એક વર્ષથી બાળ મજૂરી કરાવનાર રેસ્ટોરેન્ટ માલિકની ધરપકડ

પોલીસ-સંસ્થાએ સાત બાળ મજૂરોને છોડાવ્યા

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરેન્ટમાં છેલ્લા એક વર્ષથી બાળ મજૂરી કરી રહેલા સાત બાળકોને સામાજીક સંસ્થા અને પોલીસે છોડાવ્યા હતા. ત્યારબાદ બાળકોને બાળ સરંક્ષણગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે. બાળકો નેપાળ, ઝારખંડ અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી રેસ્ટોરેન્ટ માલીકની ધરપકડ કરી હતી.

શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા દામીનીબહેન વિજયભાઇ પટેલ બચપન બચાવો આંદોલન નામની સંસ્થામાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે. 27 જાન્યુ. 2021ના રોજ શ્રમ અધિકારીની અધ્યક્ષતાવાળી ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. તેઓ બાળ મજુરી નાબુદી અભિયાન હેઠળ શહેરમાં જુદી જુદી જગ્યાએ દરોડા પાડી બાળ મજૂરોને છોડાવે છે. 30મી જાન્યુ.ના રોજ તેમની ટીમને બાતમી મળી હતી કે, ઓઢવ રિંગ રોડ પર રોયલ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ નામની રેસ્ટોરેન્ટમાં છેલ્લા ઘણા સમયથી બાળ મજૂર રાખી તેમની પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. જેથી પોલીસ સાથે તેમણે રેસ્ટોરેન્ટમાં દરોડો પાડ્યો હતો.

ત્યારે 18 વર્ષથી નાની વયના 7 બાળકો મળી આવ્યા હતા. તે બાળકો હોટલમાં સાફસફાઇ, વાસણ ધોવાનું તેમજ વેઇટર તરીકે કામ કરતા હતા. જેથી પોલીસ અને સામાજીક સંસ્થાએ સાત બાળકોને ત્યાંથી મુક્ત કરાવી તેમની પુચ્છા કરી હતી. જેમાં મોટાભાગના બાળ મજુરો રાજસ્થાન, નેપાળ અને ઝારખંડના હતા.

બાળકોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી ત્યાં માસીક પગારથી નોકરી કરે છે. સવારથી તેઓ મોડી રાત્રી સુધી જુદુ જુદુ કામ કરે છે અને સાતથી આઠ હજાર રૂપિયા મહિને પગાર આપવામાં આવે છે.

આ સમયે હોટલનો માલીક આબીદઅલી કમરઅલી મેમાયા પણ હાજર હતો. જેથી આ મામલે દામીનીબહેને હોટલના માલીક આબીદઅલી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ સાત બાળકોને બાળ સંરક્ષણ ગૃહ, શેલ્ટર હોમ ખાતે મોકલી આપ્યા હતા.

 34 ,  1