મક્કમ મનોબળ અને જીવન જીવવાની જીજીવિષાથી અનીલભાઇ કોરોના મુકત બન્યા

બચવાના ૨૫% ચાન્સ હતા તેને ૧૦૦ % કરીને સોલા સિવિલ હોસ્પિટલે નવજીવન આપ્યુ.

જીવન જીવવાનું મક્ક્મ મનોબળ હોય તો એને પહાડ જેવી મુસીબતોમાં પણ જીવવાનું નવુ બળ મળી રહે છે. કોરોનાની આ ગંભીર મહામારીમા ઘરનો મોભ તૂટી પડે ત્યારે ભલભલા માનવી પણ ભાંગી પડે એ માનવસહજ જીવન છે. જીવનની આકરી ઘડીમા પણ પોતાના પરિવારનો મોભ બનીને મજબૂતીથી પરિવારને બાંધી રાખવાની ખેવના ધરાવતા ૪૯ વર્ષીય અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વકીલ શ્રી અનીલભાઈ શાહે ૮ દિવસની સારવાર સોલા સિવિલ હોસ્પિટલમાં મેળવીને કોરોનાને હરાવ્યો છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં ૧ મે ના રોજ ૬૦ % ઓક્સિજન સાથે આવેલા અનીલભાઈની નાજુક પરિસ્થિતિ જોતા તાત્કાલિક બધા રિપોર્ટ કરીને ડોકટરની ટીમ કામે લાગી ગઈ અને તુરંત જ ઓક્સિજન સપોર્ટ પર તેમને રાખવામાં આવ્યા… દર ૧૫ મિનિટના અંતરે ડોકટર દ્વારા વિઝિટ લઈને તેમની તપાસ શરૂ કરવામાં આવી…

અનીલભાઇ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે ‘મારા પરિવારને કોરોના ન થાય એનું અમે સતત ધ્યાન રાખતા હતા. મારા પરિવારમા મારી સાથે માતા-પિતા અને પત્ની અને સંતાનો છે. અમે ૨૮ મી એપ્રિલના રોજ મારા ઘરના મોભી મારા પિતાને કુદરતી મૃત્યુમાં ગુમાવ્યા, તેનું દુ:ખ અને આઘાત અમારો પરિવાર હજી સમજી શકે એ પહેલા જ મને શરદી,તાવ થતા મે ટેસ્ટ કરાવ્યો. કોરોના પોઝિટિવ આવતાં મે ફેમિલી ડોક્ટર પાસે સારવાર શરું કરી. પરંતુ અચાનક જ મારું ઓક્સિજન લેવલ ૬૦ સુધી ઓછું થઈ ગયું… હું પોઝિટિવ કોવીડ ૧૯ના ક્રિટિકલ સ્ટેજે પહોંચી ગયો હતો, હવે મારો પરિવાર કશું ગુમાવવાની તાકાત ધરાવતો નહોતો. કોરોનાનો બીજો વેવ એવા મોડ ઉપર હતો. કે જ્યાં ચારે બાજુ ભયાનક વાતાવરણ જોઈને મારો પરિવાર સાવ ભાંગી પડ્યો હતો…’

અનીલભાઇએ ફેમિલી ડોક્ટરની સલાહ મુજબ કોઈપણ હોસ્પિટલમાં દાખલ થવાનું મુનાસિબ માન્યું. અને તેમના પરિવારજનોએ કોઇપણ હોસ્પિટલમાં બેડ ખાલી છે કે નહિ તેની તપાસ શરૂ કરી. તેઓ વધુમા કહે છે કે મારા માટે તો જેમ-જેમ સેકન્ડ અને મિનિટો પસાર થતી જતી હતી, તેમ તેમ શ્વાસ લેવામાં વધુને વધુ મુશ્કેલી થઇ રહી હતી. અમારો પરિવાર ખુબ જ ચિંતિત હતો અને ત્યારે અમે નક્કી કર્યું કે જ્યા સુધી કોઈપણ હોસ્પિટલમાં બેડ મળે નહિ ત્યાં સુધી બધી જગ્યાએ તપાસ કરતા રહેવું છે. અને મારા સદનસીબે મને સોલા સીવાલ માં ICU બેડ મળી ગયો. અમારો પરિવાર ખુબ ડરેલા હતો ત્યારે જ મને સોલા સિવિલ હોસ્પિટલમાં બેડ મળ્યો. હું ફરી ઘેર પાછો ફરીશ કે નહી એ વિચારમાત્રથી મારો પરિવાર ધ્રૂજતો હતો…

