24 વર્ષે ઝડપાયેલા દાઉદના સાગરીત સામે ATSએ સી સમરી ભરી

પાસપોર્ટનો ગુનો નોંધ્યો હતો, તે ગુનો જમશેદપુરમાં પણ નોંધાયો હોવાથી સમરી ગ્રામ્ય કોર્ટે ગ્રાહ્ય રાખી

24 વર્ષથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીને ગુજરાત એટીએસે ઝડપી જેલમાં મોકલી આપ્યો છે. અબ્દુલ મજીદ કુટ્ટીએ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમનો સાગરિત છે. વર્ષ 1996ના મહેસાણામાં આર્મ્સ હોલ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસમાં અબ્દુલ મજીદે બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ ગયો હોવાનું બહાર આવતા તેની સામે નવી ફરિયાદ દાખલ કરી હતી. જેની તપાસ માટે પોલીસ જમશેદપુર ગઇ હતી. ત્યારે આ જ મામલે તેની સામે અગાઉ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. જેથી એટીએસના અધિકારીએ એટીએસમાં નોંધાયેલ અબ્દુલ મજીદના કેસમાં સી સમરી ભરી હતી. તે સમરી ગ્રામ્ય કોર્ટે ગ્રાહ્ય રાખી છે. 

અંડરવલ્ડ ડોન અને મોસ્ટ વૉન્ટેડ ટેરરીસ્ટ દાઉદ ઈબ્રાહીમનો ખુબ જ નજીકનો ગણાતો અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત એટીએસે થોડા સમય પહેલા ધરપકડ કરી હતી. મહેસાણામાં 1996માં શસ્ત્રો ઉતારવાના કેસના ફરાર આરોપી અબ્દુલ મજીદ કુટ્ટીને ઝડપી લઈ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી સફળતા મેળવી હતી. મહેસાણામાંથી 1996માં પાકિસ્તાન બનાવટની 124 પિસ્ટલ, 750 કારતુસ, 4 કિલો RDX અને અઢી કરોડના વિસ્ફોટકો કબ્જે થયા હતા.

ગુજરાત એટીએસની ટીમે ઝારખંડથી અબ્દુલ મજીદની ધરપકડ કરીને તેને એટીએસ હેડક્વૉટર્સ લઈને આવ્યા હતા. જ્યાં તપાસમાં તે બનાવટી પાસપોર્ટ બનાવીને મલેશિયા ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બનાવટી પાસપોર્ટ મામલે નવો ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટથી અબ્દુલ મજીદની ધરપકડ કરી હતી અને છેલ્લા 24 વર્ષથી અબ્દુલ મજીદ નાસ્તો ફરતો હતો તો તે ક્યાં ક્યાં ગયો હતો ? કોની કોની સાથે તે સંપર્કમાં આવ્યો હતો ? અને કોણ તેને મદદ કરી રહ્યો હતો ? તે તમામ સવાલોના જવાબો મેળવવા માટે એટીએસના ઓફિસર્સ દ્વારા અબ્દુલ મજિદના રિમાન્ડ લીધા હતા. 

જેમાં તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, અબ્દુલ મજીદએ છોટા શકીલ, છોટા રાજનની સાથે અનેક વાર મુલાકાત લીધી હતી. તેમજ અન્ડરવલ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ખુબજ નજીકનો સાગરીત ગણાતો હતો. ઉપરાંત પોલીસ અબ્દુલ મજીદને લઇ જમશેદપુર તપાસમાં ગઇ હતી. જ્યાં એવો ખુલાસો થયો હતો કે, આજ મામલે તેની સામે જમશેદપુરમાં અગાઉ દાખલ થયેલો હતો.

આમ એક જ ગુનાની બે ફરિયાદ થઇ હોવાનું સામે આવ્યું હતું. જેથી એટીએસએ અમદાવાદમાં નોંધાયેલ બોગસ પાસપોર્ટના ગુનામા ” સી ” સમરી રિપોર્ટ કોર્ટમાં ભરી હતી. જેમાં પોલીસે જણાવેલ કે આ કામના આરોપીની સામે જમશેદપુરમાં આ જ ગુનાની ફરિયાદ દાખલ થયેલી છે. જેથી કોર્ટ કાર્યવાહી બંધ કરવામાં આવે.

કોર્ટે પોલીસ તરફથી રજૂ થયેલી સી – સમરી રિપોર્ટને મંજુર કરી હતી. અને આરોપીને આ જ ગુના પૂરતું છોડી મુકવાનો હુકમ જાહેર કર્યો હતો. જેથી અબ્દુલ મજીદ વિરુદ્ધ બનાવટી પાસપોર્ટ ના કેસની કાર્યવાહી હવે પછી જમશેદપુરમાં ચાલશે.

અબ્દુલ મજીદ જેલમાંથી છુટશે નહીં બોગસ પાસપોર્ટના ગુનામાં એટીએસએ સી સમરી દાખલ કરી દીધી છે. જો કે,અબ્દુલ મજીદ સામે મહેસાણાના હથિયાર અંગેનો ગુનો પડતર છે ઉપરાંત જમશેદપુરનો ગુનો પણ પડતર છે. આ બન્ને કેસમાં આરોપીને જામીન મળ્યા નથી. તેથી તે જેલમાંથી છુટી શકશે નહીં પરંતુ બોગસ પાસપોર્ટના અમદાવાદના કેસમાં આરોપીને રાહત મળી છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર