કાશ્મીર : કુપવાડા એનકાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, એક કેપ્ટન અને 2 જવાન શહીદ

કુપવાડામાં આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ, ઓપરેશનમાં ત્રણ જવાન શહીદ

ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ એકવાર ફરીથી પાકિસ્તાનના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. જો કે આ ઓપરેશનમાં કેપ્ટન સહિત સેનાના 3 જવાનો શહીદ થયા છે.

કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પાકિસ્તાની આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. માછિલ સેક્ટરમાં પાકિસ્તાનની સીમા પર આતંકવાદીઓની આ ઘૂસણખોરીને અટકાવવા માટે સેનાએ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે સેનાના કેપ્ટન સહિત 3 જવાન શહીદ પણ થયા છે.સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે.

શ્રીનગરમાં સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે સુરક્ષા દળોએ 7-8 નવેમ્બરની રાત્રે સીમા પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. રાત્રે આશરે 1 વાગે BSEના પેટ્રોલિંગ યૂનિટને LOCથી આશરે સાડા 3 કિમી અંતરે ઘૂસણખોરી અટકાવવા માટે લગાવવામાં આવેલ તારની વાડ પાસે શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. જવાનોએ ઘૂસણખોરોને પડકાર્યા હતા.

કર્નલ કાલિયાએ જણાવ્યું કે ફાયરિંગમાં 3 આતંકીઓ ઠાર કરાયા. આ દરમિયાન એક કોન્સ્ટેબલે પોતાના જીવનું બલિદાન આપ્યું. ત્યારબાદ ઓપરેશન દરમિયાન એક કેપ્ટન અને એક જવાન શહીદ થયા. અથડામણના સ્થળેથી એક એકે રાયફલ અને બે થેલા મળી આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. 

કાશ્મીરમાં સતત આતંકવાદીઓ સાથે અથડામણ થઈ રહી છે. એક સપ્તાહ અગાઉ CRPF અને પોલીસના સંયુક્ત અભિયાનમાં હિઝબુલનો ટોપનો કમાન્ડર સૈફુલ્લાને ઠાર કરવામાં આવ્યો હતો. શુક્રવારે દક્ષિણ કાશ્મીરના પાંપોરમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. આ સમયે એક સ્થાનિક આતંકવાદીએ સરેન્ડર કરી દીધુ હતું.

 20 ,  1