રાજકોટની સોની બજારમાં ભરબપોરે લૂંટ, 24 લાખ સોનાના બિસ્કિટ લઈ બે શખ્સો ફરાર

ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી બદમાશોએ ચલાવી હતી લૂંટ

રાજકોટની સોની બજારમાં ભરબપોરે લૂંટની ઘટના બની હતી.  બે ગઠિયા એક વેપારી પાસેથી લાખોનું સોનુ લઈ ફરાર થઈ જતા પોલીસે દોડતી થઇ હતી. જૂનાગઢના વેપારી રીક્ષામાં જતા હતા ત્યારે ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી બે શખ્સોએ અટકાવ્યા બાદ 500 ગ્રામ સોનુ તથા રોકડ સાથેની બેગ લઈ નાસી છૂટયા હતા. આ મામલે રાજકોટ પોલીસે નાકાબંધી કરી વધુ ચોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

વિગત મુજબ, બપોરે 3-30 વાગ્યા આસપાસ રાજકોટ પોલીસ કન્ટ્રોલને રૂમને જૂનાગઢના સોની વેપારી દીપકભાઈ જોગીયાએ જાણ કરી હતી કે કોઈ બે શખ્સો ક્રાઈમ બ્રાન્ચના અધિકારી-કર્મચારી તરીકે ઓળખ આપી તેમના સોનાના 500 ગ્રામ બિસ્કિટ લઈ નાસી છૂટ્યા છે. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી, તેમજ જિલ્લાભરમાં નાકા બંધી કરી દીધી હતી. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જૂનાગઢના સોની વેપારી દીપકભાઈ જોગીયા કે જેઓ સોના-ચાંદીના ઘરેણાં બનાવવાનું કામ કરે છે. તેઓ રાજકોટની સોની બજારમાં આજે સોનુ ખરીદવા માટે આવ્યા હતા. તેઓ સોની બજારમાંથી રીક્ષા બેસી બસ સ્ટેશન આવવા માટે નીકળ્યા હતા. ત્યારે જ કોઈ વૃદ્ધ પેસેન્જર કરણસિંહજી હાઈસ્કૂલવાળા રોડ પર સીટી ગેસ્ટ હાઉસ નજીક ઉભા હોવાથી રીક્ષા ચાલકે રીક્ષા રોકી હતી અને ત્યારે જ એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા. તેણે સોની વેપારીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી – કર્મચારી હોવાની ઓળખ આપી હતી અને ‘તુમ્હારે પાસ જો સોના હે વો ચેક કરના હે, તુમ બ્લેક કા સોના લે કે નીકલે હો’ તેમ કહી સોનાના બિસ્કિટ વાળું બેગ ચેક કરવા માંગ્યું હતું. બેગની લઈ આરોપીઓએ રીક્ષા બાઈકની પાછળ લેવા સુચના આપી હતી. રીક્ષાચાલક અને વેપારી કંઈ સમજેતે પૂર્વે બંને લુટારૂ બાઈકમાં ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ ઈરાની ગેંગની હોવાની પ્રાથમિક શંકા દર્શાવવામા આવી છે.

ત્યારબાદ તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવતા ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતનો કાફલો ધસી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને લૂંટનો ભોગ બનેલા વેપારી પાસેથી લૂંટારૂઓના વર્ણન સહિતની વિગતો વિશે પૂછપરછ કરવામાં આવી હતી.

 16 ,  1