ઉત્તરપ્રદેશ ધર્મપરિવર્તન કેસમાં ફન્ડિંગ કરનારની અમદાવાદમાંથી ધરપકડ

ઉત્તર પ્રદેશ ATSએ સલાઉદ્દીનની કરી ધરપકડ

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના કેસમાં ગુજરાત ATS સાથે UP ATSએ સલાઉદ્દીન શેખ નામના એક શખસની અમદાવાદમાં ધરપકડ કરી છે. સલાઉદ્દીન શેખ પર ઉત્તરપ્રદેશમાં ચાલતા ધર્માંતરણ કેસમાં ફન્ડિંગ કરવાનો આરોપ છે. ઉતરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવનારી ટોળકી સક્રીય બની હતી. જેની ફરિયાદ મળતા ઉતર પ્રદેશ પોલીસે, ટોળકીના એક પછી એક સભ્યોને પકડીને જેલના હવાલે કર્યા હતા. જો કે ટોળકીનો સભ્ય સલાઉદ્દીન અન્સારી ફરાર થઈ ગયો હતો. બાતમીના આધારે ઉતર પ્રદેશ એટીએસ દ્વારા સલાઉદ્દીન અન્સારીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે.

સલાઉદ્દીન વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલા ક્રિષ્નાદીપ ટાવરના 306 નંબરના ફ્લેટમાં રહે છે. ATS ની ટીમે સલાઉદ્દીનને સાથે રાખીને તેમની પાણીગેટ સ્થિત ઓફિસ તેમજ ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ATS એ સલાઉદ્દીનની પાણીગેટ ઓફિસમાંથી કમ્પ્યુટર જપ્ત કર્યું છે તેમજ 306 નંબરના તેના ફ્લેટમાં પણ તપાસ હાથ ધરી છે.

ATS દ્વારા ધરપકડ કરાયેલા સલાઉદ્દીન શેખ પર ઉત્તર પ્રદેશમાં દાખલ થયેલા ધર્માંતરણ કેસમાં 10 લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું છે. આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં પણ આરોપી ગુજરાતના વડોદરામાં પોતાની NGO ચલાવી રહ્યો છે. તેને એક નહીં 2 NGOમાં વિદેશી ફન્ડિંગ મળતું હતું.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો. આ લોકો પર રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો આરોપ છે. તેઓ મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. જેમાં ઉમર ગૌતમ પહેલા હિન્દુ હતો, પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. આ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે સલાઉદ્દીન સિવાય પણ આ ગેંગમાં કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ કરવામાં આવશે.

ATSએ લખનઉથી 21 જૂનના રોજ મૌલાના જહાંગીર અને મૌલાના ઉમર ગૌતમને પક્ડ્યા હતા. એ બાદ સોમવારે મહારાષ્ટ્રના ઈરફાન શેખ, હરિયાણાના મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન અને નવી દિલ્હીથી રાહુલ ભોલાની ધરપકડ પણ કરી છે. તો આ પહેલાં લખનઉથી પકડાયેલા ઉમર ગૌતમના તાર કતરના સૌથી મોટા ધર્મપરિવર્તન કરાવનાર ઈન્ટરનેશનલ માસ્ટરમાઈન્ડ બિલાલ ફિલિપ સાથે જોડાયેલા છે. બિલાલ ફિલિપ ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઇકનો સહયોગી રહ્યો છે.

ઉતર પ્રદેશ પોલીસે વડોદરાના સલાઉદ્દીન અન્સારીને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવ્યા છે. ઉતરપ્રદેશ પોલીસના જણાવ્યાનુસાર, સલાહુ્દ્દીન અન્સારી, ટોળકીના મુખ્ય સાગરીત ગૌતમને રુપિયા પૂરા પાડતો હતો. સલાહુદ્દીનની સાથે અન્ય બે લોકો ઉપર પણ ઉતર પ્રદેશ પોલીસ નજર રાખી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતમાંથી આ કેસમાં વધુ ધરપકડ થાય તો નવાઈ નહી.

 14 ,  1