અને પોપાભાઇ બોલ્યા- મારે પણ સીએમ થાવુ હે..!! શું કરશું…!

હજુ 18 મહિના બાકી તે પહેલા તો, મને બનાવો..મને બનાવો…ની ગૂંજ

સીએઅમપદ ગોળી -બિસ્કીટ ગોળી જેવુ છે..? કોઇ પણ ખાય..?

અમારામાંથી સીએમ બનાવો….નહીંતર..? નહીંતર શું…? ધાંય..ધાંય..?

કોરોનાથી થાકેલા- ત્રાસેલા-હારેલા લોકોને પૂછો..કોને વોટ આપશો..?!

ગુજરાતમાં સવા કરોડ પંજાવાળા, દોઢ કરોડ કમલમવાળા …

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ગુજરાતમાં ઘનન..ઘનન…ઘીર.. ઘીર આયે બદરા…ચમક ચમક દેખો બિજુરિયા ચમકે..મન ધડકાયે બદરવા, મન ધડકાયે બદરવા…ની જેમ ઝરમર…ઝરમર.. તો ક્યાંક મૂશાળાધાર વરસાદની મોસમ આરંભાઇ ગઇ છે.. હાઇવે પર શેકેલી કે બાફેલી મકાઇ-ભૂટ્ટા જોવા મળે છે. અમદાવાદના પુલોની ફૂટપાથ પર નાની મોટી છત્રીઓ લઇને વેચનારા જોવા મળશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 21મીએ યોગા કર્યા બાદ અંબાજી અને સોમનાથદાદાના દર્શન કરીને ગુજરાતની સમૃધ્ધિ અને સલામતી તથા કોરોનાની વિદાય માટે પ્રાર્થના કરી. મને ફરી સીએમ બનવાની તક આપજો.. એવી પ્રાર્થના તેમણે ચોક્કસ નહીં જ કરી હોય. કેમ કે સીએમ નક્કી કરવાનું એમના હાથમાં નથી. કોંગ્રેસની જેમ ભાજપમાં પણ સર્વ સંમતિથી નવા સુકાની નક્કી થાય છે.

પણ હમણાં હમણાં ગુજરાતમાં એવા વિચિત્ર અવાજો કોરોનાથી થાકેલા અને ત્રાસેલા લોકોના કાને પડી રહ્યાં છે….જેમ કે- પાટીદારો ઉવાચ- આગામી સીએમ તો પાટીદાર જ હોવો જોઇએ….તે સાંભળીને કોળી સમાજના નેતા પુરૂષોત્તમ સોલંકીને શૂરાતન ચઢ્યું- કેમ…પાટીદાર…? આગામી સીએમ તો કોળી સમાજના હોવા જોઇએ….! કોળી સમાજે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અવાજ ઉઠાવ્યો એટલે કોંગ્રેસમાંથી મોટા ઉપાડે ભાજપમાં જઇને ટાંય..ટાંય.. ફિશ થયેલા અને પૂર્વે ધારાસભ્ય હતા તે દારૂબંધી સામે બાંયો ચઢાવનાર અલ્પેશ ઠાકોરે ઉછાળો માર્યો….તો પછી અમારા ઠાકોરો ક્યાં જશે…નહીં…અમારા ઠાકોર સમાજમાંથી બનાવો…! પછી દલિત સમાજ કહેશે- હજુ સુધી ગુજદરાતની ગાદી પર એક પણ દલિત સીએમ બેઠા નથી એટલે દલિત સમાજમાંથી સીએમ હોવા જોઇએ..!

હાં, દલિતોની વાત સાચી. ગુજરાતની ગાદી પર આદિવાસી સમાજના અમરસિંહ ચૌધરી સીએમ તરીકે બેઠા..ઓબીસીમાંથી માધવસિંહ સોલંકી સીએમ બન્યા અને તેમના નામનો 149 બેઠકો જીતવાનો રાજકિય રેકોર્ડ હજુ અકબંધ છે…બ્રાહમણ, વાણિયા, વણિક, ક્ષત્રિય…સમાજના સીએમ બન્યા પણ હજુ કોઇ દલિતને એવી તક મળી નથી. ભાજપમાં દલિત નેતા કે દલિત ચહેરો હાલમાં કોઇ છે જ નહીં. એક રમણભાઇ વોરા છે તો તેઓ 2017માં હારી ગયા. હિતુભાઇ કનોડિયા હજુ પા..પા..પગલી ભરે છે. આગામી 25 વર્ષમાં દલિત સીએમ બનવાની તક ખરી. પણ દલિતોએ પાટીદારની જે માલદાર થવુ પડશે. 25 વર્ષ છે દલિતો પાસે. કમર કસો…કદાજ દલિત સમાજનું પણ ખોડલધામ જેવુ કરોડોના ખર્ચે ધાર્મિક સ્થાન બની જાય…!

