અમિતભાઇ, પહેલા પાર્ટીમાં તો રાઇટ…રાઇટ.. કરો, પછી ગુજરાઇટની વાત કરજો..! અલ્યા સુધરો..!!

કોંગ્રેસને હવે 219 બેઠકો પર પ્રચાર કરવો નહીં પડે….!! યે આરામ કા મામલા હૈ..

કોઇ મેન્ડેટપત્રો છીનવીને ફાડી નાંખે છે તો કોઇ મેન્ડેટ પછી પણ ઉમેદવારી પાછી ખેંચે છે..

નેતા ભરતસિંહ સોલંકીના ડ્રાઇવરને બોરસદ નપાની ચૂંટણીમાં ટિકિટ મળે છે….!

અમદાવાદમાં કોંગ્રેસના પોસ્ટરોની હોળીના પર્વ પહેલા જ હોળી થઇ ગઇ..!.

નબળી-પાંગળી-માયકાંગલી નેતાગીરી હોય તો ધારાસભ્યો ક્યાંથી કહ્યાંમાં રહે..!

પોંડીચેરીમાં ગુજરાતવાળી થઇ….ધડાધડ રાજીનામાં…

( નેટ ડાકિયા-ખાસ અહેવાલ )

ગુજરાતમાં મીની વિધાનસભા સમાન ચૂંટણીઓ ચાલી રહી છે. અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકો, કેટલીક નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત, 200 કરતાં વધારે તાલુકા પંચાયતો મળીને આખા ગુજરાતમાં ચૂંટણીની મૌસમ છે. વસંતના વાયરાની વચ્ચે કુદરતી મૌસમમાં પણ બદલાવ આવી રહ્યો છે. શિયાળો જવામાં અને ઉનો..ઉનો..ઉનાળો આવવામાં છે. ઉનો ઉનો ઉનાળો આવે તે પહેલા ભાજપે સૌરાષ્ટ્રમાં ઉના નપા અને ઉ.ગુરાતમાં કડી નગરપાલિકામાં કેસરિયો લહેરાવી દીધો…

એક અખબારે આ અંગે લખ્યું કે સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસની નિષ્ફળ નેતાગીરી, ઢેંગધડા વગર ચૂંટણી વ્યવસ્થા( વ્યવસ્થા ?) કાયમી જુથબંધી, એકબીજાને હરાવવાની હરિફાઇ અને ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની મનોવૃતિને કારણ કોંગ્રેસે ઉના અને કડી નપા સામે ચાલીને તાસક પર મૂકીને કેસરી અર્પણ કરી નાંખ્યું….! જો કે આ બે નગરપાલિકા કોંગ્રેસ જ જીતવાની હતી એવું કાંઇ ચોક્કસ નહોતું. હારી પણ ગયા હોત અને એવુ કંઇક વિચારીને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હશે…!!

ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરી જો સાવ સામાન્ય એવી સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારોને સાચવી ન શકે, નક્કી કરેલા ઉમેદવારો માટેના મેન્ડેટ એટલે કે જે તે ઉમેદવારને પંજાનું નિશાન ફાળવવાનો સત્તાવાર પત્ર ચૂંટણી અધિકારીને આપવા જાય અને સરકારી કચેરીની બહાર જ કોઇ આવીને એ પત્રો છીનવી લે, ફાડી નાંખે…એવી અને એટલી નિષ્કાળજી લેવાતી હોય તો તો પછી એ પક્ષના ધારાસભ્યો પક્ષની નેતાગીરીના કહ્યામાં ક્યાંથી રહે…!! પછી એ કમલમની વાટ ના પકડે તો જ નવાઇ લાગે…!!

જિલ્લા પંચાયતની 24, તાલુકા પંચાયની 110 અન્ નપાની મળીને 219 બેઠકો ભાજપને ચૂંટણી જીત્યા વગર જ મળી ગઇ…!!

કોંગ્રેસને હવે એ 219 બેઠકો પર પ્રચાર કરવો નહીં પડે….!! યે આરામ કા મામલા હૈ..

બોટાદમાં કોંગ્રેસના 14 ઉમેદવારીપત્રો રદ થઇ ગયા…

ભરૂચ અને ગોધરાના કલેક્ટર કચેરીમા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના મામલે ફિલ્મોમાં બતાવે છે એવી સાચુકલી છૂટાહાથની મારામારી થઇ….

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મેન્ડેટ લેટર સમયસર નહીં પહોંચતા તમામ 16 બેઠકો પર કોંગ્રેસ આઉટ,

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના ડ્રાઇવરને બોરસદ નપાની ચૂંટણીમાં ટિકિટ મળે છે,

અમદાવાદમાં કોંગ્રેસના પોસ્ટરોની હોળીના પર્વ પહેલા જ હોળી થઇ ગઇ,

મોરબીમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીપત્રોની ચકાસણી વખતે સેવા સદનમાં જ ભાજપ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી…

