અમદાવાદમાં એક ઇંચ વરસાદમાં AMCની પોલ ખુલી : માર્ગો ઉપર ભરાયા પાણી

 વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો

રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. હાલમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ કેટલાંક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હોવાની સમસ્યાઓ સામે આવી હતી. તંત્રના તમામ દાવોઓ પોકળ સાબિત થયા છે.

અમદાવાદમાં ભારે વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમમાં સારો એવો વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સરેરાશ એક ઇંચ વરસાદમાં જ એએમસી તંત્રની પોલ ખુલી હતી. પાણી નહી ભરાવાના તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા અને પાણી સાથે વહી ગયા હતા.

શહેરના સામાન્ય તો ઠીક પરંતુ પોશ ગણાતા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સરેરાશ એક ઇંચ વરસાદ બે કલાકમાં નોંધાતા જ આટલું પાણી ભરાઇ જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બપોરે 1 થી 3 માં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારમાં 2 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો હતો. ઓઢવ 45.50 મીમી, વિરાટનગર 46.50 મીમી, કોતરપુર 47 મીમી વરસાદ નોંધાયો હતો. મણીનગર 41.50 મીમી, ચકૂડીયા 34 મીમી, દૂધેશ્વર 40 મીમી ,પાલડી કંટ્રોલ 49 મીમી વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજના બે ગેટ દોઢ ફુટ સુધી ખોલી 2900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

 48 ,  1