September 20, 2021
September 20, 2021

અમદાવાદ : રાણીપ વિસ્તારમાં 16 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

SOG ક્રાઈમ બ્રાંચે 2 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદમાં નશીલા માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે પોલીસ દ્વારા ચોક્કસ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાંથી નશીલા પદાર્થોનું વેચાણ કરનાર લોકો વિરૂદ્ધ એક ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. તેમ છતાં શહેરમાંથી નશીલા પદાર્થોનું વેચાણ અટકાવી શકાયું નથી. ત્યારે અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચની ટીમે રાણીપ વિસ્તારમાંથી 16 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચને ગાંજો સપ્લાય થતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે SOG ક્રાઈમ બ્રાંચના PI એ.ડી પરમાર તથા ASI જગદીશભાઈ ભાઈલાલભાઈ તેમજ તેમની ટીમના હે.કો. હિમ્મતસિંહ રણજીતસિંહ, વિરેન્દ્રસિંહ દિલીપસિંહ, પો.કો. લક્ષમણસિંહ, કેતન પરમાર, નિકુંજ જયકીશન સહિત ટીમે રાણીપ વિસ્તારમાં કેશવનગર રોડ નજીક રામજીભાઇની ચાલીના નાકે આવેલ જોગણીમાતાના મંદિર પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટુ વ્હીલરને અટકાવી તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

SOGએ પૂછપરછ કરતાં આરોપીએ સરસપુર ખાતે રહેતો હોવાનું તેમજ પોતાનું નામ હસન મલેક (24) હોવાનું બતાવું હતું. SOG ક્રાઈમ બ્રાંચે 1.61 લાખનો આશરે 16 કિલોથી વધુનો જથ્થો કબ્જે કર્યો હતો. કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

અમદાવાદમાં ડ્રગ્સના ગોરખ ધંધાની કમાન ‘માફિયા ક્વીન’ના હાથમાં..

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ગેરકાયદે દારૂના ધંધામાં મહિલાઓની સંડોવણી કોઇ નવી વાત નથી, પરંતુ જે ગંભીર મામલે ઓછામાં ઓછા 10 વર્ષની સજાની જોગવાઇ છે, તેવા નાર્કોટિક્સના ગેરકાયદે ધંધામાં પણ મહિલાઓની સંડોવણી નોંધપાત્ર રીતે બહાર આવી છે. અને તેઓ માફિયા ક્વીન તરીકે ઓળખાઇ રહી છે.

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનો ગંદો ધંધો કોઈ પુરુષો નહીં પણ ચાર માફિયા ક્વીન સંભાળી રહી છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા ડ્રગ્સના ગોરખ ધંધાની કમાન બાપુનગરની ડ્રગ્સ ક્વીન્સ સિતારા, માજો, પમ્મો અને શરિફાના હાથમાં છે અને તેમની ગેંગમાં કામ કરતા 60 જેટલા બચ્ચા પાર્ટી સભ્યો જેમની મોટાભાગે ઉંમર 9થી 15 વર્ષની છે તેઓ શહેરભરના નશાખોરોને ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરે છે.

પોલીસ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ 35થી 52 વર્ષની ઉંમરની આ ચાર મહિલાઓ શહેરમાં સૌથી વધુ ઉપયોગ થતા એમડી ડ્રગ્સ અને સ્લીપિંગ ડ્રગ્સ જેનો ઉપયોગ ઇન્સોમેનિયા જેવી બીમારીમાં થાય છે તેનો વેપલો કરે છે. આ મામલે જાણકારી રાખતા સૂત્રોએ કહ્યું કે આ દરેક ડ્રગ માફિયા ક્વીન દૈનિક 100થી 150 જેટલી ડિલિવરી આખા શહેરમાં પૂરી પાડે છે અને આ દરમિયાન 150થી 200 ડ્રગ્સના નાના નાના પેકેટ નશાખોરો સુધી પહોંચાડવામાં આવે છે.

અમદાવાદ શહેર ઝોન-5ના ડે. કમિશનર અચલ ત્યાગીએ કહ્યું કે ‘અમે ડ્રગ્સના ગોરખધંધાને તોડી પાડવા માટે આ ચાર મહિલાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરંતુ મોટાભાગે પકડાયેલા પેડલર સગીર વયના હોય છે અને તેમની માસે એટલી નાની માત્રામાં ડ્રગ્સ હોય છે કે તેને મુદ્દામાલ તરીકે દર્શાવી નથી શકાતો તેમજ FSL લેબોરેટરીમાં ટેસ્ટ માટે પણ નથી મોકલી શકતો. અમે તેમના મોટા જથ્થાને પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેથી તેમની સામે કાર્યવાહી કરી શકાય.’

 651 ,  2