અમદાવાદમાં અમુલ-સાગરના નકલી ઘીનું કૌભાંડ પકડાયુ : 1.43 લાખના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ

 ચાંગોદર વિસ્તારમાં નકલી ઘીનું ગોડાઉન ધમધમતુ’તુ, રૂ. 1,43,295નું નકલી ઘી કબ્જે

અમદાવાદ ગ્રામ વિસ્તારમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. ચાંગોદર વિસ્તારમાં પોલીસે ઘીના ગોડાઉન ઉપર છાપો મારી 1 લાખ 43 હજારનો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. અગાઉ અનેક વખત પોલીસ અને આરોગ્ય તંત્રએ નકલી, ભેળસેળીયા ઘી વેંચતા શખ્સોના કારસ્તાન ઉઘાડા પાડ્યા છે. દરમિયાન પોલીસે ચાંગોદર શ્યામ એસ્ટેટ વિભાગ-૧ ગોડાઉન નંબર-૨માં અમુલ અને સાગર બ્રાન્ડનું નકલી ઘી બનાવી ડબ્બા, પાઉચમાં ભરી વેંચવાનું કારસ્તાન ઝડપી લઇ આ એક આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી રૂ. 1,43,295નું નકલી ઘી જપ્ત કરી આ કારસ્તાનમાં બીજુ કોણ-કોણ સામેલ છે? તેની તપાસ શરૂ કરી છે.

મળતી વિગત મુજબ, ચાંગોદર વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે ખાનગી રાહે નકલી ઘીનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. ચાંગોદર શ્યામ એસ્ટેટ વિભાગ-1 ગોડાઉન નંબર-2 ખાતે આરોપી શૈલેષભાઇ રમેશભાઇ સોલંકી અલગ-અલગ પ્રકારના તેલ તથા વનસ્પતિ ઘી તથા નંદી બ્રાન્ડ ઘી ફ્લુ તથા બનાવટી ઘી ભરેલ અમૂલ તથા સાગર બ્રાન્ડના પેકીંગ કરી તેનું વેંચાણ કરતાં હોવાની માહિતી હે.કો.મનુભાઇ વજુભાઇને ચોક્કસ મળી હતી.

ચોક્કસ બાતમીને આધારે પોલીસે રેડ પાડતા અલગ-અલગ પ્રકારના તેલ તથા વનસ્પતિ ઘી તથા નંદી બ્રાન્ડ ઘી ફ્લુ તથા બનાવટી ઘી ભરેલ અમૂલ તથા સાગર બ્રાન્ડના 500 મી.લી.ના પાઉચ તથા પેકીંગ કરવાનું મશીન તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ. 1,43,295/-ના મુદામાલ સાથે આરોપી શૈલેષભાઇ રમેશભાઇ સોલંકી(રહે. ઇ-102 નૈયા એપાર્ટમેન્ટ, વસ્ત્રાલ)ની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પુછતાછમાં આરોપી છેલ્લા ઘણા સમયથી આ રીતે નકલી ઘી અમુલ, સાગર માર્કાવાળા ડબ્બા, પાઉચમાં પેક કરી છૂટક-છૂટક દૂકાનદારો, ડેરીઓમાં અસલી ઘીની મુળ કિંમત કરતાં ઓછા ભાવે વેંચાણ કરી નફો રળતાં હોવાનું રટણ કર્યુ હતું. આ મામલે પોલીસે ચાંગોદર પોલીસે આરોપી શૈલેષ સોલંકી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 25 ,  1