ભાજપના ધારાસભ્યનું ચીરહરણ કિસાન સુનામીની ચેતવણી તો નથી ને..?!

કિસાનભૈયા, આપ તો ઐસે ન થે..?! કાહે આપા ખો દિયા…?

ભાજપ શાસિત કોઇ રાજ્યમાં રાહુલ સાથે આવુ બને તો..?

વિપક્ષના ધારાસભ્યની રક્ષા ન કરનાર સરકારને લોકો કહેશે-બાય..બાય..ટાટા..?

ભાજપ બંગાળમાં જીતે એટલી વાર, પછી પંજાબનો વારો..!!

આંદોલનકારી ખેડૂતો કેટલી હદેજઇ શકે તેનો આ કોઇ નમૂનો તો નથી ને…?

61 વર્ષના અરૂણ નારંગ અને તેમના પરિવાર પર શુ વિત્યુ હશે..?

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

સને 2017માં યોજાયેલી પંજાબ વિધાનસભાની 117 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો, કેજરીવાલની આપને 20 અને ભાજપને 3 તથા શિરોમણી અકાલી દળને 15 બેઠકો મળી હતી ચૂંટણીઓ વખતે સત્તામાં ભાજપ અને શિરોમણી અકાલીદળની સંયુક્ત સરકાર હતી. પંજાબના મતદારોએ પરિવર્તન નહીં કે પુનરાવર્તન…નું સૂત્ર અપનાવીને ભાજપ-શિરોમણી અકાલી દળની સરકારે ફરી સત્તા ન સોંપતા કોંગ્રેસને તક આપી. ભાજપે જે 3 બેઠકો જીતી તેમાંથી એક અબોહરની હતી અને જીતનાર હતા અરૂણ નારંગ.

27 માર્ચ,2021ના રોજ હોળી પહેલાં તેઓ મુક્તસરના મલોટ નામના નાકડા શહેરમાં કેન્દ્રમાં પોતાના પક્ષની સરકારના 3 કૃષિ કાયદાના ટેકામાં પત્રકાર પરિષદ યોજવા પહોંચ્યા અને ત્યાં તેમની સાથે જે બન્યું તે ભારતની લોકશાહી માટે કલંકરૂપ તો છે જ પણ એક રાજ્યમાં વિપક્ષના ધારાસભ્ય સાથે આ રીતે ગેરવર્તન જ નહીં પણ તેમના કપડા ફાડી નાંખીને નિર્વસ્ત્ર કરી દેવામાં આવે તે ઘટના ચોંકાવનારી અને ભયાનક છે. આવનારા સમયમાં આંદોલનકારી ખેડૂતો કેટલી હદેજઇ શકે છે તેનો કદાજ આ એક નમૂનો તો નથી ને…? એ રીતે પણ વિચારવુ પડે તેમ છે. સોસ્યલ મિડિયામાં વાયરલ થયેલા ભાજપના 61 વર્ષના ધારાસભ્ય અરૂણ નારંગ પર પોલીસની હાજરીમાં કિસાનોનો હુમલો, મારપીટ, ધક્કામુક્કી, એક પછી એક ચીરહરણ અને મારી મારીને અધમૂવો કરી નાંખવાની ઘટનાનું પુનરાવર્તન ભાજપ શાસિત કોઇ રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય કે રાહુલની સાથે થાય તો..? ભાજપ શાસિત રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય સાથે એવુ નહીં થાય એમ કોઇ કહી શકે તેમ છે..? અને થયું તો..?

આ બનાવ દર્શાવે છે કે વિરોધપક્ષની અને તેમના ધારાસભ્યની સલામતીનું શું..? ગુજરાતમાં 25 વર્ષથી ભાજપ સત્તામાં છે છતાં કોંગ્રેસના એક પણ ધારાસભ્યની સાથે એવુ થયું નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં કેટલાય ધારાસભ્યો લોભ-લાલચ અને પદ માટે ગયા છતાં કોંગ્રેસ દ્વારા એવા પક્ષપલટુ ધારાસભ્યોની સાથે ટપલીદાવ પણ થયો નથી. જ્યારે પંજાબમાં ચૂંટણીના વર્ષમાં જ કોંગ્રેસની સરકાર છકી ગઇ ગઇ હોય તેમ ભાજપના ધારાસભ્યને રક્ષણ આપવાને બદલે તેના કપડા ફાડી નાંખવામાં આવે અને ફરજ પરની પોલીસ હુમલો કરનારાઓને ડરાવવા હવામાં કોઇ ગોળીબાર પણ ના કરે..? નારંગની ઘટના બતાવે છે કે પંજાવાળા પંજાબમાં સીએમ કેપ્ટન અમરિન્દરસિંગના નામની આગળ પૂર્વ સીએમ લાગવામાં કાંઇ વાર નહીં લાગે…!!

