી હોવાનો પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે. આટલું જ નહીં આઈ ટવેન્ટી કારમાં ચાર લોકો સવાર હતાં. જે અકસ્માતની ઘટના બાદ લોકોના મારથી બચવા અન્ય કારમાં બેસી ફરાર થઈ ગયા હતાં.

આ ઘટના પરથી સવાલ એ ઉઠી રહ્યા છે કે ક્યારે અટકશે રફતારનો કહેર. રાત્રી કર્ફ્યુના સમયમાં આ બની તો પોલીસ શું કરી રહી હતી. અકસ્માતની ઘટનાને આઠથી દસ કલાકનો સમય વિતી ગયો છતા હજુ સુધી કેમ પોલીસ આરોપી સુધી ન પહોંચી શકી. અમદાવાદ શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ છે તો કેમ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

 117 ,  1