અમદાવાદ : મણિનગરમાં તરછોડાયેલી નવજાત બાળકી મળી, માસૂમની આંખ માં નો ચહેરો શોધતી હતી…!

હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે મંદિરના ઓટલે બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી

અમદાવાદના મણિનગરમાં જોગણી માતાના મંદિરના ઓટલેથી ત્યજી દેવાયેલી હાલતમાં એક બાળકી મળી આવી છે. નિષ્ઠુર માતા-પિતા માસૂમને આવી ક઼કડતી ઠંડીમાં છોડી જતા સહેજ પણ દયા ન આવી, માતૃપ્રેમ જાણે કે મરી પરવારી હોય સ્પષ્ટ જોવા મળ્યું છે. હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે મંદિરના ઓટલે બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી હતી. આસપાસના લોકોએ બાળકીને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખી હતી પણ કોઈ ન આવતા પોલીસને જાણ કરાઈ હતી. સમગ્ર મામલે મણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના મણિનગર વિસ્તારમાં મચ્છી પીરની દરગાહ પાસે રહેતા મહેમૂદભાઈ શેખ કાગડાપીઠમાં આવેલી એક કાપડની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેઓ સુતા હતા ત્યારે દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા દિવાળી બેને આવી તેમને બૂમો પાડી જણાવ્યું કે, દરગાહની બાજુમાં આવેલા જોગણી માતા અને હડકવાઈ માતાના મંદિરના ઓટલા પર બાળકના રડવાનો અવાજ આવે છે. મહેમૂદભાઈના પરિવારજનોએ જઈને જોયું તો એક એક ગોદડીમાં ઢાંકેલું બાળક હાડ થીજવતી ઠંડીમાં રડતું હતું.

ગોદડી હટાવીને જોયું તો તેમાં 10થી 12 દિવસની તાજી જન્મેલી બાળકી હતી. આ બાળકીને ઉઠાવીને મહેમૂદભાઈ સહિતના લોકો દરગાહમાં લઇ ગયા હતા અને ત્યાં બાળકીને દૂધ પીવડાવી શાંત કરી હતી. મહેમૂદભાઈ સહિતના લોકોને થયું કે કોઈ બાળકી મૂકી આસપાસમાં ગયું હશે. જોકે, લાંબા સમય સુધી બાળકીને લેવા માટે કોઈ ન આવતા તેમણે મણિનગર પોલીસને જાણ કરી હતી. હાલ આ મામલે મણિનગર પોલીસે ગુનો નોંધી નિષ્ઠુર માતાની શોધખોળ આદરી છે.

 59 ,  1