‘હું ઇન્દ્રની અપ્સરા.. મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ…’

ભાજપ મહિલા અગ્રણીનો ઓડિયો ક્લિપ વાયરલ

રાજકોટના ભાજપના મહિલા અગ્રણી સીમા જોશીએ પતિ વિરુદ્ધ છેડતીના કેસમાં ભોગ બનનાર અને શિક્ષિકાને ધમકાવી હતી. ત્યારે તેમની આ ધમકીનો કથિત ઓડિયો વાયરલ થયો છે. સાથે જ તેઓ ઓડિયોમાં કહી રહ્યા છે કે, “હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ.”

ભાજપના મહિલા અગ્રણી પતિ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. નવી મેંગણી ગામે આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોશી વિરુદ્ધ શાળાની બે વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે દિનેશ જોશીના પત્ની ભાજપના નેતા સીમાબેન જોશીએ ભોગ બનનાર પીડિતા અને શિક્ષિકાને ધમકાવતા હોય તેવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

મીડિયા રીપોર્ટ મુજબ, ભાજપ મહિલા મોરચાનાં હોદ્દેદાર સીમા જોશીએ પીડિતા અને શિક્ષકને ફોન પર ધમકાવતા કહ્યું હતું કે, ” હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ.” સીમાબેને ધમકાવ્યા બાદ તેના પુત્રએ ફોન પર વાત કરીને પીડિતાને પોલીસ બોલાવીને ફિટ કરી દેવાની ધમકી આપી હતી.

હું શું કામ ધમકી આપું. આ અમને બદનામ કરવાનું કાવતરું – ભાજપ મહિલા અગ્રણી

જોકે આ સમગ્ર મામલે ઓડીયો ક્લિપ વાયરલ થતા ભાજપ મહિલા અગ્રણી સીમા જોશીએ જણાવ્યું હતું કે, મેં કોઈ વિદ્યાર્થીની કે શિક્ષિકાને ધમકી આપી નથી. શિક્ષિકા પ્રિયંકા તો મારી ભાણી છે તેને હું શું કામ ધમકી આપું. આ અમને બદનામ કરવાનું કાવતરું છે.

ફરિયાદ બાદ સંચાલક દિનેશ જોશી ફરાર

રાજકોટ જિલ્લાના લોધિકા પોલીસ મથક વિસ્તારના નવી મેંગણી ગામમાં આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલમાં સંચાલક દિનેશ જોશીએ ધોરણ 9ની બે વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કર્યા હોવાનો આરોપ લાગ્યો હતો. પોલીસે આરોપી સંચાલક વિરુધ્ધ પોકસો તેમજ એટ્રો એક્ટ અંતર્ગત ગુનો નોંધાતા જ સ્કૂલ સંચાલક ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી અને ઠેરઠેર તેના આશ્રય સ્થાનો પર દરોડા પાડ્યા હતા જો કે હજુ સુધી આરોપી પોલીસ હાથ લાગ્યો નથી.

સગીરાઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલક દિનેશ કેટલાક સમયથી તેમની સામે ખરાબ દ્રષ્ટિથી જોતો હતો અને છેલ્લા એક મહિનામાં અલગ અલગ બહાના હેઠળ ઓફિસમાં બોલાવતો હતો અને પાછળથી જકડી રાખી અડપલાં કરતો હતો એક મહિનામાં છ વખત આવા કૃત્ય કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. પોલીસે ગુનો નોંધ્યા બાદ રવિવારે બંને વિદ્યાર્થિનીના વિસ્તૃત નિવેદનો નોંધ્યા હતા, તેમજ ગુનો નોંધાતા જ નાસી છૂટેલા દિનેશની શોધખોળ તેજ કરવામાં આવી હતી.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી