મૃતક વ્યક્તિના નામનું વીલ બનાવીને 250 કરોડની જમીન પડાવી લેવાનું કાવતરુ થયાનો આક્ષેપ

મૃતકના મુત્યુ પામ્યાના બે વર્ષ બાદ તેમના નામનું વીલ તથા ડેથ સર્ટીફીકેટ આવ્યું કયાંથી…?

જમીનના મામલે કોર્ટમાં દાવો ચાલુ હોવા છતાં નામંજુર કરાયાની સરકારી રેકર્ડમાં નોંધ થઇ

રેવન્યુ અધિકારી સહિતના 10 લોકો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા ફરિયાદ આપી

શહેરના રાજપુર- ગોમતીપુરમાં રહેતાં મહિલા શીવીબેન સોંલકી (ઠાકોર)નું 1984માં મુત્યુ થયું હતું. તેમના મુત્યુ પામ્યાં બાદ તેમના નામનું વસીયત / વીલ જ નહીં બલ્કે વસીયત કર્યા બાદ તેઓ મુત્યુ પામ્યાં હોવાનું સર્ટીફીકેટ રજૂ કરીને 250 કરોડની જમીન હડપ કરી જવાનું કાવત્રું રચવામાં આવ્યું હોવાના આક્ષેપ કરતી અરજી શહેર પોલીસ કમિશનર કચેરીમાં થઇ છે. આ અરજીમાં જણાવ્યા મુજબ આ જમીનના મામલે કોર્ટમાં દાવો થયો છે. જે હાલ કોર્ટમાં પડતર છે. છતાં આ દાવો નામંજુર કરવામાં આવ્યો હોવાની સરકારી રેકર્ડમાં નોંધ થઇ જવા પામી છે. જેથી મુતક શીવીબેન સોંલકી (ઠાકોર)ના વારસદારોએ રેવન્યુ અધિકારી સહિતના 10 લોકો સામે ફરિયાદ કરી છે.

અમદાવાદ શહેરના વસ્ત્રાલ ખાતેના ટેકરાવાળા વાસના માજી સરપંચ વાસમાં રહેતાં ભગવાનભાઇ શંકરજી સોંલકીએ શહેર પોલીસ કમિશનર (ઇકોનોમીક ઓફેન્સ વીંગ ( ઈઓડબલ્યુ ) સમક્ષ કરેલી અરજીમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે. અમો ફરિયાદી મુતક શીવીબેન શંકરજી બેચરજી સોંલકી ( ઠાકોર )ના પુત્ર ગાભાજી શંકરજી સોંલકી તથા તેમના પત્ની આશાબેન ગાભાજી સોંલકીના પુત્ર છીએ. અને શીવીબેનના પૈત્ર છીએ. અમારા દાદી શીવીબેનનું મુત્યુ તા.2-4-1984ના રોજ થયું હતું. જયારે અમારા પિતા ગાભાજીનુ મુત્યુ 16-1-1989ના રોજ થયું હતું.

મારા દાદી શીવીબેન સોંલકી (ઠાકોર )ના નામે અમદાવાદ જિલ્લાના વટવા તાલુકાના મોજેગામ વસ્ત્રાલની સીમના સર્વે નં.1128ની 3-85-47 હેકટર. આરે. ચો.મી. ( હાલ ટી.પી. 113, વસ્ત્રાલ, એફ.પી. 88 )વાળી મિલ્કત હતી. અમારા દાદી શીવીબેન શંકરજીનાઓ કાયદેસરના માલિક તથા કબ્જે ભોગવટેદાર હોવાથી રેવન્યુ રેકર્ડમાં ફેરફાર નોંધ નં. 937 તથા 1967થી પ્રમાણિત થયેલી હતી. આ જમીનના કાયદેસરના માલિક મારા દાદી શીવીબેનના મુત્યુના બે વર્ષ બાદ બનાવટી વીલ ઊભું કરવામાં આવ્યું હતું. આ વીલના આધારે વેચાણ દસ્તાવેજ કરીને આ જમીન વેચી દેવામાં આવી હતી. એટલું જ નહીં આ જમીનના સરકારી રેકર્ડમાં જરૂરી નોંધ કરાવીને ફેરફારો કરાવ્યા હતા.

આ અંગે અમે કોર્ટમાં દાવો કર્યો હતો. આ દાવો ચાલુ હોવા છતાં તે દાવો નામંજુર થયો હોવાની પણ સરકારી રેકર્ડમાં નોંધ કરાવવામાં આવી છે. આમ સામાવાળા રણછોડભાઇ બબલદાસ ઉર્ફે બબાભાઇ પટેલ ( રહે. મેઘાણીનગર ), રમેશભાઇ હરીભાઇ પટેલ ( રહે. નિકોલ )  બટુકભાઇ રાણાભાઇ શ્યાણી, ગૈરીબેન ધીરુભાઇ રાણાભાઇ શ્યાણી તથા દિનેશ બટુકભાઇ શ્યાણી ( ત્રણેય રહે. નિકોલ ) ઉપરાંત મગનભાઇ રાણાભાઇ પટેલ ( રહે. બાપુનગર ), હિતેષભાઇ મગનભાઇ પટેલ, દર્શક મગનભાઇ પટેલ તેમ જ જીવરાજ કચરાભાઇ માણસાવાળા ( ડોકટર ) સામે એકબીજાના મેળાપીપણામાં કાવતરું રચી બનાવટી દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા. આ ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને અમારી સર્વે નં. 1128વાળી મિલકત પચાવી પાડવાનો ગુનો કર્યો હોવાથી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ઉપરોક્ત તમામ સામે ગુનો નોંધવા ફરિયાદ કરી છે.

 66 ,  1