દ્વારકા : ઝડપાયેલા મુંબઈના પેડલરો પાસેથી મળી આવ્યા બીજા 47 પેકેટ ડ્રગ્સ..

કરોડો રૂપિયાનું ડ્રગ્સ પાકિસ્તાનથી લવાયું હોવાનો ખુલાસો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયગાળાથી ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. પહેલા પણ 21 હજાર કરોડનું અને હવે દ્વારકામાં કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરવામાં આવી છે. કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત જાણે ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું છે તેવુ ચોક્કસ લાગી રહ્યું છે. મુંદ્રામાં ઝડપાયેલા કરોડોના બાદ દેવભૂમિ દ્વારકામાંથી 17 કિલોથી વધુ જથ્થો મળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે દ્વારકાના રેન્જ આઈજી સંદીપ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસે કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈના આરોપી શહેજાદ તેમજ સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પહેલીવાર સ્થાનિક પોલીસ દ્વારા આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

સંદીપ સિંહે જણાવ્યું કે, પોલીસને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, કેટલાક શખ્સના હિલચાલ શંકાસ્પદ છે. તેમની એક્ટિવિટી વિચિત્ર છે અને તે સ્થાનિક લાગતો નથી. વર્ણનના આધારે પોલીસ દ્વારા આરોપીઓને શોધવાનો પ્રયાસ કરાયો હતો. આરધના ધામ પાસેથી એક શખ્સ પકડાયો હતો. જેની પાસે ત્રણ બેગ હતા. પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતા 11.483 કિલો હેરોઈન મળી આવ્યું. 6.68 ગ્રામનું એમડી ડ્રગ્સ મળ્યું. કુલ મળીને 17 કિલો 651 ગ્રામ થાય છે. જેની કિંમત 88 કરોડની થાય છે. આ ડ્રગ્સ નાના પેકેટમાં પેક કરાયેલુ હતું.

ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં પોતાનું નામ શહેજાદ અને મુંબઈના રહેવાસી હોવાનું જણાવ્યુ હતું. બે દિવસ પહેલા ખંભાળિયા આવીને આરતી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. બે દિવસથી તે કન્સાઈનમેન્ટ લેવાનો પ્રયાસ કરતો હતો. ગઈકાલે તેણે કન્સાઈનમેન્ટ મેળવ્યુ હતું. તેણે સલીમ કારા અને અલી કારાનું નામ લીધુ હતુ. આ બાદ પોલીસે સલીમ કારા અને અલી કારાની અટકાયત કરી છે. શહેજાદની જેમ જ સલીમ કારા અને અલી કારા પાસેથી 47 ડ્રગ્સના પેકેટ મળ્યા છે. તેની ગણતરી હજી ચાલી રહી છે. જેની માહિતી હજી સામે આવી નથી. જેથી ડ્રગ્સનો આંકડો વધી શકે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનો આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. જો કે, પાકિસ્તાનથી આ જથ્થો કયા બંદર પર કઈ રીતે લાવવામા આવ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આકરી ચેતવણી

આ મુદ્દે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે. ગુજરાતમાં સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા વિશે તેમણે જણાવ્યુ કે, ડ્રગ્સનું દૂષણ દુનિયામાં ઝડપથી વધી રહ્યુ છે. યુવા ધનને ડ્રગ્સમાં ધકેલવા માટે માફિયાઓ અનેક ટ્રીક વાપરે છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી ડ્રગ્સને ગુજરાતના ખૂણેખૂણેથી બહાર કાઢવા માટે સારી કામગીરી કરવામાં આવી રહી હતી. છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે 58 કેસ કરવામાં આવ્યા છે. 90 થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. હજી ડ્રગ્સ પેડલરને પકડવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 55 દિવસમાં 5756 કિલો ડ્રગ્સ પકડાયુ છે. અત્યાર સુધી 245 કરોડથી વધુનુ ડ્રગ્સ બે મહિનામાં પકડાયુ છે. જેમાં દ્વારકાનો આંકડો સામેલ નથી.

હર્ષ સંઘવીએ પોલીસના પાઠવ્યા અભિનંદન

આ સાથે જ તેમણે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની ટીમને ડ્રગ્સ પકડવાની કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. તેમણે વધુમાં કહ્યુ કે, ગત બે ત્રણ દિવસમાં ગુજરાત પોલીસની અલગ અલગ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે. માત્ર જિલ્લાની પોલીસ દ્વારા દ્વારકામાં આટલુ મોટુ કન્સાઈમેન્ટ પકડવુ એ પહેલી ઘટના બની છે. અમદાવાદ, સુરતમાં પેડલરની ધરપકડ કરાઈ છે. તો છોટાઉદેપુરમાં પણ ગાંજાની ખેતી પકડાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ માટે પોલિસી બનાવાઈ હતી, જેમાં આ સફળતા હાથ લાગી છે. ડ્રગ્સ મામલે વિધાનસભામાં કહ્યુ હતું કે, ડ્રગ્સ વેચાય તે પહેલા પોલીસ દ્વારા પકડાય તો તે પોલીસની સફળતા છે. જેનાથી હજારો લોકોના જીવ જોખમમાં જતા બચે છે. આ સિસ્ટમને પર્દાફાશ કરવી જરૂરી છે.

લોકોને પણ અપીલ છે કે, પોલીસ કામગીરીમાં મદદ કરે અને પોલીસની કામગીરીને બિરદાવે. ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે. કોસ્ટલ સિક્યુરિટી માટે આપણી પાસે તમામ પ્રકારની વ્યવસ્થા છે. આ મામલે પૂરતી કાળજી લેવાય છે.

દરિયાઇ સરહદ પર એલર્ટ અપાયું

દ્વારકાના ખંભાળિયા-જામનગર રોડ પરથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કચ્છની દરિયાઇ સરહદને એલર્ટ કરી દેવામાં આવી છે. કચ્છની દરિયાઇ સરહદે કોસ્ટગાર્ડ, નેવી, BSF અને મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે.દરિયાઇ સરહદે વિવિધ એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રગ્સનો જથ્થો દરિયાઇ માર્ગે આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવતા પેટ્રોલિંગમાં વધારો કરાયો છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી