વેલેન્ટાઇન ડે મનાવવા નહીં, ભણવા આવ્યો છું કહેનાર યુવક પર હુમલો

યુવકને પથ્થર વડે ફટકારતા લોહીલુહાણ થયો

કાગડાપીઠ પોલીસે બે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી

કોલેજો શરૂ થતા જ વિવિધ ડેની ઉજવણી શરૂ થઇ ગઇ છે. ત્યારે શહેરની વિવેકાનંદ કોલેજમાં વેલેન્ટાઇન ડે મનાવવા નહીં ભણવા આવ્યો છું તેમ કહેનાર યુવકને ફટકારી પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને ઇજા થતા એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતો સચિન પરિહાર વિવેકાનંદ કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. 11મીના રોજ તે નિત્યક્રમ મુજબ ઓફિસ ગયો હતો અને બપોરે બે વાગ્યે લેક્ચર પુરા થતા તેના મિત્ર સંદીપ સાથે નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે બીજા વર્ષમાં અભ્યાસ કરતા બે છોકરા અને બીજી છોકરીઓ તેમની સાથે સીડી ઉતરી રહી હતી. ત્યારે બે છોકરાઓએ કહ્યું હતું કે, વેલેન્ટાઇન ડે ચલ રહા હૈ. જેથી સચિને જણાવ્યું હતું કે, અમે અહીંયા વેલેન્ટાઇન ડે માનાવવા આવ્યા નથી. અમે અહીંયા કોલેજમાં ભણવા માટે આવ્યા છીએ. તમે આવી ખરાબ વાતો કરશો નહીં. ત્યારબાદ સંદીપ અને સચિન નીચે ઉતરી ગયા હતા. તેઓ નીચે ઉભા હતા ત્યારે બે અજાણ્યા વ્યક્તિ તેમની પાસે આવ્યા હતા.

બન્નેએ જણાવ્યું હતું કે, તને બહુ હવા ચઢી ગઇ છે તું મને ઓળખ તો નથી. તેમ કહી સચિન સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. ઉપરાંત બિભત્સ ગાળો બોલતા સચિને ગાળો ન બોલવા જણાવ્યું હતું. જેથી બન્ને યુવકો ઉશ્કેરાઇ ગયા હતા અને માર મારવા લાગ્યા હતા. આ સમયે સચિન નીચે પડી ગયો હતો. ત્યારે એક યુવકે પાસે પડેલ પથ્થર લઇ સચિનના માથા મારી દીધો હતો. આ સમયે સચિન લોહીલુહાણ થતા તેનો મિત્ર સંદીપ તેને છોડાવવા વચ્ચે પડ્યો હતો. આ સમયે બુમાબુમ થતા અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

આ દરમિયાન તકનો લાભ લઇ બન્ને શખસો પલાયન થઇ ગયા હતા. પછી સચિનને એલજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ અંગે કાગડાપીઠ પોલીસને જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પોલીસે આ મામલે બે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

 53 ,  1