AIIMSના ડાયરેકટરની ચેતવણી – બ્રિટનનો નવો વાયરસ વધુ ચેપી અને ખતરનાક, ડરવાની જરૂર નથી – સાવધાની રાખો

કોરોના સંક્રમણને લઈને ભારતની સ્થિતિ મજબૂત

બ્રિટનમાં આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને ધીરે ધીરે ભારતમાં પગપેસારો કરી દીધો છે. દેશમાં આ નવા સ્ટ્રેનના અત્યાર સુધીમાં 20 કેસ સામે આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે એમ્સના ડાઈરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ નવા સ્ટ્રેન વિશે કહ્યું કે તે ખુબ જ ચેપી છે અને તેનાથી આપણે વધારે સાવધાની રાખવાની જરૂર છે.

નવા કોરોના સ્ટ્રેન વિશે જાણકારી આપતા એમ્સના ડાઈરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ‘કોવિડ-19 વાયરસે દુનિયાભરમાં અનેક જગ્યાએ પોતાનું સ્વરૂપ બદલ્યું છે. પરંતુ બ્રિટનથી શરૂ થયેલા આ નવા કોરોના સ્ટ્રેનને લઈને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે તે વધુ ચેપી અને ઝડપથી ફેલાય છે.’

રણદીપ ગુલેરિયાએ એવી શક્યતા પણ વ્યક્ત કરી કે નવો સ્ટ્રેન ઘણા લાંબા સમયથી ભારતમાં આવી ચૂક્યો છે. તેમણે કહ્યું કે ‘એવું બની શકે કે બ્રિટનનો આ નવો સ્ટ્રેન નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં જ ભારતમાં આવી ગયો હોય. આંકડા જણાવે છે કે આ સ્ટ્રેન ખુબ જ ઝડપથી ફેલાય છે. પરંતુ ભારતમાં કોરોના કેસમાં છેલ્લા 4 થી 6 અઠવાડિયા દરમિયાન કોવિડના કેસમાં કોઈ ભારે વધારો જોવા મળ્યો નથી.’

એમ્સના ડાઈરેક્ટરે કહ્યું કે નવા સ્ટ્રેનથી કોરોના વાયરસના કેસ અને હોસ્પિટલાઈઝેશન પર અસર પડી શકે છે. આવામાં આપણે વધુ સાવધાની વર્તવાની જરૂર છે. જેથી કરીને તેને ભારતમાં વ્યાપર સ્તરે ફેલાતો અટકાવી શકાય.

ડો. ગુલેરિયાએ કહ્યું કે ભારત હાલમાં સારી સ્થિતિમાં છે. આપણા દૈનિક કેસમાં ઘટાડો આવ્યો છે. રિકવરી રેટ પણ વધ્યો છે અને મૃત્યુદર ઘટ્યો છે. તેઓએ સલાહ આપતાં કહ્યું કે નવા સ્ટ્રેનના કારણે વધારે સાવધાની રાખવાની જરૂર છે. એ નક્કી કરવાની જરૂર છે કે તે ભારતમાં વધારે પગપેસારો ન કરે.

 52 ,  1