આ ઘટના અંગે આંસુધારી કિસાન નેતા રાકેશ ટિકૈતે વળી એમ કહ્યું કે આ તો ભાજપે જ હુમલો કરાવ્યો છે…! બોલો છે ને મજાની વાત. આને કહેવાય જલે પે નમક છિડકના. ભાજપને પંજાબમાં ગણીને 3 બેઠકો મળી અને તેમાંથી એક અરૂણ નાંરંગની છે. નારંગ પાર્ટીથી નારાજ હોય તેવા કોઇ અહેવાલ નથી., તેઓ કોંગ્રેસની સાથે મળી ગયા હોય કે ભળી ગયા હોય તેવુ નથી. તો પછી ભલા માણસ, ભાજપવાળા પોતાના જ ધારાસભ્ય પર શા માટે આ રીતે હુમલો કરાવીને તેમની આબરૂની નિલામી કરે..? આ ઘટનામાં તેમની આબરૂની નિલામા જ થઇ કહેવાય. તેમના કપડા ફાડી નાંખવામાં આવ્યાં, નિર્વસ્ત્ર અવસ્થામાં રડી રહ્યાં છે., દુખી છે, બોલી શકતા નથી તેવા વિડિયોએ તેમના મન પર અને તેમના જીવન પર તથા તેમના પરિવાર પર કેવી અસર કરી હશે…. અને કરશે..? તેઓ હુમલાખોરોને ભૂલી શક્શે..?

એબોહર મતવિસ્તારમાં 55 હજાર કરતાં વધારે મતદારોનું પ્રતિનિધિત્વ કરનાર ધારાસભ્ય અરૂણ નારંગના મતદારો પર એવા વિડિયોની કેવી અસર થઇ હશે..? હુમલો કરનારા કિસાનો પર નારંગના મતદારો વળતો હુમલો કરે તો..? ભાજપ તેનો બદલો લે તો…? આ સવાલો ઘટના બાદ થઇ રહ્યાં છે અને કોંગ્રેસ તથા શિરોમણી અકાલીદળ તેને વખોડી કાઢીને બેસી રહ્યાં છે. જાણે કે તેઓ આ ઘટનાથી ખુશ હશે કે જુઓ કેન્દ્રમાં ભાજપની સરકાર કિસાનોની વાત માનતી નથી તો ભાજપના ધારાસભ્યના કેવા હાલ કર્યા કિસાનોએ…? શું કોંગ્રેસના નેતાઓ એમ વિચારી રહ્યાં હશે..? જો તેઓ કે કોઇ અન્ય આવુ વિચારી રહ્યાં હોય તો તેઓ મૂર્ખાઓના રાજમાં રાચે છે. નારંગની ઘટનાના પડઘા તો પડશે જ. પણ કેવા અને ક્યા પડશે તેની કલ્પના કરવી રહી….બસ, ભાજપ બંગાળ જીતે એટલી વાર..પછી પંજાબનો વારો..!

બેશક, પોલીસ તે વખતે હાજર હતી અને તેમને બચાવવાનો ખૂબ જ પ્રયાસ કરે છે પણ જો તેમણે લાઠીચાર્જ કે ગોળીબાર કર્યો હોત તો નારંગના કપડાં ફાડવાની ઘટના ન બની હોત. વિડિયોમાં જણાય છે કે પોલીસ તેમને ટોળાથી બચાવે છે અને એક દુકાનમાં લઇ જાય છે. અને તેમને બહાર કાઢ્યા બાદ કિસાનોએ તેમના પર ફરી હુમલો કરવાનો જે અપરાધ કર્યો છે તેમાં પોલીસે 200 જણાના ટોળા સામે કેસ નોંધ્યો છે. કેટલીક ધરપકડો પણ થઇ છે. વિડિયોના આધારે હજુ વધારે લોકો પકડાશે. પણ પંજાબમાં સરકાર કોંગ્રેસની છે અને જો ફરી પંજાવાળી સરકાર આવી તો નારંગ પર હુમલા કેસના આરોપીઓ સામેનો કેસ પાછો ખેંચાઇ જાય તો નવાઇ નહીં. કારણ…? કેમ…?

