બોસ, વાંચવા જેવુ છે હોં..પોતાની સલામતી માટે 1400 કિ.મી. દૂર જેલમાં બંધ થયો ખૂંખાર કેદી..!

જેના જામીન અરજીની સુનાવણી માટે હાઈકોર્ટના 10 જજોએ ના પાડી હતી…

યુપીનો ગેંગસ્ટર કે જે પૂર્વ સાંસદ પણ છે તેને બીક છે કે તેની સાથે વિકાસ દુબે જેવુ થઇ શકે…

આ ગેંગસ્ટરની સામે 50-100 નહીં પણ પૂરા 250 કરતાં વધુ ગુનાઓ ચોપડે બોલે છે…

છે ને કોઇ ફિલ્મની પટકથાને ટક્કર આપે એવી રસઝરતી કથા….

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલ એક ઐતિહાસિક જેલ છે. આ જેલમાં અંગ્રેજોએ ગાંધીજીને પણ કેદ કર્યા હતા. સાબરમતી જેલને બોંબથી ઉડાવી ખૂંખાર આતંકીઓને ભગાડવાનો દાવો 1995માં જેલમાં રિસર્ચ માટે જતી એક યુવતી દ્વારા તે વખતે થયો હતો. થોડાક વર્ષો પહેલાં સાબરમતી જેલમાં સુરંગ બનાવીને આતંકીઓને ભગાડવાના કાવતરાનો ફર્દાફાશ થયો હતો. વિવિધ ગુનાઓમાં સાબરમતી જેલમાં બંધ કેદીઓની સાથે હાલમાં એક એવો કેદી પણ બંધ છે કે જેનું મૂળ વતન અમદાવાદથી 1400 કિ.મી. દૂર છે, તેના ઉપર 250 જેટલા ગુનાઓ નોંધાયા છે, તે પૂર્વ સાંસદ પણ છે, લ્યો કરો વાત…એટલુ જ નહીં તેની જામીન અરજી ચલાવવા હાઇકોર્ટના 10 જેટલા જજોએ ના પાડી એવો એક કેદી ગુજરાતની જેલમાં પોતાની સલામતી માટે આવ્યો કે તેને લાવવામાં આવ્યો….!

પોતાને ન્યાય નહીં મળે એવી માંગણી સાથે કોઇ પોતાનો કેસ બીજા રાજ્યમાં ચલાવવા માંગે તો તે સમજી શકાય. પણ જેનીસામે 250 ગુનાઓ છે અને કાયદો ઘડનાર સંસદમાં બિરાજમાન થઇ ચૂક્યો છે એવો કોઇ આરોપી એમ કહે કે મને સ્થાનિક પોલીસ દ્વારા એન્કાઉન્ટરનો ડર છે તેથી તેને બીજા રાજ્યની જેલમાં લઇ જાઓ….અને તેની વાત માની પણ લેવાય અને તેને વિમાન દ્વારા લાવીને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે….! છે ને કોઇ ફિલ્મને ટક્કર આપે એવી રસઝરતી કથા….

ઉત્તરપ્રદેશના પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતીક અહેમદ દોઢ વર્ષથી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તેની સામે અત્યાર સુધીમાં 250 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેલમાં રહેલો અતીક અહેમદ આજે થર.થર કાંપી રહ્યો છે. તેને બીક છે કે, રાજકારણમાં તેના વિરોધી નેતાઓ અને પોલીસ અધિકારીઓએ મળીને યુપીમાં તેની હત્યાની સાજીશ રચી છે. સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ યુપીનો ગેંગસ્ટર અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં છેલ્લાં 16 મહિનાથી કેદ છે. એન્કાઉન્ટરનો ડર વ્યક્ત કરતા અતીક અહેમદે વકીલ મારફતે વીડિયો કોન્ફરન્સથી પોતાનો કેસ ચલાવવાની માંગ કરી છે.

પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને અમદાવાદ વચ્ચે 1450 કિલોમીટરનું લાંબુ અંતર છે અને બાહુબલી અતીક કિડની અને કરોડરજ્જુની ગંભીર બિમારીથી પિડાય છે. આ ઉપરાંત તેને સુગર ટાઈપ વન અને હાઈ બ્લડપ્રેશરની પણ બિમારી છે. વર્ષ 2019માં તેને આ કારણોસર જ ઉત્તરપ્રદેશથી અમદાવાદ પ્લેનમાં લવાયો હતો.

રસપ્રદ બાબત એ છે કે અતીક અહેમદે દાવો કર્યો છે કે, જેલમાં નિવેદન લેવા આવેલા એક પોલીસ કર્મચારીએ તેને એન્કાઉન્ટરની માહિતી આપી હતી. કોર્ટમાં હાજર કરવાની આડમાં રસ્તામાં જ હત્યા કરવાનું કાવતરૂ રચાઈ રહ્યું છે. આ પહેલાં પણ કેટલાય કેદીઓની આવી રીતે હત્યા થઈ ચૂકી છે. વર્ષ 2019માં મુન્ના બજરંગીની બાગપત જેલમાં વિરોધીઓ સાથે મળીને પોલીસ-એસટીએફે હત્યા કરાવી દીધી છે. અતીકે વકીલ દ્ધારા અરજી આપી પેન્ડીંગ કેસોમાં સમન ન આપવાની પણ માંગ કરી છે.

