ડોક્ટરો જ હડતાલ પર ઉતરશે, તો દર્દીઓની સારવાર કોણ કરશે ?

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી લડાઈ હવે રાજકીય લડાઈ બનતી જાય છે. અહીં એક જૂનિયર ડોક્ટર સાથે થયેલી મારઝૂડની ઘટના પછીથી મેડિકલ એસોસિયશનમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે તેમજ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે, તેથી પશ્ચિમ બંગાળમાં હડતાલને કારણે સ્વાસ્થ્ય સેવાઓને ગંભીર ઝટકો લાગ્યો છે. આ હડતાલની આગ હવે રાજધાની દિલ્હી સુધી પહોંચી ગઈ છે. અને દિલ્હી મેડિકલ એસોસિયેશને પણ ૧૪ જુને મેડિકલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો મહારાષ્ટ્રમાં પણ ડોક્ટરોએ ૧૩ જુન સાંજે પાંચ વાગ્યા સુધી કામથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ ડોક્ટરોએ વિરોધ દર્શાવવા માટે પટ્ટી બાંધીને કામ કર્યું હતું. તેવામાં સવાલ ઉભો થયો છે કે, ડોક્ટરો જ હડતાલ પર ઉતરશે, તો દર્દીઓની સારવાર કોણ કરશે ?

રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ડોક્ટર્સને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો તેઓ કાર્ય પર પાછા નહીં ફરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે મમતાના અલ્ટીમેટમની ડોક્ટર્સ પર કોઈ અસર થઈ નથી. બંગાળમાં ડોક્ટર્સની હડતાલની અસર હવે દેશના અન્ય હિસ્સામાં પણ જોવા મળી રહી છે.આ વિવાદ હવે એટલો વધી ગયો છે કે, કોર્ટ સુધી પહોંચી ગયો છે. હડતાલ વિશે કોલકત્તા હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જે વિશે ૧૪ જુને સુનાવણી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોલકાતામાં એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક દર્દીનાં મોત બાદ ભીડ દ્વારા પોતાના બે ડોક્ટરો પર હુમલાને કારણે પ્રદર્શન કરી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને આ હુમલા વિરુધ્ધ ડોક્ટરોની એકજૂટતા દેખાડવા માટે ૧૪ જુને અખિલ ભારતીય વિરોધ દિવસ ઘોષિત કર્યો છે. તો એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ સાઈબલ મુખર્જી અને વાઈસ પ્રિન્સિપાલ સૌરભ ચડોપાધ્યાયે પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેતાં રાજીનામું આપી દીધું છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી