મોરબી સિવિલ સહિતના આરોગ્ય કેન્દ્રમાં આયુષ તબીબોને વધારાની ફરજ સોંપાઈ

જિલ્લા આરોગ્ય અધિકારી કહે છે હડતાળથી કોઈ ફર્ક નહીં પડે

મોરબી જિલ્લામાં પંચાયત અને સિવિલ હેઠળ 80 જેટલા ઈન સર્વિસ તબીબો ફરજથી અળગા

પોતાની પડતર માંગણીઓને લઈ આજથી સમગ્ર રાજ્યના ઈન સર્વિસ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા છે. ત્યારે મોરબી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 80 જેટલા તબીબો પણ હડતાલ જોડાતા આરોગ્ય સેવાને આંશિક અસર પડી છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ હોવાથી હડતાળની કોઈ અસર નહીં પડે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા જણાવી રહ્યા છે.

રાજ્યના ઈન સર્વિસ તબીબોને સાતમા પગારપંચની વિસંગતતા દૂર કરવી, એનપીએ આપવું, પ્રતિ નિયુક્તિના ધોરણે ફરજ ન સોંપવી સહિતના મુદ્દે લાંબા સમયથી લડત ચલાવવા છતાં સરકાર દ્વારા વાટાઘાટ બેઠક બાદ પણ પ્રશ્ન ન ઉકેલતા આજથી આ ચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે ત્યારે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 80 જેટલા તબીબ પણ આ હડતાળમાં જોડાયા છે. જો કે કોરોના મહામારીમાં દિવસ રાત જોયા વગર ફરજ બજાવનાર આ તબીબોની હડતાળથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે અને આજથી જ મોરબી સિવિલમાં હડતાળને પગલે દર્દીઓની કતારો જોવા મળી હતી ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાએ ઈન સર્વિસ તબીબોની હડતાળથી કોઈ ફર્ક નહીં પડે તેવું જણાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઈન સર્વિસ તબીબોની હડતાળને પગલે મોરબી સિવિલ, હળવદ અને વાંકાનેર સિવિલમાં અસર વર્તાઈ છે. જો કે મોરબી સિવિલમાં દર્દીઓ હેરાન ન થાય તે માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે. જે અન્વયે જનરલ ઓપીડીમાં આયુર્વેદ વિભાગમાંથી ડો. ખ્યાતિબેન ઠકરાર અને ડો.રસીલાબેનને મુકવામાં આવ્યા છે. જયારે ફલુ ઓપીડીમાં ફિઝીયોથેરાપીસ્ટ ડો. અવની પટેલ મુકાયા છે.

જો કે, ફિઝીશ્યન ઓપીડીમાં ડો. પી. કે. દુધરેજીયા હડતાલમાં જોડાયા નથી અને સેવા ચાલુ રાખી છે જયારે ઈમરજન્સી અને આઈસોલેશન વોર્ડમાં ગાયનેક વિભાગમાંથી રેસીડન્ટ ડોકટર ડો. નિશીથ પટેલ મુકવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં પંચાયત વિભાગના 35 સહીત કુલ 80 તબીબો અચોક્કસ મુદતની હડતાળમાં જોડાતા હાલ તો આયુષ તબીબોથી આરોગ્ય સેવાની ગાડી પાટે ચડાવવા તંત્ર પ્રયત્નશીલ બન્યું છે.

જનક રાજા

 15 ,  1