અમદાવાદ : ASIની દિકરી પાંચ દિવસથી ગુમ, સાસરિયાઓના ત્રાસથી સુસાઇડ નોટ લખીને છોડ્યું હતું ઘર

PI સસરો કહેતો – હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું એમ થાય છે

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકના ASIની દિકરી ગુમ કેસમાં કૃષ્ણનગર પોલીસે સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ભરૂચમા ફરજ બજાવતા સસરા પોલીસ ઈન્સ્પેક્ટર પ્રતાપદાન ગઢવી અને પતિ ધર્મેન્દ્ર દાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. સાસરિયાઓ દીકરી સાથે નોકરાણી જેવુ વર્તન કરી, બિભત્સ ગાળો આપી અસહ્ય માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે દિકરી સુસાઇડ નોટ લખી ઘરેથી જતી રહી હતી. જો કે આજ સુધી દિકરીની કોઇ ભાળ ન મળતા ASI પિતાએ કૃષ્ણનગર પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા, તથા બન્ને નણંદો, નણદોઇ તેમજ દિયર સામે ગુનો નોંધાવી ન્યાયની માંગ કરી છે.

અમદાવાદના નવા નરોડામાં કર્મશક્તિ પાર્ક સોસાયટીમાં રહેતા અને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગિરીશદાન ગઢવીની પુત્રી સોનલ ગઢવીના 2007માં ધર્મેન્દ્રદાન ગઢવી સાથે કર્યા હતા. લગ્નમાં રીતરિવાજ મુજબ 40 તોલા સોનું અને રોકડા રૂપિયા આપ્યાં હતાં. સોનલ તેના પતિ, સસરા પ્રતાપદાન, સાસુ કૈલાસબેન, દિયર શૈલેષ, નણંદ મુન્ની ઉર્ફે મીનાક્ષી સહિત લોકો સાથે સયુંકત કુટુંબમાં રહેતી હતી. બે વર્ષ સુધી લગ્નજીવન સારું ચાલ્યું હતું. પ્રથમવાર ગર્ભવતી થતાં મિસકેરેજ થયું હતું, જેથી સાસરિયાંને ગમ્યું ન હતું. 2011માં ફરી ગર્ભવતી થતાં દીકરીનો જન્મ થયો હતો, જે સાસરિયાંને ગમ્યું ન હતું. સાસુ- સસરા પહેલા ખોળે દીકરો જોઈતો હતો કહી મેણાંટોણાં મારતાં હતાં. બીજી વાર દીકરાનો જન્મ થયા બાદ તેઓ કલોલ ખાતે રહેવા ગયા હતા, જ્યાં અવારનવાર તેની પાસે દહેજમાં સામાન માગવામાં આવતો હતો.

નણંદ અને નણદોઈ તેમજ બીજી નણંદ પણ તેઓ સાથે ત્યાં રહેવા ગયાં હતાં અને તેની પાસે નોકરાણી જેમ કામ કરાવતા હતા. તમામ ભેગા મળી માનસિક ત્રાસ આપતા હતા. બાદમાં તેઓ અમદાવાદના રામોલ ખાતે રહેવા આવ્યા હતા. સોનલના પતિ ધર્મેન્દ્રએ ધંધો શરૂ કર્યો હતો, જેમાં લાઇટ બિલના 50 હજાર રૂપિયા સોનલને લાવવાનું કહેતાં તેણે મારઝૂડ કરી હતી. સોનલને કાઢી મૂકતાં બંને બાળકોને લઈ પિયર જતી રહી હતી. થોડા દિવસ બાદ પતિ તેની બહેનને લઈ ઘરે આવ્યો હતો અને દીકરાને જબરદસ્તી લઈને જતો રહ્યો હતો. પાડોશીએ તેમને જાણ કરી હતી કે તમારો દીકરો તમારા વગર રહેતો નથી અને રડે છે જેથી દીકરા માટે 50 હજાર લઈ સાસરીમાં રહેવા ગઈ હતી.

સાસુ અને સસરાએ તમે તમારી દીકરીના નામે મકાન લઈ આપો તો અમે તેને હેરાન નહીં કરીએ તેવો વિશ્વાસ અપાવતાં ફરી સાસરીમાં મોકલી હતી. સૂર્યમ પ્રાઇડમાં રહેવા મોકલ્યા હતા, પરંતુ તેમણે માનસિક અને શારીરિક ત્રાસ ચાલુ રાખ્યો હતો. સમાજમાં ઈજ્જત રહે માટે તારા નામે મકાન લીધું છે અને મુન્નીના નામે મકાન કરવાનું છે કહેતા હતા. મારા પિતા પીઆઇ છે અને એક ભાઈના છૂટાછેડા થયા છે અને બીજા ભાઈના છૂટાછેડા ન થાય માટે તારા નામે મકાન લીધું છે, એમ નણંદ મુન્ની અને મનીષા સોનલને કહેતી હતી. પીઆઇ હોવાથી બધા દાવપેચ જાણે છે અને એવો નિકાલ કરીશું કે અમારા નામ નહીં આવે એવી રીતે કહેતા હતા.

ફરિયાદ મુજબ, સસરા પ્રતાપદાન પીઆઇ કડીમાં હતા. ત્યારે તેઓ એસીબી ટ્રેપમાં પકડાયા હતા. જેથી તું અભાગણ છે અને તારાં પગલાં સારાં નથી કહી મહેણાંટોણાં મારતાં હતાં. ભાણીના ભણવાનો ખર્ચ પણ અમારી પાસેથી લેતા હતા. ધર્મેન્દ્રદાનને કોરોના થતાં તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સોનલને કોરોના વોર્ડમાં મોકલતાં ધર્મેન્દ્રને કંઈ થયું તો ઘરમાંથી કાઢી મૂકીશ. સાજા થવા માટે વાસણિયા મહાદેવ ખાતે ઉઘાડા પગે ચાલીને જવાની બાધા પણ રાખી હતી. સસરા પ્રતાપદાન પોતે હું પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું તેમ આખું પોલીસ સ્ટેશન કરે છે તો તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે કહી ગાળો આપતા હતા.

એટલું જ નહીં પતિ ધર્મેન્દ્રદાન અવાર નવાર મોબાઈલમાં ગંદી ક્લિપ જોઈ સુષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચરતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

તો બીજી તરફ પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી સોનલબેન ગુરુવારે ચિઠ્ઠી મૂકીને ઘર છોડી ગયાં હતાં. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘હું મરવા જઉં છું.’એટલું જ નહીં પિતાને ઓડિયો-ક્લિપ પણ મોકલી હતી, જેમાં જણાવ્યું હતું કે ‘તે મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, તે શું મરવાનો હતો, હું જ તેને મરીને બતાવી દઈશ’ મારા દીકરા અને દીકરીનું ધ્યાન રાખજો. પપ્પા, ભાઇલા બધાય હિંમત રાખજો. આ ઓડિયો-ક્લિપ મળે તો મને ગોતવાની તકલીફ ન કરતાં, હું નહીં મળું તમને. હું એવી રીતે મરીશ કે કદાચ તમને મળીશ પણ નહિ. આ ઓડિયો તમને મળશે ત્યાં સુધીમાં હું આ દુનિયામાં નહીં રહી હોય.

આ મામલે કૃષ્ણનગર પોલીસે પતિ, સાસુ-સસરા સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 34 ,  1