કોઇ આ જોઇને એમ કહી શકે કે કોંગ્રેસે ગુજરાતમાં 1960થી 1995 સુધી નશીબના જોરે જ રાજ કર્યું હશે, નહીં..? દેશમાં 70 વર્ષ રાજ પણ આ જ રીતે…..? કોંગ્રેસે ગુજરાતમાં તો નાહી જ નાંખવાનું છે. સામાન્ય તાલુકા પંચાયત કે નપા-મનપાની ચૂંટણીઓમાં બુથ મેનેજમેન્ટ તો પછી આવે પણ પાર્ટીનો સત્તાવાર પત્ર ચૂંટણી કાર્યાલય સુધી સલામત ના પહોંચાડી શકે તો પછી ધારાસભ્યો ક્યાંથી સલામત રહી શકે…!! વર્તમાન સ્થાનિક ચૂંટણીઓમાં જેઓ પંજાના નિશાન પર ધારો કે (કારણ કે આમાં તો ધારવુ જ પડે એમ છે…) જીતશે તો અને સામાવાળાને સત્તા માટે સભ્યો ખૂટતા હશે તો પંજાનો ખેસ ફેંકીને કેસરી ખેસ નહીં પહેરે તેની શું ખાતરી..?! ભલે તેમની પાસેથી લેખિતમાં ખાતરી મેળવી હોય પણ જીત્યા પછી હોદ્દાની લાલચમાં સામે જતો રહે તો કોંગ્રેસના નેતાઓ શું કરી લેશે એ સૂચિત પક્ષપલ્ટુ સભ્યોનું..?

ચલો, સ્થાનિકથી રાષ્ટ્રીયકક્ષાએ….

ગુજરાતમાં 2017માં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને પછી ભાજપમાં જોડાયા, એમ પોંડીચેરીમાં સત્તાસ્થાને કોંગ્રેસના બે ધારાસભ્યોએ 25 જાન્યુ.એ રાજીનામા આપ્યા અને ભાજપમાં જોડાઇ ગયા. આજે 17મીએ રાહુલ ગાંધી પોંડિચેરીની મુલાકાત લે તે પહેલા વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને 30 સભ્યોની સંખ્યા ધરાવનાર વિધાનસભામાં કોંગ્રેસ સરકાર લઘુમતિમાં આવી ગઇ…!! જાણે રાહુલને લઘુમતિ સરકારની ભેટ આપવામાં આવતી હોય તેવી ચૂંટણી રણનીતિ કોઇએ બનાવી હોય…!!

કોંગ્રેસનો પાર્ટી છોડો-ભાજપા ચલો રે બાબા…નારો બંગાળમાં પણ પહોંચ્યો છે અને ત્યાં તો સત્તાધારી પાર્ટી ટીએમસીમાંથી એક પછી એક ધારાસભ્યો, સાંસદો હમ તો ચલે ભાજપદેશ..હમ ભાજપાઇ હો ગયે…નું કેસરી ગીત ગણગણાવતા ભાજપમાં પહોંચ્યા અને ભાજપના ચાણક્ય અમિતભાઇ શાહની બંગાશની આગામી મુલાકાત વખતે ટીએમસીના કિલ્લામાંથી વધુ કાંગરા ખરી પડે તેના ઉજાગરા ટીએમસીમાં ચાલી રહ્યાં છે કે આ વખતે પાર્ટીમાંથી કોણ કોણ જશે…!! માલ ખરીદનાર બજારમાં ઉબો જ છે, કોઇ પોતાની જાતને વેચવા આવે તો ખરીદનારનો કોઇ વાંક નથી. કોંગ્રેસ અને ટીએમસીએ એવા તે કેવા માટીપગા, માયકાંગલા અને પાંગળા પસંદ કર્યા હતા તેઓ પાંચ વર્ષ સત્તા ભોગવીને હવે કોઇ ફરી ટિકિટની લાલચ આપે કે બીજી કોઇપણ લોભ લાલચ આપે તો જિસ કે તડ મેં લડ્ડુ ઉસ કે તડ મેં હમ…એમ કહીને જોડાઇ જાય..?! આ તો એવુ થઇ ગયું કે દુલ્હા બિકતા હૈ…ની જેમ મંડી સજી હૈ….બોલી લગ રહી હૈ- સુનો..સુનો…સાહેબાન, મહેરબાન, કદરદાન…જિસકા કોઇ ઇમાન નહીં, જિસકા કોઇ ધર્મ નહીં જો બિકને કે બાદ આપકે પ્રતિ વફાદાર ( ! ) રહેંગા..વો વિધાયક બિકતા હૈ…,.વો સાંસદ ભી બિકતા હૈ…બસ મેરે મૌલા ખરીદનેવાલા હોના ચાહિયે….!! આઇયે…આઇયે… દેખિયે…દેખને કે કોઇ પૈસે નહીં હૈજી…!

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ગુજરાઇટ..શબ્દ પ્રયોગ કર્યો છે. અમિતભાઇ, પહેલા તમે રાજીવ ગાંધી ભવનમાં બધુ રાઇટ…રાઇટ… તો કરો..!! પાર્ટીમાં તો બધુ રોંગ..રોંગ…થઇ રહ્યું છે અને સત્તા જોઇએ છે…!? ગુજરાઇટ નહીં પણ કોંગ્રેસરોંગાઇટ એવુ નામ રાખવુ જોઇએ…!

 469 ,  1