September 25, 2020
September 25, 2020

કાલાવડના કાલમેઘડામાં કરૂણાંતિકા, ભાઈ-બહેન સહિત ત્રણ માસૂમોના મોતથી ગામ ગમગીન

પાણી ભરેલા ખાડામાં પડી જતા ત્રણેયનાં ડૂબી જવાથી મોત, ગામમાં છવાયો માતમ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં ત્રણ માસૂમ બાળકોના તળાવના ખાડામાં પડી જવાના કારણે ડૂબી જતાં કરૂણ મોત નીપજતા સમગ્ર ગામમાં ગમ ગમી છવાઈ ગઈ છે. ખેતમજૂરી કરતા પરિવારનાં ત્રણેય બાળકોનાં એક સાથે મોત થતાં સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો છે.

મળતી વિગત મુજબ મૂળ પાટણ જિલ્લાના વતની અને હાલ કાલમેઘડા ગામમાં દિલીપભાઈ જયંતીભાઈ ઠાકોર અને તેના બનેવી શૈલેષભાઈ ઠાકોર બન્ને સાથે રહીને ખેત મજૂરી કામ કરે છે.  દિલીપભાઈના ૧૦ વર્ષનો પુત્ર રાહુલ અને પાંચ વર્ષની પુત્રી કિરણ તેમજ શૈલેષભાઈ ઠાકોરની પાંચ વર્ષની પુત્રી રિયા પોતાના ખેતરથી થોડે દુર રમી રહ્યા હતા. જે દરમિયાન એકાએક બળદો ભડકતાં ત્રણેય  બાળકો ભાગવા લાગ્યા હતા, અને નજીકમાં જ આવેલા પાણીના ખાડામાં પડી ગયા હતા. જે ખાડામાં ઊંડુ પાણી હોવાથી ત્રણે માસૂમ ડૂબી ગયા હતા.

જોત જોતાંમાં ત્રણેય માસુમ ડૂબવા લાગતાં ચીચીયારીઓ કરવા લાગ્યા. શ્રમિક પરિવારના સભ્યો ઉપરાંત સ્થાનિક અગ્રણી વગેરે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકોને પાણીમાંથી બહાર કાઢી, કારમાં બેસાડીને તાત્કાલિક ગોંડલની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ત્રણેય બાળકોના મૃત્યુ નીપજ્યાં હોવાનું જાહેર કર્યું હતું. એક સાથે ત્રણ માસૂમોના મોત નીપજતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઘટનાની પોલીસને જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સ્ટાફ બનાવના સ્થળે તેમ જ ગોંડલ દોડી ગયો હતો, અને બાળકોના પોસ્ટમોર્ટમ કર્યા બાદ ત્રણેય મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દીધા હતા. પોલીસે પરિવારજનોનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર