ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ! માણસા નજીક ગાયત્રી શક્તિપીઠ ખાતે ભુલાયો ‘કોરોના’

ધર્મ, સેવાના કામમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, જવાબદાર ટ્રસ્ટી બેફિકર..?

‘પરદેશ જમાઈ તે સોના તુલ્ય, દેશ જમાઈ તે ચાંદી તુલ્ય, ગામ જમાઈ તે બ્રાહ્મણ તુલ્ય, ઘર જમાઈ તે ટાંકણી તુલ્ય..’ આ શબ્દો છે ગાંધીનગરના માણસા ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠના.. જ્યા ઓછા મૂલ્યે ભૂખ્યાઓને જમાડી અમૂલ્ય ધર્મનું કામ કરી રહ્યા છે. પરંતુ આ ધરમનું કામ લોકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ છે..! કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જેમાં કોરોના મહામારીને આમંત્રણ આપતા હોય તેવું ઉપસી આવ્યું છે.

કોરોનાની બીજી લહેર પૂર્ણ થતા જ સરકારે ઘણી છૂટછાટ આપી છે. પરંતુ આ છૂટછાટનો લોકો ગેરફાયદો ઉઠાવતા અને ત્રીજી લહેરને આમંત્રણ આપતાં જોવા મળી રહ્યાં છે. માણસા ખાતે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગ્રાઉન્ડ રિપોર્ટમાં ભયાવહ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જ્યાં જમણવાર દરમિયાન મોટી સંખ્યામાં માસ્ક વગરના દેખાયા હતાં. કહેવાય છે કે આ મંદિર ખાતે ઓછા ભાવે લોકોને જમાડવામાં આવે છે. પરંતુ ઉપસ્થિત લોકો કોરોના સંક્રમણ અને જાણે ભૂલી ગયા હોય તેમ બેફામ રીતે સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. તેમ જ માસ્ક પહેરવાનું પણ ટાળી રહ્યા છે. જે કોરોના સંક્રમણની ત્રીજી લહેરને આમંત્રણ આપવા બરાબર છે.

રાજ્યનો એક એક વ્યક્તિ સાક્ષી છે કે બીજી લહેરમાં હોસ્પિટલો ઉભરાતી હતી, લોકોને સારવાર માટે હોસ્પિટલમાં બેડ મળતા ન હતા. ઓક્સિજનના બાટલા મેળવવા લોકો તડપતા હતા. હજુ તો બીજી લહેર માંડ-માંડ થાળે પડી છે. ત્યારે, ગાયત્રી શક્તિપીઠ ખાતે લોકો કોરોના મહામારીની બેકાબુ બનેલી પરિસ્થિતિને ભૂલી ગયા હોય તેમ એક જ જગ્યાએ અનેક લોકોને ભેગા થઈ રહ્યા છે.

જો આ જ પ્રકારે લોકો બેફિકરાઈથી આવશે તો કોરોના સંક્રમણ ફરીથી એકવાર માથું ઉંચકી શકે છે. ત્યારે આ પાછળ જવાબદાર કોણ..? તે સવાલ ઉભો થાય છે. ખાસ કરીને આ પ્રકારની સેવાની સંસ્થા ચલાવતા ટ્રસ્ટીઓ, સંચાલકો જવાબદાર હોતા હોય છે.

ત્યારે આંખ મિચામણાં કરતા ટ્રસ્ટીઓ, સંચાલકો ભીડ એકઠી કરે તો કેમ કોવિડ ગાઈડલાઈનનું પાલન નથી કરાવાતું ? શું પોલીસ આ દ્રશ્યો જોયા બાદ કોઇ નક્કર કાર્યવાહી કરશે?

 84 ,  1