સોલા સિવિલમાં આવેલા અનીલભાઇને આઇસીયુ વોર્ડમા દાખલ કરીને તુરંત જ રિપોર્ટ લઈને ઓક્સિજન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું. ડોકટરોની ટીમ ખડેપગે સેવા આપવા માટે તત્પર રહે છે તેમ જણાવતા અનીલભાઇ ઉમેરે છે કે, ‘તાત્કાલિક ધોરણે મને આપવામાં આવેલી ટ્રીટમેન્ટ જોતા તો મને બે ઘડી એવુ જ લાગ્યું કે હુ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જ છું. અને મને વીઆઈપી સગવડતાઓ આપવામાં આવી રહી છે. મને વિશ્વાસ નહોતો આવતો કે હું એક સરકારી હોસ્પિટલના બિછાને છું અને મારી સારવાર કરવા માટે આટલા બધા ડોકટરોની ટીમ તૈયાર છે…
અનીલભાઇ સોલા સિવિલના તે દિવસોને યાદ કરતા કહે છે કે, ‘રાત દિવસ સતત સેવા આપતા સોલા સિવિલના તમામ ડોકટરો દરેક દર્દીના શરીરમાં થતા નાનામાં નાના ફેરફારને પણ સતત નોંધતા રહેતા હોય છે. એ મે નજરે અનુભવ્યુ છે. તેઓ અમારી સાથે હંમેશા વાતો કરીને અમને અમારી રિકવરીના અપડેટ આપીને હિંમત આપતા રહેતા હતા. તે ઉપરાંત અન્ય નર્સ મેલ/ફિમેલ સ્ટાફ છે જે એક પણ રજા લીધા વિના આખો દિવસ સતત પોતાની ડ્યુટીમાં જ લાગેલા રહે છે, કારણ કે કોઇપણ કોરોના વોર્ડમાં દર્દીના સગાઓ આવી શકતા ના હોવાથી દરેક દર્દીની નાનામાં નાની જરૂરિયાતને તેઓ હંમેશા ધ્યાને લે છે. કોવીડના કોઈપણ દર્દીની હાલત જો ક્રિટિકલ થઈ જાય તો આગળની સારવાર માટે ટીમ તૈયાર જ હોય છે. પેશન્ટનું ચોવીસ કલાક મોનિટરિંગ ડોકટરો અને સટાફ સતત કરે છે..’

એમ તેઓ ઉમેરે છે…અહી દર્દીઓને ચા,નાસ્તો, જમવાનું, દવાઓ, પાણી અને જે ચાલી ના શકે એવા દર્દીઓને વોશરૂમ સુધી લઇ જવાની તમામ બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ તમારી દવા તમે સમયસર લો છો કે નહીં તેની પણ સંભાળપૂર્વક કાળજી લેવામાં આવે છે.

સરકારી હોસ્પિટલ વિશેની મારી માન્યતાઓને સોલા સિવિલ હોસ્પિટલે સાવ ભૂંસી નાંખી છે તેમ ઉમેરતા અનીલભાઇ જણાવે છે કે, ‘સાત દિવસ હું આ હોસ્પિટલમાં હતો અને પહેલા જ દિવસે મારા મનમાં રહેલી સિવિલ હોસ્પિટલની છાપને આ હોસ્પિટલે બદલી નાખી. મને એ દિવસે પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડ મળ્યો હોત તો હું કદાચ આજે પાંચેક લાખ રૂપિયાનો દેવાદાર હોત. ઇન્જેક્શનો, દવાઓ,વેન્ટિલેટર,ઓક્સિજન, ડોકટરો, નર્સ અને
પેરામેડિકલ સ્ટાફની સેવાથી ધમધમતી સોલા સિવિલને જોખમ ખેડીને સાફસુથરી રાખતા સફાઈ કર્મીઓની સહિયારી સેવાએ મને સાચે જ નવું જીવન આપ્યું છે… જ્યા મારે બચવાના ૨૫% ચાન્સ હતા ત્યાં આજે મને ૧૦૦% સંપૂર્ણ સ્વસ્થ કરીને ઘરે મોકલી આપ્યો છે… કોરોનામાંથી બહાર આવ્યા બાદ હવે મને કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી, અત્યારે અસક્તિ કે તાવ,ખાંસી,શરદી નથી. હું પહેલા હતો તેવો જ તંદુરસ્ત બની ગયો છું…’

સોલા સિવિલ હોસ્પિટલનું હું કયારે ઋણ ઉતારી શકીશ એ મને ખબર નથી પણ હુ અન્ય લોકોને પ્રેરણા જરુર આપીશ કે સારવાર માટે જવું તો હવે સરકારી દવાખાનામાં જ જવું. તમામ સ્ટાફ અને સંચાલનનો હું અને મારો પરિવાર ખુબ ખુબ આભાર માનીએ છીએ.
અનીલભાઈ શાહ સહિતના સંખ્યાબંધ દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલથી પ્રભાવિત થઇ રહ્યાં છે એના અમુક ખાસ કારણો પણ છે. સરકારી હોસ્પિટલ એટલે સરકારની માનવ માત્ર પ્રત્યેની સેવાનું પ્રતિક. સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ હંમેશા જવાબદારીપૂર્વક સચોટ સારવાર ઉપર જ લક્ષ્ય કેન્દ્રિત કરે છે. સોલા સિવિલ હોસ્પિટલનો હેતુ દર્દીને વહેલામાં વહેલી તકે દર્દમુક્ત કરવાનો જ લક્ષ્યાંક હોય છે

સરકારી હોસ્પિટલોને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાનો જે માનવસેવાનો યજ્ઞ રાજય સરકારે આદર્યો છે તેના મીઠા ફળ હવે મળતા રહ્યા છે. ગુજરાતની સંવેદનશીલ સરકારના નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સોલા સિવિલ હોસ્પિટલે તબીબી વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં લોકોને જે ઉત્તમ અને આધુનિક સેવા પૂરી પાડી છે તેનાથી સરકારી હોસ્પિટલો પ્રત્યેના લોકોના અભિપ્રાયમાં ધરમૂળથી સુધારો થયો છે…

 111 ,  1