રૂ.10 લાખમાં નકલી વિઝા આપનાર એજન્ટની કડીથી ધરપકડ

નકલી વિઝા પર અમેરિકા જતુ દંપતી ચાર દિવસના રિમાન્ડ પર સોંપાયું

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નકલી વિઝાના આધારે અમેરિકા જવાનો પ્રયાસ કરનાર દંપતીને ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરતા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.ઘાસુરાએ બન્ને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. બીજી તરફ આરોપીઓને 10 લાખમાં નકલી વિઝા આપનાર કડીના એજન્ટ વી.બી.પટેલને પણ પોલીસે ઝડપી લીધો છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત શનિવારે અમેરિકા જતી ફલાઈટની ઈમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન રાજેશ પટેલ (ઉં.34), સોનલ પટેલ (ઉં.34) અને નક્ષ પટેલ (ઉં.7 વર્ષ)ના પાસપોર્ટ, વિઝાનું ચેકિંગ કરતા તેમના વિઝા નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ઇમિગ્રેશન અધિકારી અજય સાવલેએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દંપતી અને એજન્ટ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને રિમાન્ડ માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જ્યાં સરકારી વકીલ અમર પરમારે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ અગાઉ બે વખત વિદેશ ગયા હતા ત્યારે તેમને કેવી રીતે વિઝા મેળવ્યા હતા ?, જે પ્રમાણે વિઝા એજન્ટ મારફતેથી મેળવ્યા છે તે જોતા સમગ્ર કૌભાંડમાં સંખ્યાબંધ લોકોની સંડોવણીની આશંકા છે, આરોપીઓએ બોગસ વિઝા બનાવવા કઇ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો?, આરોપીઓએ આ સિવાય અન્ય લોકોના ડુપ્લિકેટ વિઝા બનાવ્યા છે કે નહીં?, આરોપીઓને ગુનાઇત પ્રવૃત્તિ આચરવામાં કોને મદદ કરી છે?, આરોપી તપાસમાં સહકાર આપી રહ્યાં નથી, આખુય સ્કેમ મોટુ હોવાનું લાગી રહ્યું છે જેથી તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડની જરૂર છે.

આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. બીજી તરફ પોલીસે 10 લાખ નક્કી કરી પાંચ લાખમાં બોગસ વિઝા આપનાર કડીના એજન્ટ વી.બી.પટેલેને પણ ઝડપી લીધો છે. તેથી હવે તેને બુધવારે રિમાન્ડ માટે પોલીસ કોર્ટમાં રજૂ કરશે.

 29 ,  1