ચા-કોફી, નાસ્તાના પૈસા માગ્યા તો યુવકે રાત્રે ગલ્લાને આગ લગાડી દીધી

વટવા જીઆઇડીસી પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી તપાસ આદરી

ચા-કોફી અને નાસ્તાના પૈસા બાકી હોવાથી ગલ્લાવાળાએ યુવકને કોફી આપી ન હતી અને પૈસા માગ્યા હતા. જેથી આ મામલે યુવકે ગલ્લા વાળા સાથે ઝઘડો કરી ત્યાંથી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ સાંજે યુવક આવ્યો હતો અને ગલ્લો સળગાવી દેવાની ધમકી આપી હતી. પછી મોડી રાત્રે યુવકે ગલ્લાને આગ લગાડી દીધી હતી. જેથી આ મામલે વૃદ્ધે યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

શહેરના વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા 65 વર્ષિય શાંતિલાલ ભુદરભાઇ વારીયા EWS ક્વાટર્સ પાસે જ કોમન પ્લોટમાં એક કેબીન ધરાવી પાન મસાલાનો ગલ્લો તેમજ ચની કિટલી તથા જમવાનું બનાવાનો વેપાર કરે છે. ગત 27 જાન્યુઆરીના રોજ સવારે શાંતિલાલ દિકરા સહિતના લોકો સાથે ગલ્લા પર હાજર હતા. ત્યારે ચિંતન ઉર્ફે ગજની ચૌહાણ નામનો ગ્રાહક આવ્યો હતો. તેણે અગાઉ ચા-કોફી નાસ્તાના પૈસા આપ્યા ન હતા. તેથી તેને કોફી આપવાની ના પાડી દીદી હતી. તેથી ચિંતને બોલચાલ કરતા શાંતિલાલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. જેથી ચિંતન ત્યાંથી પલાયન થઇ ગયો હતો. જેથી પોલીસ ત્યાં આવતા શાંતિલાલે ચિંતન સામે અરજી આપી હતી.

પોલીસ જતી રહેતા ચિંતન પરત આવ્યો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે ધમકી આપી હતી કે, આગ લગાડી દઇશ 24 કલાકમાં બતાડી દઇશ ચાની હોટલ જતી રહેશે. આટલું કહ્યાં બાદ તે ત્યાંથી જતો રહ્યો હતો. સાંજે ગલ્લા બંધ કરી તેઓ નોકરીએ જતા રહ્યાં હતા.

આ દરમિયાન પરોઢીયે પાંચ વાગ્યે રાહુલભાઇ નામના વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ગલ્લામાં આગ લાગી છે. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા તેમણે ઘટના સ્થળ પર જઇ આગ પર કાબુ મેળવી દીધો હતો. જો કે, ત્યાં સુધી બધુ બળીને ખાખ થઇ ગયું હતું.

પ્રાથમિક તપાસ કરતા રાત્રે ચિંતન ગલ્લાની આસપાસ ફરતો હતો. જેથી તેણે જ આગ લગાવી હોવા મામલે શાંતિલાલે વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

તસવીર પ્રતિકાત્મક

 54 ,  1