“પશુ સેવા એજ પ્રભુ સેવા”……

છેલ્લા 25 વર્ષથી કુતરાને ભોજન આપે છે…

‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ સૂત્રમાં માનનારા ઘણા સેવા ભાવિ લોકો અને સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની સેવા કરીને ધન્યતા અનુભવતા હોય છે. માનવી તો પોતાની તકલીફ બોલીને પણ જણાવી દેશે, પરંતુ અબોલ પશુઓની તકલીફ કોણ સમજી શકે? તો અહીં આપને એક એવા પરિવારની વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જે છેલ્લા 25 વર્ષથી કુતરાઓ માટે ભોજન તૈયાર કરે છે.

મળતી માહિતી મુજબ ,માંડવી તાલુકાના આ કાંઠડા ગામમાં વસવાટ કરતા ચારણ પરિવારના મોભી એવા જસાભાઈ ચારણ ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. આજથી 25 વર્ષ પહેલા બચ્ચાઓને જન્મ આપનારી એક કુતરીને ભોજન આપ્યા બાદ તેઓએ આ સેવા શરૂ કરી હતી અને આજે છેલ્લા 25 વર્ષથી તેઓ રખડતા કુતરાને ભોજન આપે છે.સાથે પશુઓના શિકારને પણ અટકાવે છે અને તેમાં તેનો આખો પરિવાર તેમની મદદ કરે છે. દૈનિક 250 રોટલી, રાબ અને કુતરાને બિસ્કીટ સહિત માસિક 35,000નો ખર્ચ માત્ર અબોલ પશુઓની સેવામાં વાપરે છે. જેમાં તેનો આખો પરિવાર સહયોગ આપે છે.

વિગતોમાં ,માસિક 5,000નો ખર્ચ કરી જસાભાઈ અને તેના પરિવારે માત્ર અબોલ પશુઓના ભોજન બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવી હતી, પરંતુ હવે તો પરિવારના સભ્યો જ સેવામાં સામેલ થઈ ગયા છે અને તેના પરિવારના સભ્યો રોજ કુતરા માટે તથા અન્ય પશુઓ અને કીડીને કીડયારૂ પુરી નિત્ય સેવા કરી રહ્યા છે. ગુજરાતમાં આમ તો આવા અનેક સેવાભાવી છે, પરંતુ 25 વર્ષથી અવીરત સેવા આપવી કપરુ કામ છે જે પરિવારના દરેક સભ્યોના સહયોગથી આજે પણ ચાલુ છે.

કચ્છમાં અનેક જીવદયાપ્રેમીઓ દાત્તાઓના સહયોગથી આવી સેવા આપી રહ્યા છે. પરંતુ આખુ પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા સાથે રખડતા કુતરા અને અન્ય પશુઓનો વર્ષોથી જઠરાગ્નિ શાંત કરતા હોય તેવુ માંડવીનું આ ચારણ પરિવાર કદાચ એકલુ હશે. દિવસ દરમ્યાન ભલે પશુઓ અને કુતરા રખડતા હોય પરંતુ ભોજનના સમયે તેઓ અચુક પહોંચી જાય છે.

 55 ,  1