ટળ્યું પ્રત્યાર્પણ : ડોમિનિકાનો મેહુલ છે મોજમાં…

ડોમિનિકાથી મેહુલ ચોક્સીને લીધા વગર જ અધિકારીઓ ખાલી હાથે પાછા ફર્યા

ડોમિનિકાની હાઈકોર્ટમાં મેહુલ ચોક્સીના કેસની સુનાવણી પૂરી નહીં થાય ત્યાં સુધી પ્રત્યાર્પણ ટળ્યું. એક માસ સુધી પ્રક્રિયા પાછી ઠેલાય તેવી શક્યતા. મેહુલ ચોક્સીને ભારત લાવવાની પ્રક્રિયા લગભગ એક મહિના સુધી પાછી ઠેલાઈ ગઈ છે. મેહુલ ચોક્સીને લેવા ગયેલા ભારતીય અધિકારીઓ ખાલી હાથે સ્વદેશ પાછા ફર્યા છે. ડોમિનિકાની હાઈકોર્ટે મેહુલ ચોક્સીના કેસની સુનાવણી કરવાની તૈયારી બતાવી હોવાથી હવે તાત્કાલિક પ્રત્યાર્પણની શક્યતા ખતમ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ ,સીબીઆઈ ડીઆઈજી શરદ રાઉતના નેતૃત્વમાં મલ્ટિ એજન્સી ટીમ મેહુલ ચોક્સીને લેવા માટે ડોમિનિકા પહોંચી હતી, પરંતુ ડોમિનિકાની હાઈકોર્ટે મેહુલ ચોક્સીના કેસની સુનાવણી માટે તૈયારી બતાવી હોવાથી હવે પ્રત્યાર્પણની પ્રક્રિયા પાછી ઠેલાઈ ગઈ છે. તેના કારણે ભારતીય તપાસ એજન્સીઓના અધિકારીઓ મેહુલ ચોક્સીને લીધા વગર જ ડોમિનિકાથી ભારત પાછા ફર્યા હતાં.પંજાબ નેશનલ બેંકમાં ૧૩,૫૦૦ કરોડના કૌભાંડનો આરોપ લાગ્યા પછી મેહુલ ચોક્સી ફરાર થઈ ગયો હતો. તે પછી મેહુલ ચોક્સી ડોમિનિકામાં હોવાથી ભારતના વિદેશ મંત્રાલયે તેના પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા શરૃ કરી હતી. ડોમિનિકામાં ગેરકાયદે ઘૂસણખોરી મુદ્દે મેહુલ ચોક્સીને જામીન આપવાનો નીચલી કોર્ટે ઈનકાર કર્યો તે પછી ભારતને મેહુલ ચોક્સીનો કબજો મળે તેવી શક્યતા ઉજળી બની હતી. પરંતુ હાઈકોર્ટે મેહુલ ચોક્સીની અરજીને સુનાવણી માટે માન્ય રાખતા પ્રત્યાર્પણની પ્રક્રિયા પાછી ઠેલાઈ ગઈ હતી.

સૂત્રો અનુસાર ,રજૂ થયેલા અહેવાલો પ્રમાણે મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ જૂન માસના અંત સુધી થાય તેવી શક્યતા નથી. તેના પર ડોમિનિકામાં બે કેસની સુનાવણી થવાની છે. એક ડોમિનિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા મુદ્દે અરજી થઈ છે. બીજી અરજી ભારત અને એન્ટીગુઆની પ્રત્યાર્પણની માગણી સંદર્ભમાં પણ સુનાવણી થશે. આ બંને સુનાવણીનો કોઈ નિકાલ આવશે નહીં ત્યાં સુધી મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ પાછું ઠેલાયું છે.

વધુ વિગતોમાં ,ડોમિનિકાના મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે હાઈકોર્ટમાં મેહુલ ચોક્સીની આગામી સુનાવણી ૧લી જુલાઈ પહેલાં થાય તેવી શક્યતા નથી. તેની ગેરકાયદે એન્ટ્રી મુદ્દે આગામી સુનાવણી લગભગ ૧૪મી જુને થાય તેવી શક્યતા છે. આ બંને સ્થિતિમાં એટલિસ્ટ એક માસ સુધીનો સમય મેહુલ ચોક્સીના વકીલોને મળી ગયો છે.

ઉપરાંત ભારતે ઈન્ટરપોલની નોટિસ મેહુલ ચોક્સી સામે જારી કરી હોવાથી ભારતના પ્રત્યાર્પણની માગણી વધુ મજબૂત છે. બીજી તરફ એન્ટીગુઆએ પણ ભારતની તરફેણ કરી હોવાનું કહેવાય છે. એન્ટીગુઆના વડાપ્રધાને ડોમિનિકાને કહ્યું હતું કે, મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ ભારતને કરવું જોઈએ. મેહુલ ચોક્સી ડોમિનિકામાં ઘૂસ્યો તે પહેલાં એન્ટીગુઆમાં રહેતો હતો. ગત ૨૩મી મેના રોજ તે ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.

હાલ તો કરોડોનો ધુમાડો કરીને ગયેલા મેહુલ ચોકસીને ભારત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હોય તેવું લાગી રહ્યું છે .

 60 ,  1