પરમબીરસિંહજી, પવારનો સવાલ- જતાં જતાં 100 કરોડ યાદ આવ્યાં..?!

એક સવાલ-શું 100 કરોડની વસૂલી મુકેશ પાસેથી કરવાની હતી…?!

પવાર કહે છે કે પરમબીરસિંહે કમિશ્નરપદ પર રહેતાં કેમ 100 કરોડ વાળી વાત ના કરી..?

પવાર ભલે કહે પણ પરમબીરસિંહના ભાથાંમાંથી તીર નિકળી ગયું, લાગશે માતોશ્રીને..

પરમબીરસિંહની પોલીસ જન્મકુંડળી અંગે શિવસેનાના સામનામાં આવી શકે…

શરદ પવારની પાર્ટીએ તો કહી દીધુ- પરમબીરસિંહ ભાજપ કા દલાલ…!

રાજકારણમાં કેટલાક આંકડા ભૂલાતા નથી, જેમ કે 64 કરોડ…!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

100 કરોડ..રાજકારણમાં કેટલાક આંકડાઓ રાજકારણીઓને એટલા મોઢે થઇ જાય છે કે ઉંઘમાં પણ તેઓ બબડતા હશે- 10 કરોડ….20 કરોડ…50 કરોડ….સો કરોડ…..! 1980ના દાયકામાં શરૂ થયેલો 64 કરોડની બોફોર્સમાં કથિત દલાલીનો આંકડો હજુ પણ રાજકિય જવાબ આપવામાં ઉપયોગમાં લેવાય છે. 100 કરોડનો આંકડો વાજતે ગાજતે બંગાળ પણ પહોંચી ગયો હશે. બંગાળમાં તો કટમની, તોલાબાજી, ભ્રષ્ટાચાર, ભતીજાવાદ પહેલાથી જ ગાજી રહ્યાં છે. લગભગ 400 કરોડની કોયલા તોલાબાજીના આરોપો થયા છે. એ પણ ખરૂ કે કેટલાક આરોપો ચૂંટણી સુધી હોય છે. એક પરિવાર કો 5 સાલ મેં જેલ કે દરવાજે તક લે આયા હું..ઓર પાંચ સાલ દિજીયે સીધે જેલમેં જાયેગે….પાંચ વર્ષમાંથી દોઢ વર્ષ થઇ ગયો. હજુ સાડા ત્રણ વર્ષ બાકી છે. દેખો આગે આગે હોતા હૈ ક્યા..

આગે આગે ક્યા હોગા યે તો મહાભારત કા સૂત્રધાર- મૈં સમય હું… કહેગા પણ મુંબઇમાં મુકેશ અંબાણીના ઘરની બહાર જીલેટીનિયો ખેલ રચાયો તેમાં એક પછી એક ગહરા રાજ…એનઆઇએ દ્વારા એપીઆઇ સચિન વઝેની ધરપકડ પછી ખુલ રહે હૈ… જેમાં એક રાઝ મુંબઇના પોલીસ કમિશ્નર પરમબીરસિંહે એવો ખોલ્યો, અલબત, તેમની બદલી થયા પછી, એવો ધડાકો કર્યો કે મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખે આસિ.પોલીસ ઇન્સ્પેકટર વઝેને 100 કરોડ ભેગા કરીને આપવાનો ટાર્ગેટ આપ્યો હતો…! પરમબીર સિંહની બદલી 25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘરની બહાર મૂકાયેલી વિસ્ફોટક સામગ્રી જીલેટીન સાથેની કાર કેસની તપાસના પગલે મોડે મોડે હાલમાં જ થઇ છે.

એનઆઇએની તપાસમાં જો કે પરમબીરસિંહનું ક્યાંય નામ આવ્યું નથી. તેમની બદલી કરીને હોમગાર્ડઝ યુનિટમાં મૂકવામાં આવ્યાં અને ત્યાંથી ધનધનાઇને…લખ્યો પત્ર…..મારો વાંક શું…મારો ગુનો શું…હોમ મિનિસ્ટરને વઝે કો હર મહિને 100 કરોડ વસૂલી કા ટાર્ગેટ દિયા થા….!.