સવાલ એ છે કે શું ગુજરાતમાં મુખ્યમંત્રી પદ જાણે કે ગોળી બિસ્કીટ ચોકલેટ જેવુ બની ગયું છે કે શું…? કોઇ પણ પોપાભાઇ આવે અને મારે ચોકલેટ ખાવી છે…મારે પારલે બિસ્કીટ ખાવા છે…એમ કહીને મારે સીએમ થાવુ હે…મને સીએમ બનાવો….અમને સીએમ બનાવો…અમારામાંથી સીએમ બનાવો….નહીંતર….?! આ નહીંતર…પછી જે નથી બોલાતુ તે એટલુ ખતરનાક હોય છે કે તેની વિવિધ કલ્પના જ કરવી રહી….કે નહીંતર પછી શું…?

પાટીદારોએ તો નહીંતર…નો જવાબ ગુજરાતમાં કેજરાવાલની પાર્ટીને સારી તકો છે એમ કહીને જવાબ આપી દીધો અને એજન્ડા પ્રમાણે શરૂઆત સુરતથી થઇ ગઇ છે. 27 કોર્પોરેટરો આપ પાર્ટીના જીત્યા બાદ અને હવે આપ પાર્ટીના ચૂંટણી સુધીના ચા-પાણી નાસ્તાના ખર્ચા માટે અબજોપતિ મહેશ સવાણી નામના ઉદ્યોગપતિએ ઝાડુવાળી પાર્ટીની ટોપી પહેલી લીધી…! તેમની સહાય ચા-પાણી નાસ્તા માટે જ હોય ને..! કેમ કે જો એમ કહીએ કે ઉમેદવારોનો ખર્ચો મહેશ સવાણી આપશે તો તરત જ ઇટાલિયા અને ઇશુદાન એન્ડ કંપની ખુલાસો કરશે-ના..ના.. એવુ નથી…એ તો અમારી જેમ સમાજની ગુજરાતની સેવા કરવા માટે આપમાં આવ્યાં છે…! મહેશ સવાણીએ પોલીટીકલ ડોનેશનમાં હવે આપ પાર્ટી માટે વધુ એક રાજકિય ફંડફાળાનો ભાગ કાઢવો પડશે. બદલામાં સુરતમાંથી ઝાડુના પ્રતિક વાળી આપમાંથી વિધાનસભાની ટ્કિટ મળશે….

આપમાં નવા સવા સેવાધારી મહેશ સવાણી સીએમ બનશે કે કોઇ અન્ય… પણ દિલ બહેલાને કે લિયે ખ્યાલ અચ્છા હૈ ગાલિબ….ની જેમ સવાણી…પાટીદારો..કોળીઓ…ઠાકોરો..દલિતો…ભળે મનમાં રાજી થાતા…અને હાં, કોંગ્રેસમાંથી કોઇ બોલ્યા જ નથી કે ના..ના સીએમ તો અમારા થશે…?! પંજો વિચારતો હશે-ન બોલવામાં નવ સદગુણ… અને બાકીના 91 અવગુણ તો છે જ…! પંજાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પણ આ વખતે કેટલી મળશે…?

2017માં 9અને 14 ડિસમ્બર એમ બે તક્કામાં 182 બેઠકોની ચૂંટણીઓ યોજાઇ હતી. ભાજપને 99 બેઠકો મળી હતી. 2012માં 115 મળી હતી. કોંગ્રેસને 2017માં 77 બેઠકો મળી હતી જે 2012ની 61 કરતાં વધારે હતી. અને 1985ની ચૂંટણીઓ પછી પંજાને સૌથી વધારે 77 બેઠકો મળી હતી. 2017માં ભાજપની 16 બેઠકો ઘટી અને પંજાની 16 બેઠકો વધી.

2017માં ભાજપને 1,47,24,427 મતો મળ્યા હતા. જ્યારે પંજાને 1, 24, 38,937 મતો મળ્યા હતા. ભાજપ કરતાં લગભગ 25 લાખ ઓછા મતો મળ્યા હતા. ટકાની રીતે ભાજપને 49.05 ટકા અને પંજાને 41.44 ટકા મતો મળ્યા હતા. અંદાજે કુલ 4 કરોડ મતદારોમાંથી 69.1 ટકા મતદાન થયું હતું. પંજાને સવા કરોડ મતદારોએ વોટ આપ્યા એટલે તેનો મતલબ એમ પણ કહી શકાય કે સવા કરોડ મતદારો પંજામાં માને છે. પણ એ સવા કરોડ આ વખતે ફરી પંજાને આપશે કે એક હજાક કિ.મી. દૂર દિલ્હીથી આવેલા કેજરીવાલની પાર્ટી તરફ વળશે…? કે મતદારોને પંજા કરતાં ઝાડુ સારો…એને વોટ આપો એમ કહીને આપ તરફ વાળી દેવામાં આવશે..?

હજુ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને 18 મહિનાની વાર છે અને અત્યારથી જ અખબારી ભાષામાં કહીએ તો રાજકિય ગરમાવો….આવી ગયો છે. અને અમારા સમાજમાંથી સીએમ બનાવો…ની ધોધમાર સાંબેલાધાર વરસાદ જેવી માંગ પછી ઝરમર…ઝરમર…વરસાદ જેવી થઇ જશે…! ત્યારબાદ એક મુદ્દાનો કાર્યક્રમ સંભળાશે- પહેલા જીતો તો ખરા…પછી સીએમની માંગણી કરજો…!!

 65 ,  1