માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત, PM મોદી અને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે. 

પત્રકારત્વથી કારકિર્દીની શરૂઆત કરનાર માધવસિંહ સોલંકી રાજકારણમાં જવા માંગતા ન હતા. પરંતુ નસીબ જ તેમને રાજકારણમાં ખેંચી લાવ્યું હતું. રાજકારણ સાથે તેમનો સીધો કોઈ સંબંધ ન હતો. માત્ર ભલામણના આધારે તેઓ રાજકારણમાં પહોંચ્યા હતા. એક પત્ર તેમના રાજકારણમાં આવવાનું નિમિત્ત બન્યો હતો. એક પોસ્ટકાર્ડના માધ્યમથી રાજકારણમાં તેમની એન્ટ્રી થઈ હતી. ગુજરાતના રાજકારણમાં તેમની સફળતાનું મુખ્ય કારણ જાતિગત સમીકરણ હતા, જેને તેઓએ પોતાના પક્ષમાં લાવવાની અદભૂત ક્ષમતા હતા. તેમના કાર્યકાળમાં આવેલું ખામ સમીકરણ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું. 

માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેઓ હાલ અમેરિકામાં છે. પિતાના નિધનના સમાચાર સાંભળીને ભરતસિંહ સોલંકી પણ આઘાતમાં સરી પડ્યા હતા. તેઓ તાત્કાલિક ગુજરાત આવવા રવાના થયા છે. 

 28 ,  1