મહારાષ્ટ્રમાં છેલ્લાં ઘણાં સમયથી શિવસેના અને ભાજપની વચ્ચે સામ-સામે રાજકિય અને વહીવટીય દાવપેચ ચાલે છે. જેમાં શિવસેના જોરમાં હતી પણ મુકેશ અંબાણીના ઘરની બહાર જે ખેલ રચાયો તેના કારણો અને તારણો ધીમે ધીમે એનઆઇએ બહાર લાવશે જે કદાજ શિવસેનાને નહીં ગમે. પણ એનએઆઇ કાંઇ કોઇને ખોટુ લાગી જશે તો…? એવી ચિંતા કરીને તપાસ કરતી નથી. મુંબઇ પોલીસનો સામાન્ય એપીઆઇ વઝેની એનઆઇએ દ્વારા ધપરકડ થતાં જ શિવસેનાની પીછેહઠ થવા લાગી અને ઠાકરે સરકાર દ્વારા પોતાની બદલી કરાયા બાદ તરત જ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહે ઠાકરે સરકાર સામે કાંકરીચાળો નહીં પણ રીતસર લેટરબોંબ ફોડીને શાબ્દિક હુમલો જ કર્યો કહેવાય….પરિણામ એ આવ્યું કે મહારાષ્ટ્ર કી રાજનીતિ મેં સિયાસી હલચલ મચી હુઇ હૈ…ઠાકરે સરકાર જવાબ દે-પૂછતા હૈ ભારત…!! અર્નબ ગોસ્વામી ખુશ હુવા…!! યાદ રહે કે આ એપીઆઇ વઝેને જ સરકારે ગોસ્વામીની ધરપકડ કરવા મોકલ્યો હતો. હવે હિસાબ બરાબર. પહલે અર્નબ જેલ મેં અબ વઝે જેલ કે અંદર…! કેવા કેવા બનાવો હોળીના રંગો.. પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં અનૂઠે-અનોખે..અજૂબે..અફલાતૂન..રંગ બિખેર રહે હૈ..!! ઠાકરે સરકારમાં ભાગીદાર એનસીપીએ તો પરમબીરસિંહને ભાજપા કા દલાલ…કહીને તેમની સામે વિરોધ પણ શરૂ કરી નાંખ્યો..!!

શું એનસીપીના મતે મુંબઇના બદલી કરાયેલા પોલીસ કમિશ્નર છુપા રૂસ્તમ નિકળ્યા..? શું તેમણે પોતાની બદલીથી નારાજ થઇને, મારી બદલી ભલે થઇ પણ મારી બદલી કરનાર આખી સરકારને જ બદલી નાંખુ…એવા કોઇ નિર્ણય પર આવીને 100 કરોડના ટાર્ગેટવાળી વાત જાહેર કરી નાંખી…? .યે બંબઇ શહર હાદશો કા શહર હૈ..યહાં હર દિન હોતા હૈ કોઇ ન કોઇ..હાદશા….હાદશા…!

મહારાષ્ટ્રમાં મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના લેટર બોમ્બ બાદ રાજકીય હલચલ જોવા મળી રહી છે. ઉપરાઉપરી બેઠકો યોજાઇ રહી છે. પરમબીરસિંહે લેટરબોંબ ફોડી તો નાંખ્યો, હવે શું..તેની મથામણમાં આ મામલે એનસીપી સુપ્રિમો પદ્મવિભૂષણ શરદ પવાર ઉવાચ- ગૃહમંત્રી દેશમુખ પર લાગેલા આરોપ ગંભીર છે અને તેની વિરુદ્ધ એક્શન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લેવાના છે. આ અંગે એક-બે દિવસમાં વાતચીત કરી નિર્ણય લેવામાં આવશે.

પરમબીર સિંહની 100 કરોડના આરોપોવાળી, ચિઠ્ઠી આઇ હૈ…ચિઠ્ઠી આઇ હૈ….અંગે પવારે કહ્યું કે, પત્રમાં ૧૦૦ કરોડ વસૂલવા માટે કહેવામાં આવ્યું. પણ મુંબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહે પત્રમાં ક્યાંય લખ્યું નથી કે શું પૈસા આપવામાં આવ્યા છે કે કેમ? સરકારે પરમબીર સિંહને મુંબઇના પો.ક. તરીકે હટાવી હોમગાર્ડમાં મોકલ્યા તે પછી તેમણે ગંભીર આરોપ મૂક્યા છે. તો આ વાત તેમણે એટલે કે પરમબીરસિંહે ત્યારે તે વખતે પોલીસ કમિશ્નરપદ પર રહીને કેમ જાહેર ના કરી..? બદલી થયા પછી જ કેમ કરી…? પવારની વાતમાં દમ તો છે જ. અને કોઇને પણ એમ થાય કે પોલીસ કમિશ્નરની કુર્સી પર બેસીને આવુ બોલ્યા હોત તો તેઓ છવાઇ ગયા હોત. પદ છોડ્યા બાદ 100 કરોડની વસૂલાતના ટાર્ગેટની વાત કરીને તેઓ હવે પોતે ટાર્ગેટ બની જાય તો નવાઇ નહીં…. હવે તો તેમની સામે તપાસ થશે અને તેઓ જ્યાં જ્યાં હતા ત્યાંથી તેમના. કામોની માહિતી પણ બહાર આવશે. ! બની શકે કે ભાજપના કોઇની સાથેના તેમના કનેક્શનની વાત પણ શિવસેના દ્વારા બહાર આવી શકે. પરમબીરસિંહ અને આ બધાની પાછળ ભાજપ છે એવા આરોપો પણ શિવસેનાના મુખપત્ર અખબાર સામનામાં આવી શકે…

