Assembly Election Live: બંગાળ-અસમ સહિત 5 રાજ્યોમાં થઈ રહ્યું છે મતદાન

બંગાળ ચૂંટણીના ત્રીજા તબક્કામાં 31 બેઠકો માટે મતદાન

પશ્ચિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. બંગાળ અને આસામમાં ત્રીજા તબક્કાનું મતદાન છે જ્યારે કેરળ, પુડ્ડુચેરી અને તમિલનાડુમાં તમામ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તમામ રાજ્યોમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને અનેક દિગ્ગજ હસ્તિઓ પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહી છે.

બંગાળમાં મતદાન શરૂ થવાની સાથે જ ટીએમસીએ સાઉથ 24 પરગણા, હાવડાના અનેક પોલિંગ બૂથ પર મતદારોને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવાનો ચાલુ કરી દીધું છે. ટીએમસી સુરક્ષા દળો અને ભાજપના કાર્યકરો પર અનેક પ્રકારના આરોપ લગાવી રહી છે.

સુપરસ્ટાર રજનીકાંતે સવાર સવારમાં જ ચેન્નાઈ ખાતે મતદાન કર્યું હતું. તે સિવાય સુપરસ્ટારમાંથી નેતા બનેલા કમલ હાસને પણ મતદાન કર્યું હતું. કમલ હાસન પોતાની દીકરીઓ શ્રુતિ અને અક્ષરા સાથે મતદાન માટે પહોંચ્યા હતા. આ તરફ મેટ્રો મેન ઈ શ્રીધરને કેરળમાં મતદાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટરના માધ્યમથી તમામ રાજ્યના મતદારોને અને ખાસ કરીને યુવાનોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી.

પશ્ચિમ બંગાળ

બંગાળ ચૂંટણીના ત્રીજા તબક્કામાં 31 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 78 લાખ 50 હજાર મતદારો રજિસ્ટર્ડ  છે. આ તબક્કાના મતદાનમાં 205 ઉમેદવારો મેદાનમા છે. જેમાં ભાજપના સ્વપ્ન દાસગુપ્તા, ટીએમસીના આશિમા પાત્રા અને સીપીએમના કાંતિ ગાંગુલી પ્રમુખ નેતા છે. 

આસામ

આસામ ચૂંટમીના ત્રીજા  અને અંતિમ તબક્કામાં 40 બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં કુલ 337 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. જેમાં રાજ્યના મંત્રી હિમંત બિસ્વા સરમાનું નામ પણ સામેલ છે. બોડોલેન્ડ પ્રાદેશિક ક્ષેત્ર (બીટીઆર)ના 3 સહિત 12 જિલ્લાની આ બેઠકો પર મતદાન થશે. છેલ્લા તબક્કામાં 25 મહિલા ઉમેદાવારોના ભાગ્યનો ફેસલો પણ ઈવીએમમાં કેદ થશે. 

કેરળ

કેરળમાં 140 બેઠકો માટે મતદાન થશે. જેમાં કુલ 957 ઉમેદવારો પોતાના ભાગ્યને અજમાવી રહ્યા છે. 2 કરોડ 74 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગત ચૂંટમીમાં એલડીએફને 91 અને કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(યુડીએફ)ને 47 બેઠકો મળી હતી. અહીં બહુમત માટે 71  બેઠકો જોઈએ છે. 

તામિલનાડુ

તામિલનાડુમાં પહેલા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. આજે 234 બેઠકો માટે 3998 ઉમેદવારો પોતાનું  ભાગ્ય અજમાવી રહ્યા છે. રાજ્યમાં 6કરોડ 28 લાખ મતદારો છે. ચૂંટણીમાં મુખ્યમંત્રી પલાનીસ્વામી, નાયબમુખ્યમંત્રી ઓ પનીર સેલ્વમ, દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિન, એએમએમકે સંસ્થાપક ટીટીવી દિનાકરણ, અભિનેતા અને મક્કલ નીધિ મય્યમના સંસ્થાપક કમલ હસન, નામ તમીઝાર કાચ્ચીના નેતા સીમાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ એલ મુરુગન સહિત 3998 ઉમેદવારો મેદાનમાં છે. 

પુડુચેરી

પુડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ વખતે 324 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ચૂંટણી પંચ અને આદર્શ આચાર સંહિતાના નિર્દેશોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર તથા નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ તમામ રાજ્યોમાં કેન્દ્રીય સુરક્ષા દળોની ભારે તૈનાતી કરાઈ છે.

 20 ,  1