2013માં યુપીમાં મુજફ્ફરનગરમાં થયેલા તોફાનોમાં 60 લોકો માર્યા ગયા હતા. સમાજવાદી પાર્ટીની સરકાર હતી. પોલીસે ભાજપના ધારાસભ્યો સહિત ઘણાંને પકડ્યા. કેસ કર્યો. અને યુપીમાં ભાજપની સરકાર આવ્યાં બાદ એ કેસો કોર્ટમાંથી હમણાં જ પાછા ખેંચી લેવાયા. બની શકે કે પંજાબમાં ફરી પંજો આવે તો નારંગ કેસના કિસાન આરોપીઓ સામેનો કેસ કદાજ પાછો ખેંચી લેવાય તો કહે નહીં શકતે… એટલે એવુ ના થાય તે માટે ભાજપે પંજાબમાં કોંગ્રેસને હરાવવી જ પડે.

બંગાળમાં મમતાદીદીને હરાવવા ભાજપે જેટલુ જોર લગાવ્યું છે તેના કરતાં અડધુ જોર લગાવે તો પણ પંજાબમાં બને, ફિર એક બાર કમલ કી સરકાર..! ભાજપે બંગાળની જેમ પંજાબમાં પણ એકલા હાથે ચૂંટણીઓ લડવી પડે. કેમ કે ગઇ વખતે અને વર્ષોથી સત્તામાં ભાગીદાર શિરોમણી અકાલી દળ હવે ભાજપની સાથે નથી. 3 વિવાદી કૃષિ કાયદાને લઇને ભાજપની સામે અને કોંગ્રેસની સાથે છે…! પણ ડોન્ટવરી, ભાજપ તો ફાઇટર પાર્ટી છે. હરહંમેશ ચૂંટણી લડવાના મૂડ અને મોડમાં હોય છે. શિરોમણીવાળા હાલમાં તેમની સાથે નથી અને 3 કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી સાથે રહેશે પણ નહીં, એ વાત ભાજપ સારી રીતે જાણે જ છે. પણ ફિકર નોટ…. કિ ફર્ક પૈંદા..!? ઘૂમતા બંગાલ મેં અકેલે તો ઉડતા પંજાબ મેં ભી અકેલે…!.

ધારાસભ્ય નારંગ સાથેની અભદ્ર-અસભ્ય-અમાનૂષી ઘટનાથી ભાજપના નેતાઓ આઘાતમાં હશે અને આઘાત લાગે જ. પણ હવે શું કરવુ તેની ઉધેડબૂનમાં હશે. હુમલાખોર કિસાનોની સામે કાયદાની કડક કલમો લગાવવી જોઇએ. પંજાબમાં ભાજપના બીજા કોઇ ધારાસભ્ય સાથે આવુ કાંઇ બને તે પહેલાં મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકની વાત પણ માનીને કિસાન આંદોલનનો વિષય પૂરો કરવાના પ્રયાસો સરકારે કરવા જોઇએ.

ભાજપના ધારાસભ્ય નારંગ પર હુમલાની ભયાનક ઘટના શું કિસાન અને કિસાન આંદોલનની ધીરજ ખૂટી ગઇ હોવાનો ઇશારો છે..? 2024 સુધી આંદોલન ચલાવવાની વાત કરનાર રાકેશ ટિકૈતની નેતાગીરી જોખમમાં છે..? ઘટના બની તે મલોટમાં ઉગ્ર બનેલા કિસાનોએ ટિકૈતને એવો સંદેશો આપવાનો પ્રયાસ તો કર્યો નથી ને કે ભાજપ સામે કંઇક કરો નહીંતર, હમ તો યે કરેંગે…?! મલોટમાં નારંગની ઘટનાથી ટિકૈતની આબરૂ પણ મટિયામેટ થઇ ગઇ..નિટ્ટીમેં મિલ ગઇ…? કે પછી નારંગના ચીરહરણની ઘટના સરકાર સામે કિસાન સુનામીની કોઇ ખતરનાક ઇશારા તો નહીં..? કિસાનભૈયા, આપ તો ઐસે ન થે..?! કાહે આપા ખો દિયા…? આપને તો સબકુછ ખો દિયા..!

-દિનેશ રાજપૂત

 118 ,  2