એમપી એમએલએ વિશેષ અદાલતના જજ ડૉ. બાલમુકુંદે અરજી પર સુનાવણી કરી છે. અદાલતે આ મામલે સાક્ષી કોન્સ્ટેબલ મહેશ પ્રસાદ દિક્ષિતને 4 નવેમ્બરના રોજ ફરી જુબાની આપવા આદેશ કર્યો છે. એમપી એમએલએ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સની સુવિધા નહીં હોવાથી તે સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા જજને વિનંતી કરી છે.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી એક બિઝનેસમેનનું અપહરણ કરી કેટલાક ગુંડાઓ 300 કિલોમીટર દૂર દેવરિયા જેલમાં લઈ જાય છે. જેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. કેમ કે, લોકોમાં ડર બનેલો રહે. મોહિત જયસ્વાલ નામના બિઝનેસમેને આ ઘટના બાદ એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં અતીક અહેમદ પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ અતીકને દેવરિયા જેલથી બરેલી જેલમાં મોકલી દેવાય છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા સીબીઆઈને ગુનો નોંધી તપાસ કરવાનો આદેશ થાય છે. અતીકના પુત્ર સહિત પંદરથી વધુ શખ્સો સામે ગુનો નોંધાય છે. સુપ્રીમ કોર્ટ 23 એપ્રિલ 2019ના રોજ યુપીની બહાર મોકલી આપવા સરકારને આદેશ કર્યો હતો..

એક ઘોડાગાડીવાળાનો છોકરો અને હાઈસ્કુલમાં નાપાસ થયેલો અતીક ગુનાખોરીથી સાંસદ સુધીની સફરમાં કરોડોની સંપત્તિનો માલિક બની ગયો હતો. 17 વર્ષની ઉંમરમાં અતીક પર હત્યાનો આરોપ લાગ્યો હતો. પોલીસનો દાવો છે કે, અતીકે બેનંબરના ધંધાથી કરોડો રૂપિયાની સંપત્તિ વસાવી છે. યોગી સરકારે ગેંગસ્ટર એક્ટ હેઠળ અતીકની 7 મિલ્કતો જપ્ત કરી છે. જેની કિંમત 60 કરોડની થાય છે.

સામે ચાલીને જામીન રદ્દ કરાવી જેલમાં ગયેલા અતીક અહેમદને પોલીસે ઢોર માર માર્યો. એક વર્ષ બાદ બહાર આવેલા અતીકે કોંગ્રેસના એક સાંસદની મદદથી રાજકારણમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું અને વર્ષ 1989માં યુપી વિધાનસભા ઈલેકશનમાં અલાહાબાદ પશ્ચીમ બેઠક પરથી અપક્ષ તરીકે ફોર્મ ભર્યું. અતીકની ટક્કર હતી ચાંદ બાબા સાથે. બંને વચ્ચે કેટ કેટલી વખત ગેંગવોર થઈ ચૂકી હતી. અતીક ઈલેકશનમાં જીતી ગયો. ત્યારબાદ ચાંદ બાબાની ગેંગ ખતમ થઈ અને પછી ચાંદ બાબા પણ. ચાંદ બાબાની હત્યા બાદ અતીક સામે ઈલેકશનમાં ઉભા રહેવાની કોઈએ હિંમત દાખવી નહીં.

વર્ષ 1991 અને 1993માં અપક્ષ તરીકે વિજેતા બન્યો. વર્ષ 1996માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચોથી વખત જીત્યો. 1999માં અપના દળમાં ગયો અને હારી ગયો. 2002માં અપના દળમાં ચૂંટણી લડ્યો અને પાંચમી વખત એમએલએ બન્યો. વર્ષ 2003માં મુલાયમસિંહ યાદવની સરકાર બની અને અતીકની સપામાં વાપસી થઈ. 2004માં ફુલપુરથી ચૂંટણી લડી અતીક સાંસદ બની ગયો. એક વખત અતીકની વિધાનસભા બેઠક જીતી ગયેલો તેમજ પ્રતિસ્પર્ધી મનાતા રાજુ પાલની 19 ગોળી મારી હત્યા કરાઈ. મૃતકની પત્ની પૂજા પાલે અતીક સહિત અન્ય સામે ફરિયાદ નોંધાવી હતી.

વર્ષ 2012માં અતીક અહેમદ જેલમાં બંધ હતો. વિધાનસભાની ચૂંટણી લડવા અપના દળમાંથી ફોર્મ ભર્યું. અલાહાબાદ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અતીકે અરજી કરી હતી. જેની સુનાવણી કરવાની એક નહીં પરંતુ 10 જજોએ ના પાડી દીધી. આખરે 11માં જજે જામીન અરજીની સુનાવણી કરી અને અતીક જામીન પર મુક્ત થયો. જેની હત્યા કરાઈ હતી તે રાજુ પાલની પત્ની પૂજા સામે અતીક ઈલેકશન લડ્યો અને હારી ગયો હતો.

દિનેશ રાજપૂત

 142 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર