અમદાવાદમાં ટિકિટ પર બબાલ, ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી : આપી પાર્ટી છોડવાની ચીમકી

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા 

ભાજપે ગઈકાલે તમામ મહાનગરપાલિકાના પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુઁ છે. આ લિસ્ટ જાહેર કરાયા બાદ લગભગ તમામ મહાનગરપાલિકામાં ભાજપને નારાજગી, વિરોધનો સામોનો કરવો પડ્યો છે. તો કેટલાક પાલિકામાં રાજીનામા અને પક્ષપલટાની કામગીરી પણ થઈ રહી છે. આવામાં અમદાવાદમાં અનેક કાર્યકર્તાઓની નારાજગી ભાજપે વહોરી લીધી છે. અમદાવાદના લિસ્ટમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યું છે. ત્યારે અમદાવાદમાં અનેક વોર્ડમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. જેમાં ભાજપના ખાનપુરના કાર્યાલય ખાતે પણ નારાજ કાર્યકર્તાઓનું મોટું જૂથ પહોંચ્યું હતું. જેને પગલે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર કાર્યાલયે દોડી આવ્યા છે અને ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે. તો ભાજપના શહેર પ્રભારી આઈકે જાડેજાએ પણ નારાજ કાર્યકર્તાઓને મનાવવાના પ્રયાસો કર્યા હતા.

વહેલી સવારથી ભાજપના નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય ખાતે રજૂઆત કરવા એકઠા થયા છે. જોકે વહેલી સવારથી ધારાસભ્ય, શહેર પ્રભારી, શહેર પ્રમુખ અને પદાધિકારીઓ કાર્યકરોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કેટલાક કાર્યકરો ઉગ્ર રજૂઆત કરી પોતાની માગ પર અડગ છે અને કેટલાક લોકોએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર કાર્યાલયે દોડી આવ્યા છે.

આ મામલે અમદાવાદ શહેર પ્રભારી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે અમારી પાર્ટી દ્વારા જે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે એમાં તમામ પાસાંને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. જોકે કાર્યકરોની નારાજગી હોય એ સ્વાભાવિક છે, પણ અમે તમામ જોડે વન ટુ વન બેસીને ચર્ચા કરી છે, તમામને સમજાવ્યા છે. પ્રદીપસિંહ જાડેજા પણ અહીં એક કાર્યકરના ભાગરૂપે આવ્યા છે, તેઓ પણ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ મને લાગે છે કે અમારા કોઈપણ કાર્યકર રાજીનામું નહીં આપે.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા ખાનપુર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે શહેર પ્રભારી આઈ કે જાડેજા અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ સાથે મુલાકાત કરી હતી. તેમજ ઉમેદવારો જાહેર થયા બાદની સ્થિતિ અંગે ચર્ચા પણ કરી હતી.

 99 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર