અનિલ અંબાણીની રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સને ખરીદશે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ

રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (આરસીએફ)ના ધિરાણકર્તાઓએ કંપની માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને સફળ બિડર્સ તરીકે પસંદ કરવામાં આવ્યા છે એવી માહિતી રિલાયન્સ કેપિટલે સોમવારે જણાવી છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા લગભગ 1600 કરોડ રૂપિયામાં રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સનું અધિગ્રહણ થવાની સંભાવના છે.

રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ એ દેવાના ડુંગર તળે દબાયેલી અનિલ અંબાણી દ્વારા પ્રમોટેડ રિલાયન્સ ગ્રૂપની રિલાયન્સ કેપિટલ લિમિટેડની કંપની છે. રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સના રિઝોલ્યુશનથી રિલાયન્સ કેપિટલના કુલ ઋણબોજમાં લગભગ 9000 કરોડ રૂપિયાનો ઘટાડો થશે. રિલાયન્સ કેપિટલે નિયામકીય ફાઇલિંગમાં જણાવ્યુ કે, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ધિરાણકર્તાઓ દ્વારા મંજૂર રિઝોલ્યુશન પ્લાન પર વિચારણા કરી છે, જે રિઝર્વ બેન્કના રિઝોલ્યુશન ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ માટે વિવકપૂર્ણ રૂપરેખા હેઠળનો ઇન્ટર-ક્રેડિટર એગ્રીમેન્ટનો એક ભાગ છે.

સફળ બિડર્સ દ્વારા રિઝોલ્યુશન પ્લાનનું અમલીકરણ નોન-આઇસીએ લેન્ડર્સ, શેરધારકો, નિયામકીય સત્તાધીશો અને કંપનીના પ્રવર્તમાન કાયદાકીય નિષ્ણાંતોની મંજૂરીને આધિન રહેશે. આ રિલાયન્સ ગ્રૂપની બીજી કંપની છે જેની માટે ઓથમ બિડર્સ બનીને ઉભરી આવ્યુ છે. પાછલા મહિને બેન્ક ઓફ બરોડાની આગેવાનીમાં ધિરાણકર્તાઓના એક સમૂહે રિઝોલ્યુશન પ્રોસેસ ભાગરૂપે રિલાયન્સ હોમ ફાઇનાન્સનું અધિગ્રહણ કરવા માટે ઓથમના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.

ઉલ્લેખનિય છે કે, ઓથમ એ એક ભારતીય એનબીએફસી છે જે 15 વર્ષથી અસ્તિત્વમાં છે અને જૂન 2021 સુધી 2400 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ ધારવે છે.

 19 ,  1