અમદાવાદ : ઓઢવ વિસ્તારમાં બંધ પડેલી બેંકમાં આગ લગાવી અજાણ્યો શખ્સ પલાયન થઇ ગયો

પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ આદરી

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી અને બંધ પડેલી એક બંધ ખાનગી બેંકના શટર પાસે જઈ જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાડી એક શખસ પલાયન થઇ ગયો હતો. આ મામલે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસે આરોપીની શોધખોળ કરવા સીસીટીવી ફૂટેજ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.

શહેરના નિકોલમાં રહેતા અને ઓઢવની એક ખાનગી બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા કૌશિકભાઈ પનારા સોમવારે મોડી રાત્રીના સમયે ઘરે હાજર હતા. ત્યારે તેમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, બેંકમાં આગ લાગી છે. જેથી કૌશિકભાઈ બેંકે પહોંચ્યા હતા. જો કે અગાઉથી જ ફાયરબ્રિગેડની ટીમ બેંકની લાગેલી આગ બુઝાવવા માટે પ્રયાસ કરી રહી હતી.

આગ પર કાબુ મેળવ્યા બાદ નુકશાન થયાની તપાસ કરવા કૌશિકભાઈ બેંકમાં ગયા ત્યારે અગત્યના દસ્તાવેજો અને ફાઈલો બળી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. તે દરમિયાન બેંકના એક કર્મચારીએ કૌશિકભાઈને બોલાવી બેંકનો સીસીટીવી ફુટેજ બતાવ્યો હતો. જેમા દેખાતુ હતું કે, કોઈ અજાણ્યો શખ્સ બેંકના શટરની નીચે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાડી ભાગી ગયો હતો.

આ શખ્સે બેંકના ખાતાધારકોના ડોક્યુમેન્ટ અને જુની ફાઈલો સળગાવી નુકશાન કર્યું હોવાથી કૌશિકભાઈએ ઓઢવ પોલીસને ઘટનાની જાણ કરી હતી ત્યારબાદ આગ લગાવનાર અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

 16 ,  1