આણંદ : તાપણા માટે તું લાકડું લાવતો નથી કહી મિત્રોએ જ મિત્રની કરી હત્યા

હત્યારાઓએ મૃતકના પરિવારજનોને અવરા રવાડે ચઢાવ્યા, ઘટના કેમેરામાં કેદ થતાં ખૂલી પોલ

આણંદમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. નજીવી બાબતમાં ચાર મિત્રોએ યુવકને મોતને ઘાટ ઉતાપી દીધો હતો. હત્યા બાદ આરોપી યુવકોએ મૃતકના ઘરે પહોંચી ગયા હતા. અને જૂઠી કહાની રચી પોતાનો અપરાધ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાસ્થળે લાગેલા સીસીટીવીમાં સમગ્ર ઘટનામાં તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં ચારેય મિત્રોએ ભેગા થઇને યુવકનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથામિક તપાસમાં તાપણુ કરવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં આરોપી યુવકોએ મૃતકને અપશબ્દો કહી મારામારી કરી હતી. બાદમાં ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. રવિવારે રાત્રે તાપણું કરવા માટે તું લાકડા લાવતો નથી તે વાતચીત ઉગ્ર ઝઘડામાં પરિણમતાં ચાર સ્થાનિક યુવકોએ મિત્ર પ્રકાશ વસાવાને અપશબ્દ બોલી માર મારી તેનું ગળું દબાવી દીધું હતું. ચારેય યુવકોની પોલીસે ગણતરીના કલાકોમાં તેમના ઘરેથી ધરપકડ કરી હતી. 

બોરસદ ચોકડી પાસે આવેલી એકતાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો 24 વર્ષીય પ્રકાશ અરવિંદ વસાવા રવિવારે રાત્રે દસ વાગ્યે બોરસદ ચોકડી પાસેની જીઆઈડીસી વિસ્તારમાં તાપણું કરવા ગયો હતો. જ્યાં તેના મિત્ર દિપક મહેન્દ્ર ચૌહાણ, અજય માનસીંગ પરમાર, અવિનાશ વિરસંગ બારૈયા અને કૃનાલ વજેસિંગ સોઢા પરમાર પહેલેથી જ તાપણું કરી રહ્યા હતા. એ સમયે તેમની વાતચીતમાં ચારેય યુવકોએ પ્રકાશ વસાવાને અપશબ્દ બોલી તું તાપણું કરવા માટે લાકડા લાવતો નથી તેમ કહ્યું હતું. તેઓની વચ્ચેની બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. જેને પગલે ચારેય યુવકોએ ભેગા થઈને તેને માર માર્યો હતો. મારામારી દરમિયાન ચાર પૈકી એક જણે તેનું ગળું દબાવતા તુરંત જ યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો.

જેને પગલે ચારેય યુવકો ભયભીત થઈ ગયા હતા. થોડો સમય ત્યાં ઊભા રહ્યા બાદ ચારેય યુવકો મૃતક યુવકના ઘરે ગયા હતા અને પ્રકાશ બેભાન થઈને ઢળી પડ્યો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે સ્થાનિકો તુરંત ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં જઈને જોતાં જ પ્રકાશ બેભાન અવસ્થામાં હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે આરોપી યુવકોએ અવાર-નવાર તેમની પૂછપરછ કરતાં તેઓ બેભાન થઈને ઢળી પડ્યો હોવાનું જણાવતા હતા. ચાર-ચાર કલાક સુધી ગોળ-ગોળ ફેરવ્યા હતા. બાદમાં ફેક્ટરી પાસે લાગેલા સીસીટીવી ફૂટેજની મદદ લીધી હતી. જેમાં ચારેય યુવકો તેને માર મારતા હોઈ અને એ સમયે યુવક ઢળી પડ્યો હોવાનું કેમેરામાં કેદ થયું હતું.

પોલીસ ઈન્સ્પેક્ટર યશવંતસિંહ ચૌહાણ એ કહ્યુ કે, ચારેય યુવકોની અટકાયત કરવામાં આવી છે. તેમનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. હાલમાં તો તાપણું કરવા માટે લાકડા ન લાવતા ઘટના બની હોવાનું જણાવી રહ્યા છે. જોકે, જૂની અદાવત છે કે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરાશે.

 128 ,  1