વડગામ: છાપી ગામે યુવતીની આત્માહત્યા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું

વડગામ તાલુકાના છાપી ગામે યુવતીની આત્માહત્યા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાત દિવસ અગાઉ વડગામના છાપી મુકામે યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હતી. આ મામલે છાપી પોલીસ મથકે આત્મહત્યાનો ગુનો નોંધાયો છે પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે યુવતીએ આત્મહત્યા નથી કરી પરંતુ તે જે જગ્યાએ નોકરી કરતી હતી તે લોકોએ તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી છે.

આ સમગ્ર મામલે છાપી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો પરંતુ તે બાદ તેના પરિવારજનોએ મમતા ના મોત મામલે તે જે નમકીન ફેક્ટરી માં ફરજ બજાવતી હતી તેના માલિકો સામે તેના શારીરિક શોષણનો આક્ષેપ કર્યો હતો. આ મામલે નમકીન ફેક્ટરી ના માલિકો સામે શારીરિક શોષણ તેમજ આત્મહત્યા પ્રેરિત કરવા માટે ગુનો નોંધવા પરિવારજનો ની માંગ છે.

મમતા દરજી ના મોત મામલે આજે હિન્દુવાદી સંગઠનો જિલ્લા પોલીસ અધિક્ષક ને આવેદન આપવા પહોંચ્યા હતા. હિન્દુવાદી સંગઠન અને મમતા દરજીના પરિવારજનોએ જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી કે મમતાની મોત પાછળનું કારણ નમકીન ફેક્ટરી ચલાવતા માલિકો છે.

જે લોકોએ મમતાને વારંવાર પોતાના શરીર સુખને શાંત કરવા માટે દબાણ કર્યું હતું પરંતુ મમતા તેમને વશ ન થતાં અને તેની સગાઈ એક યુવક સાથે નક્કી થઈ જતા તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. તેના જ કારણે તેણે કંટાળી પોતાનું જીવન ટુંકાવ્યું છે. આવા ગંભીર આક્ષેપ હિન્દુવાદી સંગઠનો અને મમતા દરજી ના પરિવારજનોએ લગાવ્યો છે.

જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મમતા ના પરિવાર અને હિન્દુવાદી સંગઠનની રજૂઆત બાદ આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પોલીસે બાંહેધરી આપી છે કે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને મમતાની મોત પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી સત્વરે કરવામાં આવશે.

અત્યારે તો બનાસકાંઠા જિલ્લામાં મમતા દરજીના મોત મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પરિવાર પણ નમકીન ફેક્ટરી ના સંચાલકો સામે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે, જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું હકીકત બહાર આવે છે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી