September 20, 2021
September 20, 2021

રાજભવનની શપથવિધિ માટે તમામ તૈયારીઓ – કોઇ આવ્યા જ નહીં…

ભાજપમાં નવા મંત્રીમંડળને લઇને એકમતિનો અભાવ

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બન્યા પછી હવે નવા મંત્રીઓ આવતી કાલે શપથ લેવાના છે. આવતી કાલે 1.30 વાગ્યે શપથવિધિ યોજાવાની છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, નો રિપિટ થિયરીને કારણે અનેક નેતાઓ નારાજ થયા છે. જોકે, આજની તારીખે શપથવિધિ સમારોહના બેનર અને પોસ્ટર પણ છપાઈ ગયા હતા, છતા આવતીકાલે શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ છે. આમ, હાલ ભાજપમાં મોટાપાયે આંતરિક ડખો અને વિખવાદ ચાલી રહ્યો હોય તેવુ લાગે છે. હવે આવતીકાલે 1.30 વાગ્યે શપથગ્રહણ યોજાય તેવી શક્યતાઓ છે. 

શપથગ્રહણ સમારંભ છેલ્લી ઘડીએ કેમ રદ થયો તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ શકી. જોકે, એવી ચર્ચા છે કે, નવા મંત્રીમંડળમાં રુપાણી સરકારમાં ફરજ બજાવી ચૂકેલા તમામ મંત્રીઓને પડતા મૂકાવાના છે તેવી અટકળો બાદ શરુ થયેલી દોડધામ વચ્ચે આજે શપથવિધિ મોકૂફ રાખવામાં આવી છે. હવે આવતીકાલે બપોરે 1.30 કલાકે શપથવિધિ યોજાશે તેવી જાહેરાત પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈપણ ધારાસભ્યને મંત્રી બનાવવાની હજુ સુધી વાત કરવામાં નથી આવી.

ગઈકાલે એવા સમાચાર આવ્યા હતા કે ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ ગુરુવારે શપથ લેવાનું છે. જોકે, આજે સવારે શપથવિધિ આજે જ યોજાશે તેવા સમાચાર આવવા લાગ્યા હતા. જેમાં કાલ સુધીમાં મંત્રીઓેને તેમના ખાતાંની ફાળવણી પણ થઈ જશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે, શપથવિધિ સમારંભની રાજ્યપાલ ભવનમાં તમામ તૈયારી પણ શરુ થઈ ગઈ હતી. આજની તારીખના પોસ્ટર્સ પણ લગાડી દેવામાં આવ્યા હતા, અને સાંજે ચાર વાગ્યે શપથવિધિ થવાની છે તેવું કન્ફર્મ પણ થયું હતું. ખુદ સી.આર. પાટીલે તેની પુષ્ટિ કરી હતી. તેવામાં આ કાર્યક્રમ અચાનક કેન્સલ થતાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

ગુજરાતના રાજકીય ઈતિહાસમાં શપથગ્રહણ સમારંભની તમામ તૈયારી થઈ ગઈ હોય, તેના પોસ્ટર્સ પણ લગાવી દેવાયા બાદ શપથવિધિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોય તેવું કદાચ અગાઉ ક્યારેય નથી બન્યું. સીએમ બદલયા બાદ શરુ થયેલા આ રાજકીય નાટકમાં આજે મંત્રીઓનો શપથગ્રહણ સમારંભ રદ થતાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોવાની પણ શક્યતા દેખાઈ રહી છે. ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પરંતુ હાલ પાર્ટીમાં જ અસંતોષ ઉભો થયો હોવાથી શપથગ્રહણ સમારંભ રદ કરાયો હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે.

એવી પણ ચર્ચા છે કે, સંભવિત કેબિનેટ તેમજ જુનિયર મંત્રીઓના નામની યાદી દિલ્હી મોકલવામાં આવી છે, પરંતુ તેના પર હજુ જવાબ ના આવ્યો હોવાના કારણે પણ આજે શપથવિધિ યોજાઈ શકી નથી. સૂત્રોનું માનીએ તો, તમામ પૂર્વ કેબિનેટ મંત્રીઓેને પડતા મૂકાવાના છે તેવા સમાચારો વહેતા થતાં પૂર્વ સીએમ રુપાણી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મળીને કેટલાક નેતાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ, મંત્રી બનવાની દાવેદારી સાથે પણ કેટલાક ધારાસભ્યોએ ટોચના નેતાઓની મુલાકાત કરતાં મામલો ગૂંચવાયો હતો.

વિજય રુપાણીની અચાનક એક્ઝિટ સાથે ગુજરાતના રાજકારણમાં એક નવો જ વળાંક આવ્યો છે. એક તરફ, પક્ષમાં આ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રુપાણીના મંત્રીઓને પણ પડતા મૂકાવાના હોવાની અટકળો વચ્ચે અસંતોષ ઓર વધ્યો છે. વિધાનસભા ચૂંટણીને માંડ સવા વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે પક્ષમાં ઉભી થયેલી નારાજગી ચૂંટણી સમયે ના નડે તે માટે ભાજપ કોઈ ચાન્સ લેવા નથી માગતો. પાટીદારને સીએમ બનાવવા ઉપરાંત નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ અને પ્રદેશોનું પ્રતિનિધિત્વ યોગ્ય રીતે જળવાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, તેની સામે પક્ષના જ કેટલાક નેતાઓએ મોટો વાંધો લીધો છે.

 52 ,  1