મગફળી કાંડ મુદ્દે નીતિન પટેલનો કોંગ્રેસ પર હુમલો, કહ્યું- પુરાવા હોય તો આપે…

કચ્છના ગાંધીધામમાં આવેલી શાંતિ ગોડાઉનમાં ખેડૂતોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મગફળીની ગુણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હતા. ગાંધીધામ મગફળી કાંડનો મામલે કોંગ્રેસના આક્ષેપ પર નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ માત્ર આક્ષેપો કરે છે, એમને કંઈ કામ નથી. જ્યાં ખોટું થયું છે એમાં કડકાઈથી પગલાં લેવામાં આવશે.

આ મુદ્દે ફરી એક વાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઝંપલાવ્યું હતું. ધાનાણીએ સરકાર અને સત્તાધારી ભાજપ પર સનસનીખેજ આક્ષેપો કરતા કહ્યું કે સરકારના મળતિયાઓે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ છે. આ કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જોડાયેલા છે. ધાનાણીએ એટલેથી ન અટકતાં ત્યાં સુધી કહ્યું કે મગફળી કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે. આ નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર હુમલો કર્યો હતો.

નીતિન પટેલે કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે, ‘કોંગ્રેસને તો બોલીને જતા રહેવાનું છે. જો મુખ્યમંત્રી સાથે આ કૌભાંડનાં તાર જોડાયેલા હોય તો કાલે જ મને ગાંધીનગર મળે અને વિગત આપે, મુખ્યમંત્રીને મળે. આવી રીતે આક્ષેપો કરીને છટકી જવું તે કોઇ જવાબદાર વિરોધ પક્ષનું કામ ન હોય. આ અંગે તેમની પાસે જે કંઇપણ પુરાવા હોય, માહિતી હોય તે અમને આપે. આનાથી ઉલ્ટું તેઓ તો અમને દેખાતા જ બંધ થઇ ગયા છે. તેમની વાત અમને મીડિયાનાં માધ્યમથી ખબર પડે છે.’

 15 ,  1