આઇપીએસ પરમબીરસિંહ 1988ની બેચના અધિકારી છે.29 ફેબ્રુઆરી, 2020ના રોજ મુંબઇના કમિશ્નરપદે નિમાયા અને 18 માર્ચ, 2021ના રોજ બદલી થઇ ગઇ. તેમની પહેલા મુંબઇના પોલીસ કમિશ્નપદે સંજય બર્વે હતા. અને હોમ મ્નિસ્ટર સામે 100 કરોડની વસૂલીના આરોપ મૂકનાર પરમબીરસિંહ મહારાષ્ટ્ર એસીબીના ડિરેક્ટરપદે પણ હતા. સ્વાભાવિક છે કે પોતાના કાર્યકાળ વખતે તેમણે ઘણાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને લાંચના કેસમાં પકડ્યા હોય. પણ તેઓ છેલ્લે જે પદ પર હતા તે પદ પર બેસવાની તક રાજકીય વગ વગર મળતી નથી. મહાઅઘાડી સરકારમાં તેમના ગોડફાધર કોણ હતા..?

કોઇ ભાજપવાળા તો નહીં જ હોય. પણ ઠાકરે સરકારના ગૃહમંત્રી સામે 100 કરોડની વસૂલીનો એક હજાર કરોડના મૂલ્યનો આરોપ લગાવીને તેઓ ભાજપમાં પ્રિયજન બની ગયા હશે. બની શકે કે તેમની બદલી હવે બીજા રાજ્યમાં થઇ જાય, બની શકે કે તેમને પણ હવે રાજકિય વિરોધથી બચાવવા વાય કે ઝેડ પ્રકારની સુરક્ષામાં રાખવા પડે…બની શકે કે તેઓ હાલમાં પોલીસખાતામાંથી જ નિકળી જાય અને પછી પ્રિયજન પાર્ટીમાં જોડાઇ જાય. પણ કોઇ પક્ષમાં જોડાવાની ઉતાવળ તેઓ નહીં કરે. પણ તેમણે ખાખીમાં રહીને કેસરીને તિર-કમાનવાળી પાર્ટીની સામે બાણ ચલાવવાની તક આપીને એવો માહૌલ બનાવ્યો કે આ સમગ્ર ઘટનાક્રમના મૂળમાં છે તે મુકેશ અંબાણી તો ભૂલાઇ જ ગયા..!

તું અમીર કૈસે બના…વાળા ડાયલોગની જેમ આ ડાયલોગ અને સવાલો બાર બાર લગાતાર પૂછતા હૈ ભારત- મુકેશ કે ઘર કે બહાર યે સબ ખેલા હોબે કિસને કિયા…? ક્યું કિયા..?.કિસ કે કહને સે કિયા…? મુકેશ સે કેશ લેને કે લિયે કિયા…? મુકેશ કો ડરાને કે લિયે વઝે એન્ડ કંપનીને કિયા..? જીલેટીન કિસને કહાં સે મંગવાઇ..? ઔર એક આખરી સવાલ-એક છોટે પુલિસ અફસર-વઝે –કો 100 કરોડ કી વસૂલી કા ટાર્ગેટ દિયા હો તો બડે બડે અફસર કો ભી આંકડા દિયા હોગા..? મુંબઇમાં જ્યાં આખો ખેલ રચાયો તે મુકેશ અંબાણી તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. શું 100 કરોડની વસૂલી મુકેશ પાસેથી કરવાની હતી…?!

-દિનેશ રાજપૂત

 58 ,  1