લોકોને પરેશાન કરનાર ASIની આખરે બદલી

ધારાસભ્ય પ્રદિપ પરમારે જનહિતમાં ઉપરી અધિકારીઓને કરી હતી ફરિયાદ

ASI ઉદેસિંહની બદલી ડફનાળા ટ્રાફિક પોઈન્ટ પર કરી દીધી

અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની સાથે વિવાદમાં આવેલા ASIની આખરે બદલી થઇ ગઇ છે. ટ્રાફિકના ડીસીપી તેજસ પટેલે એએસઆઈ ઉદેસિંહની બદલી ડફનાળા ટ્રાફિક પોઈન્ટ પર કરી દીધી છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ વાહન ટોઈંગ કરી રહ્યા હતા. આ દરમિયાનમાં રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલ વાહન ટોઈંગ કરવામાં આવ્યું ત્યારે તે સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ASI અને ધારાસભ્ય વચ્ચે રકઝક થઇ હતી. જેમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં ધારાસભ્ય દાદાગીરી કરતા હોવાનું મીડિયામાં ચાલ્યું હતું. ત્યારબાદ ભારે વિવાદ સર્જાયો હતો.

આ વીડિયો વાયરલ થયા પછી ASI ઉદેસિંહ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ધારાસભ્ય પ્રદીપ પરમારે મારી સાથે ગેરવર્તન કર્યું હતું. મેં આ બનાવ અંગે મારા ઉપરી અધિકારીને જાણ કરી છે. મારા અધિકારી કહેશે તે મુજબ આગળ કાર્યવાહી કરીશ. અમે અમારું કામ કરી રહ્યા હતા. ધારાસભ્યએ પાછળથી આવીને પ્રજાને કેમ હેરાન કરો છો એમ કહ્યું. અમે કોઈ ગાડી ત્યાંથી ઉપાડી પણ ન હતી. જે ભાષામાં ધારાસભ્યએ વાત કરી, તેમ ન કરવી જોઈએ.

તો બીજી તરફ આ બાબતે ધારાસભ્યએ ખુલાસો આપતા એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં ASI એક દર્દીનું વાહન ટોઈંગ કરી રહ્યા હતા. જે દર્દીના હાથોમાં સોઇ લગાવેલી હતી. જે દ્રશ્ય જોઇને મારાથી જોવાયું નહીં અને દર્દીની મદદ માટે ગાડી ઉભી રાખી ASI પાસે જઇ સમજાવાનો પ્રયાસ કર્યો હતો.

 81 ,  1