સ્તનપાન કરાવતી માતાઓ માટે ચારેય કોરોના વિરોધી રસી સુરક્ષિત

કોવેક્સિન, કોવિશીલ્ડ, સ્પુતનિક વી અને મોડર્નાનો સમાવેશ

ભારત કોરોનાની બીજી ધાતક લહેર ઓસરી રહી છે આ સ્થિતિ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, પિક પર પહોંચ્યા બાદ હવે કોરોના મહામારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશના મોટાભાગના રાજ્યો સહિત જિલ્લામાં કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ કોરોનાનો રિકવરી રેટ 96.9 ટકા છે. આ સિવાય નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકસિત મોડર્ના વેક્સિનને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં અત્યાર સુધી ડેલ્ટા વેરિએન્ટના 51 કેસ સામે આવ્યા છે.

દેશમાં હવે ચાર કોરોના વિરોધી વેક્સિન છે જેમાં કોવેક્સિન, કોવિશીલ્ડ, સ્પુતનિક વી અને મોડર્ના છે એટલું જ નહીં ફાઇઝરની સાથે પણ જલદી કરાર કરી લેવામાં આવશે. આ સાથે ડો. પોલે કહ્યુ કે, આ ચારેય કોરોના વેક્સિન (કોવૈક્સિન, કોવિશીલ્ડ, સ્પુતનિક વી અને મોડર્ના) સ્તનપાન કરાવતી માતાઓ માટે સુરક્ષિત છે. ભારતમાં રસીકરણ અભિયાનની જાણકારી આપતા સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, દેશમાં 27.27 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે અને 5.84 કરોડ લોકોને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.

કોરોનાના રસીકરણ કાર્યક્રમમાં ભારતે અનેક મોટા દેશોને પાછળ છોડી દીધા છે. વૈશ્વિક આંકડાની જાણકારી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, દુનિયામાં કોરોના વેક્સિનના ડોઝ આપવામાં ભારત આગળ છે. અમેરિકાને પાછળ છોડતા ભારતને 32 કરોડના બેંચમાર્ક સુધી પહોંચવામાં 163 દિવસ લાગ્યા. તો અમેરિકાને 193 દિવસ લાગ્યા હતા.

 69 ,  1