AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર તેમજ કન્સલ્ટન્ટ 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

પ્રોપર્ટી ટેક્સમાં નામ ઉમેરવા અને ક્રેડિટ માટે માંગ્યા હતા 35 હજાર

AMCના વોર્ડ ઇન્સપેક્ટર અને કન્સલ્ટન્ટ 30 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા છે. પ્રોપર્ટી ટેક્સમાં નામ ઉમેરવા અને ક્રેડિટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટરે 35 હજાર માંગ્યા હતા. બાદમાં 30 નક્કી કર્યા હતા. આ મામલે ફરિયાદીએ ACBને સંપર્ક કરતા AMCના ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન AMCના વોર્ડ ઇન્સ્પેકટર પ્રકાશભાઇ નાથુજી ચૌહાણ તેમજ કોર્પોરેશનના કન્સલ્ટન્ટ મનોજકુમાર દેવેન્દ્રકુમાર ત્રિવેદી 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.

એસીબીમાં ફરીયાદીએ કરેલી ફરિયાદ મુજબ, વર્ષ 2017માં બે દુકાનો ખરીદી હતી. બન્ને દુકાનો આશરે સોળેક માસ જેટલી બંધ હોય જે દુકાનોમાં બંધ સમય દરમ્યાનના પ્રોપર્ટી ટેક્ષમાં ક્રેડીટ કરી આપવા તેમજ બન્ને દુકાનોમાં ફરીયાદીનું નામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટર કરવા ઉપરાંત બન્ને દુકાનોના પ્રોપર્ટી ટેક્ષ બિલ ફરીયાદીના નામે કરવા કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની ઓફિસમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઇ નાથુજી ચૌહાણ (ઉ.વ.49, રહે.રાજેશ્વરી સોસાયટી, સોમેશ્વર ટેનામન્ટની પાછળ, રાણીપ)એ રૂ. 35000ની માગ કરી હતી. રકઝકના અંતે રૂ. 30000 નક્કી કર્યા હતા. જે રકમ ફરિયાદીને આપવી ન હોય આજે પશ્ચિમ ઝોનની ઉસ્માનપુરા ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. અને પ્રકાશભાઈ વતી લાંચ લેતા મનોજકુમાર દેવેન્દ્રકુમાર ત્રિવેદી (ઉ.વ.52, રહે. સાળવીનો ખાંચો, ઘનાસુથારની પોળ, કાલુપુર)ને પ્રકાશભાઈ સાથે રૂ. 30,000ની લાંચ લેતા ઝડપી લીધાં હતાં.

 83 ,  1